સફળતા અને ખુશી… શુ એ બન્ને એક સાથે મળવી શક્ય છે ? જો હા, તો એક સવાલ આ વાંચનાર સૌને કે શુ તમે તમારી હાલની જીવનશૈલીથી ખુશ છો ? જો તમારો જવાબ ના છે તો મતલબ એમ કે તમે ખુશી અને સફળતા બંનેને એક સાથે પચાવી શકવા સક્ષમ નથી. એક વેપારી છે જે મહિને પચાસ હજાર રૂપિયાનો નફો કરે છે છતાં એ દુખી છે અને એક સામાન્ય મધ્યમવર્ગીય માણસ છે, જે મહિને પંદર હજાર કમાય છે એ ખુશ છે. એક વિદ્યાર્થી બોર્ડમાં 94 ટકા માર્કે પાસ થાય છે અને નિરાશ છે અને આત્મહત્યા કરવાના વિચારો સુદ્ધાં લાવી દે છે તો બીજો વિદ્યાર્થી 75 ટકા માર્કે પણ ખુશખુશાલ છે. કારણ ? તમે કઈ રીતે પરિસ્થિતિને જુઓ છો એ બાબત પર આ પ્રશ્નનો જવાબ આધાર રાખે છે. જો તમારા માટે રૂપિયા તમારી ખુશીનું કારણ છે તો મહત્વની બે વાત, નંબર 1, જો તમારી પાસે રૂપિયા ઓછા છે તો તેનું સમાધાન છે પણ નંબર 2, જો તમને તમારી પાસે રહેલા રૂપિયા ઓછા લાગે છે તો એનું કોઈ સમાધાન નથી. સ્વયં કુબેરભંડારીની પણ ઓકાત નથી કે એ માણસને એ ખુશ રાખી શકે.
આચાર્ય રત્નસુંદરસૂરિ મહારાજના એક કાર્યક્મમાં આ પ્રસંગ સાંભળેલો. લગભગ દિલ્હીમાં એક માણસએ શાનદાર પાર્ટીનું આયોજન કરેલું. મહેમાનોને આમંત્રણ અને ઢોલનગારા સહિત આખા વિસ્તારમાં છોકરાનો વરઘોડો ફેરવ્યો અને લગભગ સૌ કોઈને મિઠાઈ ખવડાવી. કારણ પૂછતા જણાવ્યું કે એમનો છોકરો પરીક્ષામાં 60 ટકા સાથે બે વિષયમાં નાપાસ થયો છે. કૌતુક આ તો… છોકરાના નાપાસ થયાની પાર્ટી ? તો કહે ના, નાપાસ થયાની નહિ પણ મે મારા દીકરાને પૂછેલું કે બેટા આવતા વર્ષે પાસ થઈ જઈશ તો એણે કહ્યું કે પપ્પા સો નહિ પણ બસો ટકા પાસ થઈ જઈશ અને બાકીના વિષયોમાં પણ છે એના કરતા સારા ગુણ સાથે. આજે એ બાપને છોકરો નાપાસ થયો એ વાતનું દુખ ન હતું પણ એના છોકરામાં જે પરીક્ષા પાર કરી બતાવવાની ધગશ હતી એ વાતનો ગર્વ હતો. ઘમંડ હતો એને એના દીકરા પર કે જે જમાનામાં નેવું નેવું ટકા લાવનાર લોકો આપઘાત કરી લે છે ત્યાં એના દીકરાએ ફરી ભણીને પાસ થવાનું પૌરુષત્વ બતાવ્યું છે અને એ દીકરાએ એ વાતને સાબિત પણ કરી બતાવી. જો તમારા માટે ગુણ મહત્વના છે તો પણ મહત્વની બે વાત, નંબર એક, જો તમારી પાસે ગુણ ઓછા છે પણ તમારામાં મહેનત કરવાની ધગશ છે તો તમે ચોક્કસ સફળ થશો અને નંબર બે, જો નેવું ટકા માર્કે પણ તમે નાસીપાસ થાવ છો તો તમે એ સફળતાને લાયક જ નથી. સાક્ષાત સરસ્વતી પણ એને સમજાવવામં નહીં પહોંચી વળે.
