“अगला स्टेशन Western Express Highway,दरवाजे दायीं और खुलेंगे”…
એનાઉન્સમેન્ટ થતાં જ મયંક બેગ લઈ ને ગેટ પાસે આવી ગયો..દરવાજો ખુલતાં જ એક નજર મેટ્રોમાં ચઢવા માટે રાહ જોઈ રહેલી ભીડ પર નાખી અને સહુથી પહેલાં ઉતરીને મેટ્રો સ્ટેશનની બહાર આવી ગયો, બહાર નીકળતા પહેલાં ચેક કરી લીધું કે મેટ્રો કાર્ડમાં કેટલાં પૈસા બચ્યાં છે..સાથે સાથે એ પણ વિચારી લીધું કે એ કાર્ડમાં બચેલા પૈસા કેટલાં દિવસ ચાલશે, બધું જ રોજની જેમ..
બહાર નીકળીને બેસ્ટની લાલ બસ ‘126’ બસ ની રાહ જોવા લાગ્યો, આમ લિમિટેડ અને એ.સી બસ પણ હતી પણ એમાં ભાડું વધારે લાગે એટલે એ પૈસા બચાવવા માટે સસ્તી બસમાં યાત્રા કરતો…
નસીબજોગે બસમાં એને વિન્ડો સીટ મળી ગઈ હતી,બેગ માંથી ઈયરફોન કાઢીને કાન માં લગાવ્યા અને બારીના સહારે માથું ટેકવી બહાર જોવા લાગ્યો..
સૂર્ય આખા દિવસની નોકરી કરી ને અસ્ત થવાની તૈયારી માં હતો..અને સંધ્યા અંધકારનું રૂપ લઈને માયાનગરી મુંબઈને વશમાં કરવા આવી ગઈ હતી, બારીમાંથી આવતી હવા મયંકના ચેહરા પર ટકરાઈ રહી હતી તો એની આંખ બંધ થઈ જતી હતી અને એ હવાની લહેરખી એના ચહેરા પર મંદ હાસ્ય અર્જિત કરી રહી હતી.
પછી એકાએક કઈક યાદ આવ્યું,પર્સ ખોલી એક ફોટો જોયો ત્યારે ચેહરા પર ની મુસ્કાન વધી ગઈ..જો કે ઈયરફોન એક બાજુથી જ ચાલી રહ્યું હતું પણ છેલ્લા ઘણાં દિવસોથી એને એક જ કાને ઈયરફોનથી સંગીત સાંભળવાની આદત પડી ગઈ હતી..
અચાનક બ્રેક લાગી અને સામે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને આસપાસ ફેલાયેલી પંચતારક હોટેલોની રોશની જોઈને એની આંખોમાં પણ ચમક આવી ગઈ. નાનપણથી જ સાંભળતો કે મુંબઈ એટલે એક એવો દેશ જ્યાં તમારું પોતાનું ઘર હોય એટલે તમે રાજા..પણ ધીરે ધીરે સમજમાં આવ્યું કે ઘણાં સપનાઓ સાચા નથી હોતા..
ધીરે ધીરે આંખોની ચમક ફિક્કી પડતી ગઈ, બસ આગળના એક ફ્લાયઓવર પર ચઢી રહી હતી અને મયંકનું દિલ ફરી સ્વપ્નો જોવા લાગ્યું…
કોઈ દિવસ જિંદગી પણ આ પુલની જેમ જમીનથી ઉપાડી ને વાદળોની નજદીક લઈ જશે..પછી ત્યાંથી બરાબર નિહાળીશ. આ વિશાળ ગગનચુંબી ઈમારતોને, જેને હમણાં જોતા જોતા ગર્દનમાં દર્દ થાય છે, આ લાંબા પુલ ની જેમ મારી જિંદગી પણ ઊંચાઈઓ પર ચાલશે..પુલ ભલે છેવટે નીચે ઉતરે છે,પણ હું ફરી નીચે નહી ઉતરું..ઉપર થી જોઈશ એ બધાં જ લોકોને જે અત્યારે મને માથું ઝુકાવીને નથી જોઈ રહ્યાં, એ બધાને જે ખુદ ને મારાથી બહુજ મોટા માને છે,પણ હું આ બધાની જેમ નહી બનું, હું તો…..
આહ, અચાનક ફરીથી બ્રેક લાગી, આ વખતે ખૂબ જ જોરથી લાગી અને માથું આગળની સીટમાં અથડાઈને પાછું બારીમાં અથડાયું, માનો જાણે બસ હવામાં ઉડી રહી છે, આંખો સામે અંધારા છવાઈ ગયા છે…
લોકો વાત કરી રહ્યાં હતાં કે પુલથી ઉતરતી વખતે બસ બેકાબુ થઈ ગઈ અને પુલની રેલિંગ તોડીને નીચે પટકાઈ..
જોરદાર ધડાકા પછી બધેજ એક ભેંકાર વ્યાપી ગયો..
લોહીમાં લથપથ કાચના ટુકડાઓ રસ્તા પર ફેલાયેલા હતાં, અમુક શરીરમાં હજુય હલનચલન હતું,બાકી અમુક શાંત પડ્યા હતાં.. એક શરીર રસ્તાના સાઈડ માં પડ્યું હતું, માથું ફાટી ગયું હતું અને મગજ બહાર આવી ગયું હતું..
ઉંમર હશે લગભગ ૨૫-૨૬ વર્ષ..પાસે એક બેગ મળી જેમાં કોમ્યુટર રીપેરીંગ નો થોડોક સમાન હતો..ખિસ્સામાં એક પર્સ મળ્યું,જેમાં એક આધાર કાર્ડ,મેટ્રો કાર્ડ,થોડાં પૈસા અને વિરારની એક કમ્પ્યુટર હાર્ડવેર,સોફ્ટવેર રીપેરીંગની દુકાન નું કાર્ડ પડ્યું હતું..પર્સ માં સહુથી આગળ એક ખિલખિલાટ હસતો ફોટો પણ હતો,કદાચ લગ્ન થવાના હતા એનાં…
થોડેક દૂર એક ફોન મળ્યો,સ્ક્રીન ક્રશ થઈ ગઈ હતી અને લાઈટ ચાલું હતી..ફોનનું મ્યુઝિક પ્લેયર ઓન હતું અને એકજ ગીત રિપીટ મોડ પર ચાલી રહ્યું હતું..
” रुक जाना नहीं.. तू कहीं हार के.. काँटो पे चल के मिलेंगे साये बहार के……”


















































