સમગ્ર સૃષ્ટિને નિયંત્રણમાં રાખવાનું અતિ મહત્વનું કાર્ય મહાદેવ કરે છે. સમગ્ર સૃષ્ટિનો વ્યવહાર શિવની શક્તિ વડે ચાલે છે વળી તેનો હેતુ પણ સમાજ કલ્યાણ જેવો ઉમદા છે. વાસ્તવમાં આપણે એવું માનીએ છીએ કે શિવ એટલે હિંદુધર્મમાં માનનારા લોકોના ભગવાન, પરંતુ વાસ્તવમાં શિવનો અર્થ થાય છે કલ્યાણ. આમ સમગ્ર બ્રહ્માંડનું કલ્યાણ કરનારી જે શક્તિ છે તેને શિવ તરીકે ઓળખવામાં આવે છે અને સ્વાભાવિક છે કે જે નિસ્વાર્થ અને કલ્યાણકારી કાર્યો કરે તે હંમેશાં પૂજનીય જ હોય. શિવ કલ્યાણકારી મૃત્યુના દાતા છે.
આપણે સૌ જાણીએ છીએ કે જેટલું કલ્યાણકારી જીવન જરૂરી છે તેટલું જ કલ્યાણકારી મૃત્યુ આવશ્યક છે. જેના માટે શિવ ચિંધ્યા માર્ગે ચાલવું અનિવાર્ય છે. શિવપૂજા સાથે જોડાયેલ સામગ્રી જેવી કે બિલિપત્ર,દૂધ,જળ, રૂદ્રાક્ષ વગેરે પણ ખૂબ વૈજ્ઞાનિક અને સમગ્ર જીવસૃષ્ટિ માટે કલ્યાણકારી છે. ઉંડી વૈજ્ઞાનિક સમજણપૂર્વક જો આ તમામ સામગ્રીનો ઉપભોગ શિવઉપાસના સાથે કરવામાં આવે તો પીડાદાયક રોગથી મુક્તિ મેળવી, અપમૃત્યુને ટાળી, આયુષ્યવૃદ્ધિ કરી શકાય. જેમ ન્યાયતંત્ર દ્વારા કોઈ ગુનેગારને ફાંસીની સજા થઈ હોય તો પણ રાષ્ટ્રપતિને દયાની અરજી કરી શકે અને યથાર્થ સંજોગોમાં સહાય પણ મળી શકે તે જ રીતે જીવનપર્યંત કોઈની સેવા ન લેવી પડે અને મંગળકારી મૃત્યુ પ્રાપ્ત થાય તે માટે શિવની પૂજા-અર્ચના દ્વારા શિવનું અવલંબન ખૂબ જરૂરી છે. માત્ર ધર્મ ખાતર નહીં પરંતુ વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ શિવરાત્રિના પવિત્ર દિવસની ઉજવણી કરવી જોઈએ.
એવું માનવામાં આવે છે કે શિવરાત્રિએ દ્વાપર યુગનો પ્રારંભ થયેલો. વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયેલું. પુરાણો અનુસાર સમુદ્રમંથન દરમિયાન પ્રાપ્ત થયેલા હળાહળ વિષ મહાદેવે ગ્રહણ કરી સમગ્ર સૃષ્ટિ પર અનુકંપા કરેલી, એ ઘટનાને પણ શિવરાત્રિ સાથે જોડવામાં આવે છે. આ ઉપરાંત એક કથા અનુસાર પાર્વતીજી એ જીવમાત્રના કલ્યાણ માટે ભગવાન શિવને પ્રાર્થના કરેલી અને શિવજીએ પ્રસન્ન થઈ કહેલું કે જે વ્યક્તિ શિવરાત્રીના દિવસે ઉપવાસ, પૂજા-અર્ચના, ધ્યાન, જાગરણ અને સત્કર્મ કરશે તેમને પ્રભુ પ્રલય સમયે ઉગારશે. આમ મહાદેવને પ્રિય દિવસ એટલે શિવરાત્રિ.
વિજ્ઞાનની દ્રષ્ટિએ શિયાળાના ચાર મહિનાઓ દરમ્યાન થયેલ પાર્ટીઓ, લગ્નપ્રસંગો વગેરેમાં જે કઈ મિઠાઈ, ફરસાણ વગેરે ખાધા હોય તેની શરીર પર થતી ખરાબ અસરને રોકવા તેમજ આવનાર ગરમીના દિવસોમાં સ્વસ્થ રહેવાની શક્તિ શિવરાત્રિના ઉપવાસ દ્વારા પ્રાપ્ત કરી શકાય. વળી ચાર મહિનાની ઠંડી ઋતુમાં જે શરદી-કફ શરીરમાં જમા થયો હોય તેનું શમન કરવા માટે પણ શિવરાત્રિના ઉપવાસ અને જાગરણનું મહત્વ છે. જેમ વિદેશમાં પ્રવેશ માટે શરીરની સંપૂર્ણ તપાસ કરાવવી પડતી હોય છે તેમ ઉનાળાની વિષમ પરિસ્થિતિમાં પ્રવેશ કરવા માટેના ચેકનાકા સમાન મહાશિવરાત્રી છે.
