રૂપ એનું નામ જેને દૂરથી આદર મળે,
ચાંદને જો કોઈ અડકી લે કેવળ પથ્થર મળે.
પ્રેમમાં ખુદને જ ઠગવામાં અનેરી મોજ છે,
પત્ર હું મુજને લખું જો આપના અક્ષર મળે.
નામ લઈને રામનું ડૂબી જવામાં છે મઝા,
રામને નામે ભલે તરતા અહી પથ્થર મળે.
થઈ ગયું એવું કે અંતે હું જ ખોવાઈ ગયો,
શોધ મારી એ હતી કે કોઈ મને સહચર મળે.
ઊંઘથી અમને ગરજ છે, ઊંઘ આવે ઓ ‘મરીઝ’,
ફૂલની ઉપર નહી, કાંટા ઉપર બિસ્તર મળે.
~ મરીઝ


















































