સામાન્ય રીતે આપણે સત્સંગ એટલે સારો સંગ કે સાચો સંગ સમજીએ છીએ. શુદ્ધ વિચાર કે સજ્જન વ્યક્તિનો સંગ એટલે સત્સંગ એવી પણ આપણી સમજ છે. ઘણીવાર આપણે ધાર્મિક વાતોને પણ સત્સંગ તરીકે ઓળખીએ છીએ પરંતુ એ તો સંવાદ માત્ર છે. વાસ્તવમાં સંવાદમાં રહેલો આદરભાવ જ્યારે પૂજ્ય ભાવમાં પરિણમે ત્યારે તે સત્સંગ બને. આમ પણ સત્સંગ એટલે સતનો સંગ એટલે કે સત્યનો સંગ એમ સમજીએ તો સત્ય એટલે ઈશ્વર અને ઈશ્વરનો સંગ એટલે સત્સંગ. અને આવા સત્સંગ માટે મૌન એ પૂર્વશરત છે. કેમકે નીરવ શાંતિ કે મૌન વગર ઈશ્વરનો અનુભવ થાય કેવી રીતે? દુનિયાનું કોઈ જ્ઞાન બહાર નથી બધું જ અંદર છે જેથી મૌન દ્વારા તે મેળવવાનો અને અનુભવવાનો પ્રમાણિક પ્રયત્ન થવો જોઈએ. સત્સંગ સુધી પહોંચવા અહંવાદથી ઉપર ઉઠી સંવાદની અવસ્થા સુધી પહોંચવું પડે જે માટે આ પાંચ બાબતોને સમજવી પડે.
૧) વાદ
૨) વિવાદ
૩) વિખવાદ
૪) અહંભાવ
૫) સંવાદ અને અંતે
…સત્સંગ. જેનું પ્રથમ પગથિયું છે મધ્યમા અવસ્થા એટલે કે કંઇ પણ બોલતા પહેલા કે પ્રતિક્રિયા આપતા પહેલા મધ્યમાં થોડું થંભી જવું જો વ્યક્તિ વિવેકપૂર્ણ હોય તો બોલતા પહેલા આવું બોલવું કે ન બોલવું તે અંગે કંઈક વિચારે, આવી મધ્યમાં અવસ્થા જ વ્યક્તિને સત્સંગ સુધી પહોંચાડી શકે. જેના માટે ચાર બાબતોથી બચવું પડે
૧) વાદ- આમ તો વાદ એટલે બોલવું. સામાન્ય રીતે વાદની પ્રક્રિયામાં વૈખરી વાણીનો ઉપયોગ થતો હોય છે. વાસ્તવમાં મનુષ્યની ક્ષમતા સપૂર્ણ ચૈતન્યને અનુભવવાની છે પરંતુ આપણે આપણા જાગ્રત મનની શક્તિને વાદ દ્વારા નબળી કરી નાખીએ છીએ. મહાન વૈજ્ઞાનિકો, ડૉક્ટરો, વિચારકો અને ઉત્તમ નેતાઓ આ સો ટકા શક્તિના ૧૦ થી ૧૨ ટકા વાપરે છે. જ્યારે સામાન્ય માણસ જાગૃતમનની શક્તિનો માત્ર એકથી બે ટકા જ ઉપયોગ કરી શકે છે. સત્સંગ સુધી પહોંચવા વાદને કાબૂમાં રાખવો આવશ્યક છે.
૨) વિવાદ- વાદમાં જ્યારે વ્યક્તિ અતિ આગ્રહી કે ઝનૂની બને ત્યારે વિવાદ સર્જાય છે. આવા અનેક બિનજરૂરી વિવાદો જેવા કે ભાષાનો વિવાદ, રિવાજનો વિવાદ, નાત-જાત, ભૌગોલિક વિસ્તાર, રાષ્ટ્રવાદ વગેરે મનુષ્યની શક્તિને નષ્ટ કરે છે. જેથી જાગ્રત મન અથવા અંતર-મન નબળું પડે છે. અને સત્સંગ (ઈશ્વર) સુધી પહોંચવું કઠિન બને છે.
૩) વિખવાદ- વિખ એટલે વિષ. ભયંકર વાણી દ્વારા ઝેર રેડાય તેવા શબ્દોનો ઉપયોગ એટલે વિખવાદ. વાદ-વિવાદથી પણ નીચેના સ્તરનો વાદ એટલે વિખવાદ. જેમાં માત્ર પોતાના સ્વાર્થ માટે અન્યમાં કટુતા કે વિરોધ પેદા કરવાનો પ્રયત્ન થાય છે. જેમકે રાજકારણમાં વોટબેન્ક માટે નાતજાતના ઉશ્કેરણી જન્ય વચનો બોલવા તે વિખવાદ છે.
