દર મહિનાના એટલે કે સુદ પક્ષની આઠમ ને દુર્ગાષ્ટમી કહેવાય છે અને કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષની અષ્ટમી તિથી ને કાલાષ્ટમી કહેવાય છે. ‘દુર્ગે દુર્ગતિ નાશિની’.. દુર્ગતિમાંથી ઉગારીને સદગતિ તરફ લઈ જતું માં ભગવતી દુર્ગાનું સ્વરૂપ પોતાના ભક્તજનો માટે હંમેશા મંગલકારી અને અસુરો માટે વિનાશકારી રહ્યું છે.
ભગવતી પરા અંબા, શક્તિ માતા એ પૂર્વકાળમાં દુર્ગમ નામના અસુરનો વધ કર્યો હતો. તેથી માતા ‘દુર્ગા’ એ નામથી ઓળખાયા. હિરણ્યકશિપુના કુળમાં જ સમય જતાં દુર્ગમ નામનો શક્તિશાળી અસુર થયો. તેણે કઠોર તપ દ્વારા વરદાન મેળવ્યું અને આ સંસારમાંથી ચાર વેદો ચોરી. લીધા વેદ જ્ઞાનથી વંચિત થઈ ગયેલા ઋષિઓ, દેવતાઓ અને લોકો અત્યંત વિકટ સ્થિતિમાં આવી ગયા. દેવતાઓનું સ્વર્ગ દુર્ગમે પડાવી લીધું, તેથી સર્વ દેવો સુમેરુ પર્વતના આશ્રયે ગયા. અને દુષ્કાળની સ્થિતિ થવાથી લોકો ભૂખે મરવા લાગ્યા.
આખરે બધાની વિનંતીથી દેવી માતા એ ત્રિદેવનું તેજ અને વિવિધ આયુધોવાળું શતાક્ષી સ્વરૂપ ધારણ કર્યું અને દુર્ગમનો નાશ કર્યો. વેદોને મુક્ત કરાવ્યા અને માતાએ શાકંભરી નું રૂપ ધારણ કરીને, લોકોને શાકભાજી અને કંદમૂળ આદિથી તૃપ્ત કર્યા. આ પવિત્ર દિવસે અષ્ટમી તિથી હતી. અને તેથી જ પોષ મહિનાની નવરાત્રી આઠમથી શરૂ થાય છે. દુર્ગા માતાના ભકતો દર મહિનાની સુદ પક્ષની આઠમ ને દુર્ગાષ્ટમી તરીકે ઉજવીને માતાની પૂજા-અર્ચના અને અનુષ્ઠાન કરે છે.
દુર્ગાષ્ટમીએ પૂજા અનુષ્ઠાનમાં ભક્તો શુદ્ધતા અને સંયમનું પાલન કરે છે. માતાના મંત્ર જાપ કરે છે. શક્તિ અનુસાર પૂજા અર્ચના કરે છે. ઉપવાસ કે એકટાણું પણ કરે છે. બાળાઓને કન્યા ભોજન કરાવે છે. અને પ્રસાદ વહેંચે છે. દુર્ગા સપ્તશતી કે દુર્ગા ચાલીસાનો પાઠ કરે છે.
પાંડવો જયારે વનવાસ ભોગવતા હતા ત્યારે, એક વખત યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને ચાતુર્માસ ગાળવા માટેનું નિમંત્રણ આપ્યું હતું. અને આ સમય દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને દુર્ગાષ્ટમી પૂજનનો મહિમા સમજાવ્યો હતો.અને કહ્યું હતું કે ભગવતી દુર્ગાનું આરાધન સર્વ દુઃખ નાશક અને સર્વ સુખ પ્રદાન કરનારું છે.
અસ્તુ.
Related