“ઠીક છે. મને ડેડિકેશન, પ્રસ્તાવના, થેન્ક્સગિવિંગ અને બેક કવર માટે એક ટૂંકી નોટ લખીને મોકલી દે.”, મે પ્રાપ્તિને કહ્યું.
“પાછલી ત્રણ વસ્તુ હું તૈયાર કરીને મોકલી આપું છું.”, પ્રાપ્તિએ કહ્યું.
“ડેડિકેશન…???”, મે એને પૂછ્યું.
“એના માટે મારે પૂછવું પડશે એ વ્યક્તિને જેને હું ડેડિકેટ કરવા માંગુ છું આ પુસ્તક. જેના થકી હું આ કલમ પકડતાં શીખી.”, પ્રાપ્તિએ જવાબ આપ્યો.
“ઠીક છે. ત્યાં સુધી બાકીનું લખાણ મોકલી આપ એટલે આજે રાતે હું એડિટિંગ કરી લઉં”, મેં વાત કરીને ફોન મૂક્યો.
પ્રાપ્તિ પટેલ હમણાં જ મારા હાર્ટ ઓફ લિટરેચર ગ્રુપમાં જોડાઈ છે. વ્યવસાયે ફિઝિયોથેરપિસ્ટ છે અને સાથે યોરક્વોટ અને બીજા માધ્યમો પર પોતાના વિચારો વનલાઈનર્સ કે ટુ લાઈનર્સ થકી વ્યક્ત કરે છે, જે અંગત રીતે મને હ્રદયસ્પર્શી લાગ્યા છે. પ્રાપ્તિ આ ઓગસ્ટમાં ફોરેન જઈ રહી છે તો તેની ઈચ્છા હતી કે ભારત છોડતા પહેલા પોતાની એક બુક પબ્લિશ કરીને જાય. સામાન્ય રીતે અમે આ કામ બહુ ઓછું હાથ પર લઈએ છીએ પણ પ્રતિભાનો રેફરન્સ હતો અને લખાણ સારું હતું એટલે વિઝનસર પણ પબ્લિશ કરવા તૈયાર હતા. રાતના અઢી વાગ્યા સુધીમાં મે બધુ એડિટિંગ પતાવી દીધું.
બીજા દિવસે સવારે પ્રાપ્તિનો મેસેજ હતો. સેડ ઈમોજીસ હતા એમાં. કારણ પૂછતા જાણવા મળ્યું કે જે વ્યક્તિને એ બુક ડેડિકેટ કરવા માંગતી હતી તેણે ડેડિકેશનમાં પોતાનું નામ લખવાની ઘસીને ના પાડી દીધેલી. એ હવે તેની અંગત મેટર હતી એટલે હું વધારે દખલગીરી ન કરતા આગળ વધ્યો. તેના કન્ટેન્ટમાં એક ક્વોટ હતો.
“તારી જેવી મરજી હતી, એવી બની હું તને પામવા અને આજે તું જ કહે છે કે હું બદલાઈ ગઈ ???”
મે એ ક્વોટનો ફોટો પાડીને મોકલ્યો અને મારો અણગમો વ્યક્ત કર્યો એટલે તેની અંદર રહેલી દ્વિધા ધીમે ધીમે બહાર આવવાની શરૂ થઈ. હું જાણતો હતો કે તે ક્યાંક અટકે છે કારણ કે તેની સાથે છેલ્લા એકાદ અઠવાડિયામાં થયેલ વાત પરથી સ્પષ્ટ જણાતું હતું કે તે લાગણીઓ વ્યક્ત કરવામાં મોકળાશ અનુભવતી નથી.
એણે મને કારણ પૂછતાં મે કારણ જણાવ્યું. આપણે બીજી વ્યક્તિ માટે પોતાની જાતને એટલું બધું બદલી નાખીએ છીએ કે આપણું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ રહેતું નથી. એટલે એણે બીજા જવાબ આપ્યો કે આ વાત મારાથી સારી રીતે કોણ સમજી શકે… એટલે મે એને એના મમ્મી પપ્પાનું નામ રાખવા સૂચન કર્યુ અને તેણે તરત એ વાત સ્વીકારી કે હું નથી સમજી શકતી કે મારે એમનું નામ લખવું કે નહિ કારણ કે હું મારી લાગણીઓને શબ્દોમાં લખી તો શકું છું પણ વ્યક્ત નથી કરી શકતી.
