તેમનો જન્મ ઈ.સ.૧૯૦૭ ની ૩ ઓક્ટોબર નાં રોજ ગુજરાત રાજ્યનાં જામનગર શહેરમાં થયો હતો. તેઓએ એમ.એ. સુધીનો અભ્યાસ પુર્ણ કરીને પ્રાધ્યાપક તરીકે અને પછીથી પ્રિન્સિપાલ તરીકે સેવા આપી હતી. તેઓ શિક્ષણની સાથે સાથે સાહિત્યમાં પણ ખુબજ સફળ રહ્યા હતાં. તેઓએ ગુજરાતી ભાષા, વ્યાકરણ અને લેખન પર ખુબજ ઉમદા કાર્ય કર્યુ હતું. તેઓએ ઈ.સ.૧૯૬૬ માં ન્યૂયોર્ક ખાતે આંતર રાષ્ટ્રીય શિબિરમાં ભારતીય લેખકોનું પ્રતિનિધિત્વ પણ કર્યુ હતું. આ ઉપરાંત મનસુખલાલે તેમનાં જીવનકાળ દરમિયાન અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃતિ કરી હતી.
તેમનું સાહિત્ય ક્ષેત્રનું પ્રદાન જોઈએ તો…
વિવેચન – પર્યેષણા, કાવ્યવિમર્ષ, અભિગમ, દ્રષ્ટિકોણ, કનૈયાલાલ મુનશી, ન્હાનાલાલ
કાવ્ય – આરાધના, ચંદ્રદૂત, ફૂલદોલ, અભિસાર, ડૂમો ઓગળ્યો
સંપાદન – સાહિત્યલહરી ભાગ ૧, ૨, ૩; ગુજરાતી ભાષા વ્યાકરણ અને લેખન – ભાગ ૧-૨ , પ્રેમાનંદ કૃત ‘દશમ સ્કંધ’, ગુજરાતી ટૂંકી વાર્તા, આપણા ઉર્મિકાવ્યો ભાગ ૧-૨, દયારામ
અનુવાદ – સ્મૃતિભંશ અથવા શાપિત શકુંતલા, રામસંહિતા, ભારત – આજ અને કાલ, હેમ્લેટ, મેકબેથ, ઓથેલો
તેઓનું અવસાન ઈ.સ.૧૯૮૧ ની ૨૭ ઓગષ્ટે મુંબઈ ખાતે થયુ હતું.
👉 તેમનાં જ એક સોનેટથી તેમને કાવ્યાંજલી અર્પણ કરીને ભાવવંદન કરીએ 👏💐… 👇
નહીં તિમિર કે નહીં ઝગમગાટ મધ્યાહ્નનો,
પરંતુ રસરાગનો મૃદુલ, મુગ્ધ, મીઠો ધરી
ધરી જ સુકુમાર આ પરમ શુદ્ધિનાં ચિહ્ન શો;
ઊઠી મધુર આળસે કુસુમસ્હોડમાંથી સરી,
હસી કંઈ અધૂકડું, ઢળી ઢળી જતી આંખથી,
સુષુપ્ત ઉર રેલતી સ્મિતસુધા સુહાગે ભરી;
અને કમળકોમળા કરથી, નીંદની પાંખથી
જગાડી ઉરના રણત્ઝણણતા બધા તારને
અડાડી નિજ અંગુલિ, અતળ મૌનની માંહ્યથી,
સનાતન વહાવતી સ્વરતણી સુધાધારને,
ઘડીક વિલસી, વિલીન પળ માત્રામાં થૈ જતી,
ઉષા ક્ષણિક જીવને કરતી શા ચમત્કારને !
ઉષા મુજ ઉરે કદા, સ્મિત સુહાગથી શોભતી,
ઊગી, વહવશે નદી ક્ષણિકતા થકી શાશ્વતી ?
~ કવિ મનસુખલાલ ઝવેરી

Compilation by Mansi Desai


















