આપણે સૌ જાણીએ છીએ કે શિવની પ્રકૃતિ અતિ ઉગ્ર અને ગરમ છે જેથી ચંદ્ર અને ગંગા તેમની જટામાં રહી શીતળતા પ્રદાન કરે છે વળી બિલીપત્ર, દૂધ, જળ વગેરેના અભિષેકથી શિવજી શીતળતા પ્રાપ્ત કરે છે તે જ રીતે આ તમામ સામગ્રીના યથાર્થ ઉપયોગ દ્વારા સમગ્ર સૃષ્ટિ શાંતી અને શીતળતા પ્રાપ્ત કરી શકે છે, જેની આવનાર ગરમીના દિવસોમાં એટલે કે ઉનાળાની ઋતુમાં આવશ્યકતા રહેલી છે. આયુર્વેદના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવતા પ્રોફેસર પ્રિયવ્રત શર્માના પુસ્તકો અનુસાર, બિલીપત્રનો રસ આંખ જેવા નાજુક અવયવ માટે અકસીર છે, એટલે કે આંખોના તમામ દુઃખો, પીડાઑ, બળતરા વગેરે દૂર કરવા માટે બીલીપત્ર ઉત્તમ ઔષધ છે.
વિજ્ઞાન અનુસાર બીલીપત્રના પાન ખાવાથી બહુમુત્રતા, ડાયાબિટીસ જેવા રોગોમાં ફાયદો થાય છે. પાચનશક્તિ સુધરે છે, બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે, લગભગ બધા જ ગાયનેક પ્રોબ્લેમ દૂર થાય છે. બીલીના ફળ પેટના તમામ દર્દોને દૂર કરવા અકસીર ગણાય છે॰ શિવજીની પૂજામાં વપરાતી સામગ્રી અન્વયે દૂધ આપણે સૌ જાણીએ છે ઓરીજનલ ક્લીંઝર છે તેમાં બીટા hydroxy એસિડ છે જે ત્વચાને મુલાયમ કરે છે. વળી દૂધના બીજા અનેક લાભો આપણે સૌ જાણીએ જ છીએ॰ તે જ રીતે શિવજીનો પ્રિય રુદ્રાક્ષ ચામડીના તમામ રોગો મટાડવા અતિ ઉપયોગી છે. રુદ્રાક્ષ માત્ર ધારણ કરવાથી પણ અનેક ફાયદા મેળવી શકાય છે. શરીરના તમામ વિકારને તે ચામડીના સ્પર્શથી ચૂસી લે છે. ખરતા વાળ અટકાવવા માટે એક ભાગ રુદ્રાક્ષ ચૂર્ણ અને ચાર ભાગ ચણોઠી આયુર્વેદ અનુસાર અતિ ફાયદાકારક છે. ઉપરાંત આંખના રોગોમાં પણ રુદ્રાક્ષ ખૂબ ઉપયોગી છે. ટૂંકમાં આવી રહેલા ઉનાળામાં તન, મન અને આત્માને સ્વસ્થ રાખવા શિવરાત્રિની ઊજવણી અતિ આવશ્યક છે, જેની પાછળ ઉંડુ વિજ્ઞાન કામ કરે છે.
આપણે વ્રતકથામાં વાંચ્યું હશે કે જે વ્યક્તિને કોઢ કે રક્તપિતનો રોગ થયો હોય તેમણે શિવનું શરણ લેવું જોઈએ. આજના વિજ્ઞાને સાબિત કર્યું છે કે ચામડીના રોગ રુદ્રાક્ષ તેમજ બીલીપત્ર દ્વારા દૂર કરી શકાય છે. ધર્મ અને વિજ્ઞાન લગભગ સમાંતર જઈ રહ્યા છે એમ કહી શકાય. તો આવો મહાશિવરાત્રીને ઊંડી વૈજ્ઞાનિક સમજણ સાથે ઉજવીયે.
શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ


















































