કોઈપણ ખેલાડી પોતાના ચાહકોના દિલો પર ત્યારે જ રાજ કરી શકે છે કે જ્યારે તે વિપરીત સંજોગોમાં અથવા તો ખાસ મેચોમાં સુંદર દેખાવ કરે છે. આ પ્રકારના ખેલાડીઓને મોટા મેચ પ્લેયર કહેવામાં આવે છે. ડિએગો મારાડોના, પેલે, લારા, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર મોટા મેચ પ્લેયર રહ્યા છે.
પોતાની નાનકડી કારકિર્દીમાં રિષભ પંતે એ બાબતને વારંવાર સિદ્ધ કરી દીધી છે કે તે મોટો મેચ પ્લેયર છે. દેવભૂમિ ઉત્તરાખંડના રૂડકી શહેરનો પંત હવે દેશનો સુપરસ્ટાર છે. તેની સફળતાને એ રૂપમાં પણ જોવી પડશે કે નાનકડા શહેરોના યુવાનો પોતાના આકાશને આંબી રહ્યા છે.ભારતે થોડા સમયના અંતરમાં જ ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં અને પછી ઈંગ્લેન્ડની ટીમને ટેસ્ટ ક્રિકેટમાં પરાજિત કરી છે. આ બંને સિરીઝમાં પંતનો દેખાવ જોરદાર રહ્યો છે. તે જરા પણ દબાયા વગર રમે છે. તેને સામે ફાસ્ટ બોલર હોય કે સ્પિન બોલર, કોઈ ફરક પડતો નથી. પંત પોતાની સ્ફોટક બેટિંગ દ્વારા સૌ કોઈને પ્રભાવિત કરી ચૂક્યો છે. હવે પંતને સમગ્ર ક્રિકેટ વિશ્વ જાણે છે. પરંતુ મને તો તેની ચમત્કારી પ્રતિભાનો ખ્યાલ ત્યારે જ આવી ગયો હતો જ્યારે તે નાનકડા શહેર રૂડકીમાં રહેતો હતો. ત્યારે તે પ્રાથમિક શાળામાં હતો. ત્યારે મેં તેને મારા પોતાની શાળા ધી ઈન્ડિયન પબ્લિક સ્કૂલમાં દર વર્ષે આયોજિત થતી આસ પી સિંહા ટૂર્નામેન્ટમાં રમવા માટે બોલાવ્યો હતો. ત્યાં રમતના મેદાનમાં મને તેની અદ્ભુત ક્ષમતાઓનો પરિચય થયો અને મેં તરત તેને પોતાની દહેરાદૂન સ્થિત સંપૂર્ણ બોર્ડિંગ સ્કૂલમાં ૧૦૦ ટકા સ્કોલરશિપ સાથે દાખલ કરાવી દીધો. ત્યાં તેને યોગ્ય તાલીમ આપવામાં આવી. પોતાની ગૌશાળાના દૂધ-દહીંએ તેની શારીરિક ક્ષમતાનો વિકાસ કર્યો. તેને શ્રેષ્ઠ કોચિંગ પણ મળ્યું. તેના માટે એક ખાસ ક્રિકેટ કોચ રાખવામાં આવ્યા હતા. ઋષભના પિતા એક પ્રાઇમરી ટીચર હતા. તેમને તો વિશ્વાસ પણ નહોતો બેઠો કે તેમના બાળકને દહેરાદૂનની એક મોટી બોર્ડિંગ સ્કૂલમાં ૧૦૦ ટકા સ્કોલરશિપ સાથે એડમિશન મળી ગયું છે.
પંત અને મહેન્દ્રસિંહ ધોનીમાં ઘણી સમાનતાઓ નજરે પડે છે. બંને મૂળ રૂપથી દેવભૂમિ ઉત્તરાખંડના વતની છે. જો કે ધોનીનો પરિવાર રાંચીમાં વસ્યો છે. બંને સ્ટારડમ મળ્યા બાદ પણ વિનમ્ર છે. ધોની અને પંત હજુ પણ પોતાના વડીલોનો આદર કરીને તેમના ચરણસ્પર્શ કરે છે. આ કોઈ મોટી વાત નથી. ભારતનું ક્રિકેટ લગભગ ૧૦ વર્ષ સુધી ધોનીની આસપાસ રહ્યું છે. તે દરેકેદરેક ખરાબ સમયમાં વિકેટ પર પહાડની જેમ ઊભો રહી જતો હતો. પંત ઓસ્ટ્રેલિયાથી લઇને અમદાવાદની વિકેટ પર એક યોદ્ધાની જેમ ઊભો રહ્યો હતો. તેણે બંને સિરીઝમાં ભારતનો વિજય નિશ્ચિત કર્યો હતો. જો કે તેને ક્રિકેટનું જ્ઞાન આપવાવાળું કોઈ નથી પરંતુ તે પોતાના મનથી રમતો રહ્યો. તે બેજવાબદાર નથી પરંતુ ફટકાબાજી કરવી તેની સ્ટાઇલ છે. તે ભવિષ્યનો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે. તેણે હજુ ઓછામાં ઓછા ૧૨-૧૪ વર્ષ વધુ રમવાનું છે. પંત ઇચ્છે તો ધોની પાસેથી ઘણું શીખી શકે છે, ખાસ કરીને નેતૃત્વના ગુણ. ધોની વિજય અથવા પરાજયમાં કોઈ સાધુની માફક ર્નિિવકાર રહી શકે છે. તેના કારણે જ ધોનીને અન્યથી અલગ માનવામાં આવે છે. ભારતીય ક્રિકેટ પ્રેમીઓએ જરૂર કોઈ સારા કર્મ કર્યા હતાં કે તેમને આટલો જોરદાર કેપ્ટન અને બેટ્સમેન મળ્યો હતો.