૪) અહંવાદ- વાદ, વિવાદ અને વિખવાદ વગેરેનું મૂળ કારણ અહંકાર છે. અહંકારથી બંધાયેલો મનુષ્ય જ વાદ વિવાદ કે વિખવાદમાં ભાગીદાર બને છે. જ્યાં સુધી તે પોતાનામાં રહેલો અહંકારભાવ મક્કમ સંકલ્પ અને સાધના દ્વારા દૂર કરી, પ્રકૃતિએ બક્ષેલા એક ટકા જાગૃતમનને વધુ વિકસિત કરતો નથી અને સાક્ષીભાવ પેદા કરતો નથી ત્યાં સુધી તે સત્સંગના પડાવ સુધી પહોંચી શકતો નથી. સાક્ષીભાવ વિનાની સર્વ વાતચીત અહંભાવનું જ પ્રદર્શન કરે છે.
૫) સંવાદ- અહંવાદ, વાદ, વિવાદ, વિખવાદ વગેરેથી ઉપર ઉઠી જ્યારે એક માણસ અન્યની વાતને આદરપૂર્વક સાંભળે છે ત્યારે સંવાદનો જન્મ થાય છે. સંવાદ એટલે સમ્યક રીતે બોલવું એટલે કે અહંકારમુક્ત વિધાન કરવા. સંવાદમાં સામાન્ય રીતે બોલનાર અને સાંભળનાર વચ્ચે સંતુલન સધાય છે. જે વાદ-વિવાદમાં શક્ય નથી. સંવાદમાં આદરભાવનું તત્વ રહેલું છે જેના દ્વારા મનુષ્ય કંઈક વિશેષ મેળવી શકે છે. આમ સંવાદની અવસ્થામાં પહોંચેલ મનુષ્ય સત્સંગમાં સરળતાથી પહોંચી શકે છે.

વાસ્તવમાં મનુષ્ય જીવનનું લક્ષ્ય જ વાદ-વિવાદ, વિખવાદ, અહંભાવ વગેરે માંથી છૂટી સંવાદ અને સત્સંગમાં પ્રવેશવાનું છે. જેના દ્વારા જ અદ્વૈતની આનંદયાત્રા શરૂ થાય છે. જેના માટે આવશ્યકતા છે સંકલ્પ અને સંયમની. સંકલ્પ અને સંયમ દ્વારા સાધના શરૂ કરવામાં વિલંબ ન કરવો કેમ કે મનુષ્ય જીવન મુઠ્ઠીમાંથી રેતની જેમ સરકી જાય છે અને આપણે કશું જ પામી શકતા નથી. આમ સંકલ્પ અને સાધના દ્વારા અદ્વૈતના આનંદમાં પ્રવેશવાની સીડીનું નામ છે સત્સંગ. જેના માટે કમસે કમ બોલવાથી વિપરીત સાંભળવાની આદત કેળવવી જોઈએ. પરંતુ સાંભળવાનું શું? કોઈ વાદવિવાદ, ટીવી- રેડિયો કે અન્ય બિન જરૂરી વાતો નહીં. માત્ર પ્રાકૃતિક નાદ જેમ કે પક્ષીઓનો કલરવ, ઝરણાંઓ નાદ, સાગરનો ઘુઘવાટ અને સાથે સાથે પોતાની અંદર રહેલ આત્માનો (સ્વનો) નાદ, જે પ્રયત્ન કરવાથી અવશ્ય સાંભળી શકાય છે. જે ચાલે છે તે જ પહોંચે છે એ ન્યાયે પ્રત્યેક મનુષ્ય આવા આનંદવાદનો હકદાર છે. અહંવાદમાં ભટક્યા કરવું મનુષ્ય જેવા બુદ્ધિશાળી જીવો માટે શોભાસ્પદ નથી. અમૂલ્ય માનવજીવન આમ જ હાથમાંથી સરી જાય તે પહેલા સત્સંગની મંગલમય યાત્રા તરફ પ્રથમ પગલુ ભરવાનો સંકલ્પ અવશ્ય આજે જ કરી લેવો જોઈએ.
~ શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ


















