આજના યુગમાં તમે સહુ સોશ્યલ એકટિવિસ્ટ છો. તમે સહુ જાણો છો કે તમે આવતીકાલના રાષ્ટ્રના ઘડવૈયા છો. તમારુ યોગદાન દેશને મહત્વપૂર્ણ બની રહેશે તો કદી વિચાર્યુ છે કે શુ યોગદાન આપશો તમે ? મા બાપ બે શબ્દ કહેશે તો કોલર પકડી લેવા સુધીના અને હવે તો છાપામાં મા-બાપની હત્યા સુધીના સમાચાર આવી ગયા છે. સાવ આટલા નીચે ઊતરી ગયા છીએ આપણે ? જરા જેટલી પણ સહનશક્તિ નથી રહી આપણમાં ? વાહન ચલાવતી વખતે પણ જરા જો બાજુવાળાની ગાડી અડી તો પણ ભાંડવાનું શરૂ..અરે એ તો ઠીક, પણ જોવે છે કે આગળ કોઈ વાહન જઈ રહ્યું છે તો પણ એને ઓવરટેક કરીને આગળ જવાની ઉતાવળ ? એવા તો કયા ઓલિમ્પિકની રેસમાં આપણે ભાગ લઈ રહ્યાં છે ? એક નો પાર્કિંગના બોર્ડ લગાવેલા વિસ્તારમાં પણ આપણને ગાડી થોભાવ્યા વગર નથી ચાલતું અને પછી સોશ્યલ મીડિયા પર સરકાર દ્વારા રચાયેલા કાયદાની દુહાઈ દેવાનું શરૂ કરી દઈએ છીએ શુ આ જ છે આપણુ અનુશાસન ? ? શુ આ જ છે આપણું આપણા રાષ્ટ્ર પ્રત્યેનું યોગદાન ? ?
ક્યારેક એમ વિચાર આવે કે આ તો બસ લખવાની કે છાપવાની વાતો છે તો બે જણ વિશે ખાસ વિચારી લેજો. એક, દેશની સરહદે લડતો સૈનિક અને બીજો દેશની અંદર કુદરત સાથે લડતો ખેડૂત. આ બંને જણ એવા છે કે જેઓ તેમને સોંપાયેલા કામથી પણ ખુશ છે અને સફળ પણ. ભલે સૈનિક કોઈ સર્જિકલ સ્ટ્રાઈકમાં ભાગ ન લે કે સરકાર તરફથી સન્માન પ્રાપ્ત ન કરે પણ જ્યારે નોકરીના એ પંદર વરસ પૂરા કરીને પાછો આવે ને ત્યારે એ પોતાની જિંદગી સફળ ગણે છે. જે પરિસ્થિતિમાં રહીને એ પોતાને ખુશ સમજે છે એ પરિસ્થિતિની તો કલ્પના કરવાની પણ આપણી હેસિયત નથી. આખું વરસ તપતી ગરમી, કડકડતી ટાઢ, વરસતા વરસાદમાં કામ કર્યા પછી પણ જ્યારે પાક નિષ્ફળ જાય ત્યારે એક ખેડૂતના મનની જે મનોદશા હોય છે એ નહિ સમજી શકીએ આપણે કારણ કે આપણી પાસે સમય જ નથી એ વિષયમાં વિચારવાનો. ક્યારેક એવા ખેડૂત બાઈઓના પગને જોજો જે ડાંગરના ધરૂ રોપતી હોય. અસહ્ય પીડા હોવા છતાં તે મજૂરી કરે છે કારણ કે એ પીડા થકી જે અનાજ પેદા થાય એમાંથી આપણે સૌ જમી શકીએ. ના તો એમને સરકારી સહાયના ઠેકાણા હોય છે કે ના સબસિડીના. અનાજ સારું પાકે તો ભાવ આવશે કે નહિ એની ચિંતા તેમ છતા કોઈ મહેમાન કે માર્ગ ભૂલેલો માણસ ખેડૂતના બારણે જાય તો ભૂખ્યો પાછો ન વળે અને એ માણસ જમ્યા પછી જે ઓડકાર ખાય ત્યારે એ ધરતીપુત્રને એની મહેનત સફળ જણાય.
કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહેવું છે તો એના ચાર પગલા છે જે સમજવા જેવા છે.:
- Attitude Must Be In Prowess.
- Be Punctual Forever.
- Count Always
- Dream Higher Till You Can Apply Efforts For.
હવે આપણે આ તમામ વિષયો પર વિગતવાર ચર્ચા કરીશું.
