‘ઘરની સફાઈ કરીને આ અસ્તવ્યસ્ત થયેલું કબાટ સરખું ગોઠવવાનું છે. કપડાની સાથે પુસ્તકોને પણ વ્યવસ્થિત મૂકવાના છે એ થઈ જાય એટલે સૌથી પેહલું કામ ઘરમાં કઈ કઈ વસ્તુ ખાલી થવા આવી છે એની લીસ્ટ બનાવીને અલગ મૂકી દેવી છે, એટલે સાંજે માથાકૂટ ન થાય. ચણાનો લોટ, અડદની દાળ, સાબુ, વાસણ સાફ કરવાનું લિકવીડ, ચાની ભૂકી ને બીજું કંઈ કેટલુંય લેવાનું થઈ ગયું છે. એટલે તારે જે કેહવાનું હોય તે જલ્દી પતાવ એટલે હું કામે વળગુ.’
‘હા , પણ તું કેટલા વાગ્યા સુધીમાં ફ્રી થઈશ ?’
‘ફ્રી થવાની વાત જ ન પૂછ . આજે તો હજી કલાક પહેલા મારી સવાર પડી છે ને કપડાય મશીનમાં નાખવાના બાકી છે ને એની પછી રસોઈ. આજે તો એમાં બધાંની ફરમાઈશ મુજબનું જમવાનું બનાવવાનું છે એટલે નીશું ને એના પપ્પા બેય રાજી’
‘સારું તો સાંજે મળવાનું રાખીએ. તું ખરીદી પણ સાથે સાથે કરી લેજે ને ઈ બહાને આપણે મળી પણ લઈશું.’
‘વાંધો નહીં, પણ મારે વહેલું નીકળવું પડશે, ઝાઝું રોકવાશે નહિ હોં !’
‘અરે યાર, આટલા દિવસે ભેગા થઈએ છીએ….મેં વિચાર્યું કે થોડા ગપ્પા મારીશું ને નાસ્તો કરવા જઈશું એ પણ તારી પેલી ફેવરિટ જગ્યા એ ‘
‘આજે ખાલી મળી લઈએ , આ બધો પ્રોગ્રામ પછી ક્યારેક કરશું પ્લીઝ’
‘પણ તે જ કહેલું કે તારે આજે રજા છે.’
એણે હસીને કહ્યું, ‘રજા, અને મારે ???’


















