જીવનમાં કોઈ માણસ આપણી સાથે ગમે તેટલું ખરાબ કરે કે આપણને ગલત સાબિત કરવાનો પ્રયત્ન કરે પણ આપણને જ્યારે પણ તક મળે ત્યારે એ જ વ્યક્તિનું સારું કરવાનો પ્રયત્ન કરવાનો, ડેડિકેશન પણ… આનાથી બે વસ્તુ થશે. એક તો એ માણસને પોતાના વર્તન પર અફસોસ થશે અને બીજું આપણા માટે એના મનમાં ઈજ્જત વધશે. ઘણી વાર એવું થતું હોય છે કે જે માણસને તમે હદ કરતા વધુ સમય અને માન આપો પછી એ તમારી કદર કરવાનું છોડી દે. વાત કરવા માટે પણ કલાકો અને દિવસો સુધી રાહ જોવી પડે. આજકાલના લોકોની રિલેશનશિપમાં આ વસ્તુ કોમન છે. જિંદગીમાં બે રીતે ઘટના ઘટતી હોય છે. પહેલી એ કે તમે કોઈ માણસ સાથે વાત કરવા પગે પડી જાઓ અને એનાથી તેને રતી ભર પણ ફરક ના પડતો હોય અને બીજી એ કે તમે અમુક વાર તક આપ્યા પછી એ માણસને આઝાદ કરી દો અને જો એ ખરેખર તમારા માટે બનેલ કે તમારી સાથે જોડાયેલ હશે તો ફરીને, થાકીને, હારીને તમારી પાસે જ આવશે.
પ્રાપ્તિના જીવનમાં જે કંઈ ઘટી રહ્યું હતું એના પરથી તેને એવી વ્યક્તિને ભૂલીને આગળ વધવાનો નિર્ણય લેવાની જરૂર હતી. પ્રાપ્તિ વારંવાર ના સાંભળીને અંદરથી તૂટી ગઈ હતી જે અના શબ્દોમાં ભારોભાર વર્તાઈ રહ્યું હતું. તેણે મને વિગતવાર વાત કરી કે એક એ વ્યક્તિ છે જેને તે ઘણા સમયથી વાત કરતી અને જાણતી હોવા છતાં સ્વીકારી નથી શકતી અને એક એવી વ્યક્તિ છે જે તેના માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે પણ પોતે તેને સ્વીકારી શકતી નથી. હવે તેને એ સ્વીકારી લેવાની જરૂર હતી કે જ વ્યક્તિને એ ચાહે છે તેના જીવનમાં કોઈ સ્થાન ન હતું. આપણમે કોઈને કહીએ અને તે આપણને ચાહે એના કરતા એ જાતે અનુભવીને આપણને પ્રેમ કરે તે વધારે સારું છે. મે પ્રાપ્તિને હવે એ વ્યક્તિ વિશે સ્વીકારવા સમજાવ્યું કે જે તેને ચાહે છે. ઘણી વાર આપણે આપણા આકર્ષણમાં બંધાઈને સાચી વ્યક્તિને ક આપવા માંગતા જ નથી હોતા. સંબંધમાં ફક્ત એ જ વ્યક્તિ સાથે જોડાવવું જોઈએ, જેને આપણે નહી પણ એ આપણને પ્રેમ કરતી હોય અને આપણે જેવા છીએ તેવા સ્વીકારવા માટે તૈયાર છે. શુ ગેરંટી છે કે તમે જેને ચાહો એ તમારી પાસે આવીને પણ તમારો જ રહેશે ??? બંધાયેલા પક્ષી પણ જો પ્રેમ ન કરી શકતા હોય તો અહીં તો માણસની વાત છે. જે વ્યક્તિ તમને ચાહે છે એ ક્યારેય તમને છોડશે પણ નહી કે રડવા પણ નહી દે.
પ્રાપ્તિએ હવે નિર્ણય લઈ લીધો હતો ધીમે ધીમે આગળ વધવાનો. એણે એ વ્યક્તિ સાથે બધા જ સંબંધો કાપી નાખ્યા. દ્વિધા હવે સંકેલાઈ રહી હતી. બીજે દિવસે સવારે તેનો થેન્ક યુ નો મેસેજ હતો. મે કારણ પૂછ્યું તો તેણે જણાવ્યું કે આઠ મહિના પછી તેની સવાર તેને ખુશનુમા લાગી રહી હતી. હવે તેને રાહત થઈ હતી. નિર્ણય હંમેશા એવો જ લેવો કે તેને લીધા પછી પાછળથી અફસોસ ન થાય. પ્રાપ્તિએ આગળ વધવાનો નિર્ણય લઈ લીધો હતો હવે રાહ જોવાય છે બીજા નિર્ણયની…. આશા અને પ્રાર્થના બંને કે પ્રાપ્તિને તેનું લક્ષ્ય અને સાચા સાથી બંનેની સત્વરે પ્રાપ્તિ થાય. ટૂંક સમયમાં પ્રાપ્તિના વનલાઈનર્સ પુસ્તક સ્વરૂપે “અધૂરી વાતો” ના નામે પ્રકાશિત થવા જઈ રહ્યું છે.
– આદિત શાહ
(સત્યઘટના પર આધારિત. પાત્રોના નામ બદલ્યાં છે.)


















