- Attitude Must Be In Prowess.
જિંદગીમાં ભલે ગમે તેટલી ઊંચાઈ પર પહોંચો કે પ્રસિદ્ધિ પામો પરંતુ પગ જમીન પર હોવા જરૂરી છે કારણ કે સૌથી પહેલી પતંગ પણ એ જ કપાય છે જે સૌથી વધુ ઊંચાઈ પર હોય. એટિટ્યૂડ એટલે અભિગમ પણ થાય અને વલણ પણ અને આ બંને વસ્તુ ઓકાતમાં રહીને કરવી જોઈએ. જ્ઞાન ટીપાં જેટલું ન હોય અને ઘમંડ નદી જેવડો હોય તો દરિયો નજીક આવતા વાર નહીં લાગે. નમે તે સૌને ગમે.
- Be Punctual Forever.
સૌથી મહત્વની વાત, કમિટમેન્ટ. જો તમારી પાસે આવડત છે, કલા છે, કૌશલ્ય છે પણ સમયનું મેનેજમેન્ટ કરતા નથી આવડતું તો એ બધું વ્યર્થ છે. જો કોઈ વ્યક્તિ તમને કોઈ કામ આપે અથવા તમે એની પાસેથી કામ લો છો તો એ આપેલ સમયમર્યાદામાં પૂરું કરવાની તૈયારી પણ બતાવો. જો તમે સમયની કિંમત નહિ આંકો તો સમય તમારી કિંમત આંકી જશે.
- Count Always
સંજોગો કેવા પણ કેમ ન હોય પરંતુ એને તમારી તરફ કઈ બાજુ વાળવા એ તમારા પર નિર્ભર છે. કચ્છ બોર્ડર પરના ગામના એક યુવાનનો એક કિસ્સો. એ છોકરો ખૂબ સરસ ગાય અને સંગીત વગાડે. એક દિવસ એને ગંભીર અકસ્માત નડ્યો. થોડા સમય પછી જ્યારે એના માતા પિતા એને મળ્યા ત્યારે તે રડવા લાગ્યા. ત્યારે એ મા બાપને છાના રાખતા દીકરો કહે છે કે મા, બાપુજી તમે રડશો નહિ. આ તો શૂળીનો ઘા સોયથી ટળ્યો. મને ગંભીર ઈજા તો થઈ છે પણ થવા કાળે તો મારું મોત પણ થઈ શકતું હતું. સારી વાત એ છે કે હું હાથે પગે સહી સલામત છું અને કામ કરી શકું છું તો આપણી પાસે જે છે અને વધાવતા શીખવું જોઈએ.
- Dream Higher Till You Can Apply Efforts For.
સ્વપ્ન જોવું એ ગુનો નથી પરંતુ સ્વપ્ન જોયા પછી એને સાકાર કરવાની દિશામાં પ્રયત્ન સુદ્ધાં ન કરવો અને પછી નિષ્ફળતાનો ટોપલો કિસ્મતના માથે ઢોળી દેવો એ કોઈ ગુનાથી પણ કમ નથી. જ્યાં સુધી તમારા પ્રયત્નોની પરાકાષ્ઠા છે ત્યાં સુધી જ તમારી મંજિલને તમારું પહેલું પગથિયું બનાવો કારણ કે સફળતા એ પારા સમાન છે. જેટલું નજીક જશો એમ એમ એ દૂર જતી લાગશે માટે એના માટે પોતાને એક એવા આવરણ સ્વરૂપે તૈયાર કરો કે તમે એ પારાને પોતાની અંદર સમાવી શકો, એને પચાવી શકો.
અને અંતે છેલ્લી એક વાત. જીવનમાં બનનારી દરેક ઘટના માટે ઈશ્વરને થેન્ક યુ કહેવાનું રાખો કારણ કે એણે દરેક વ્યક્તિને એની ભોગવવાની અને માણવાની તાકાત પ્રમાણે જિંદગી આપી છે. એક વાત હંમેશા યાદ રાખવી કે જે જિંદગી આપણે જીવીએ છીએ ને, એ લાખો લોકો માટે એક સ્વપ્ન છે તો ભગવાનનો પાડ માનો કે તમે એ લાખો લોકોના સ્વપ્નાની હકીકત છો.

















