પંત અને ધોનીની સફળતાની નવીનવી વાતો લખાય છે તે સિદ્ધ કરે છે કે દેશના નાના શહેરો પણ કોઈથી કમ નથી. પાછલા કેટલાક વર્ષો દરમિયાન જોવામાં આવ્યું છે કે દેશના મહાનગરો અથવા મોટા શહેરો ઉપરાંત નાના શહેરોના યુવાનો પણ સફળતાના શિખર પર વિરાજમાન છે. પાછલા વર્ષે હરિયાણાના પ્રદીપ સિંહે યુપીએસસીની પરીક્ષામાં દેશભરમાં ટોપ કર્યું હતું. સોનીપત જિલ્લાનો પ્રદીપ સિંહ ખેડૂત પરિવારનો છે. પિતા ખેતી કરે છે. પ્રદીપ સિંહે ૨૦૧૬માં યુપીએસસીની પરિક્ષા આપી હતી પરંતુ સફળતા મળી ન હતી. ૨૦૧૭માં પણ નિરાશા હાથ લાગી હતી. તે પછી તેણે ઇન્કમ ટેક્સની નોકરી કરી લીધી. ૨૦૧૮માં યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરી લીધી. તેને કસ્ટમ્સ એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં પ્લેસમેન્ટ મળ્યું. ત્યારે તે ટ્રેનિંગમાં હતો. ૨૦૧૯માં ફરી પરીક્ષા આપી હતી. હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લામાં શાહબાદ મારકંડા નામની એક જગા છે. ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ આ જગાથી આવે છે. તે પણ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તે રેલવેમાં નોકરી કરતી હતી. તેના પિતા મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતાં હતાં.
આનો અર્થ એ થયો કે હવે મોટી સફળતા એકલા મોટા શહેરોનો અધિકાર રહ્યો નથી. મોટા શહેરોમાં મોટા સ્ટેડિયમ અને બીજી આધુનિક સુવિધાઓ હશે. પરંતુ જુસ્સો તો નાના શહેરોમાં પણ ઓછો નથી. તેઓ અવરોધોને પાર કરીને સફળ થઇ રહ્યા છે. તેમનામાં અર્જુન દૃષ્ટિ છે. તેઓ જે કોઈ કામ કરે છે તેમાં પોતાની પૂરેપૂરી તાકાત લગાવી દે છે. તેઓ સોશિયલ મીડિયા પર બિઝી નથી રહેતા. હજુ થોડા સમય પહેલાં જ દિલ્હી, મુંબઈ, બેંગલુરૂ અને કેટલાક મોટા શહેરોની એલિટ શાળાઓ અને કોલેજોના સ્ટુડન્ટ્સ જ યુપીએસસી તથા બીજી ખાસ પરીક્ષાઓમાં ટોપ કરતાં હતાં. તેમના જ બાળકો એક્ટર, ખેલાડી વગેરે બનતાં હતાં. નવા ભારતમાં સફળતાનો સ્વાદ હવે તમામ રાજ્યોના નાના શહેરોના બાળકોને પણ લાગ્યો છે. વાસ્તવમાં હવે એક તાલમેલ બેસી રહ્યો છે. હવે સફળતા નાન-મોટા શહેરો અને મહાનગરોના યુવાનોને મળી રહી છે. પહેલાં એવી સ્થિતિ ન હતી. આ વાતને તમે પણ માનશો.
જુઓ કોઈક દેશની ભલે ગમે તેટલી બુરાઇ કરે પરંતુ એક બાબત તો માનવી જ પડશે કે હવે અંતરિયાળ વિસ્તારોમાં પણ માર્ગ બનવા લાગ્યા છે. હવે વીજ કાપથી કોઈનું જીવન બરબાદ થઇ રહ્યું નથી. ઇન્ટરનેટથી દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ છે. માહિતી અને જ્ઞાનની સુનામી આવી ચૂકી છે. દરભંગા, બરેલી, ગ્વાલિયરનો યુવાન પણ વિશ્વાસથી લથબથ છે. તે પણ પોતાની વાત રજૂ કરે છે. તમે તેને ઉડાવી શકતા નથી. તે પોતાના માટે યોગ્ય જગા બનાવી રહ્યો છે. તમને ગુરુગ્રામ, નોએડા, બેંગલુરૂ, મોહાલી જેવા મોટા આઈટી કેન્દ્રોમાં હજારો મેરઠ, આઝમગઢ વગેરે સ્થળોના આઈટી વ્યવસાયિકો દિવસ-રાત કામ કરતાં મળશે. તેઓ સમ્માનજનક પગાર મેળવે છે. જો અહીં નાના શહેરોથી આવતાં બાળકોના વાલીઓની કુરબાનીની પ્રશંસા કરવામાં નહીં આવે તો વાત અધૂરી ગણાશે. માતા-પિતા પોતાની પાસેના સીમિત સાધનો છતાં પણ પોતાના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અને કોચિંગ અપાવવા માટે તમામ કઠણાઈઓને આનંદથી સહન કરે છે. તેમના યોગદાનને કોઈ કેવી રીતે નજર અંદાજ કરી શકે?
VR Sunil Gohil


















































