કોરોના દુનિયા માટે કાળ બનીને આવ્યો છે. છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી કોરોનાએ લોકોનું જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું છે. શરૂઆતમાં તો મોટાભાગના દેશોએ લોકડાઉન કરી નાખ્યું હતું. જેથી કોરોના નિયંત્રણમાં આવી શકે. લોકડાઉનની સૌથી વધારે અને મોટી અસર પ્રવાસી મજૂરો અને સામાન્ય લોકો પર પડી. કોરોનાએ આ લોકોને રડાવ્યા. રાત-દિવસની મહેનત બાદ આજે દુનિયા પાસે વેક્સીન આવી ગઈ છે, પરંતુ એ છતાં કોરોના બેકાબૂ થતો જઈ રહ્યો છે. ત્યારે દુનિયા માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે.
ભારત અને અમેરિકા સહિત દુનિયાભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જોકે તેની વિરુદ્ધ વેક્સીનેશન અભિયાન પણ જોરશોરથી ચાલી રહ્યું છે અને જાત-જાતની દવાઓની શોધ પણ કરવામાં આવી રહી છે જે કોરોના વિરુદ્ધ અસરકારક હોય શકે. એજ અનુસંધાને જાણીતી દવા કંપની જાયડસ કેડિલાએ ભારતીય ઔષધિ મહાનિયંત્રક એટલે કે DCGI પાસે હેપેટાઈટિસની દવાના ઉપયોગ કોરોના વાયરસની સારવારમાં કરવાની મંજૂરી માંગી છે.
જાયડસ કેડિલાએ જે દવા માટે મંજૂરી માંગી છે એ દવાનું નામ પેગીલેટેડ ઇન્ટરફેરોન આલ્ફા 2B છે. જાયડસ કેડિલાએ સોમવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે પેગીલેટેડ ઇન્ટરફેરોન 2Bના ત્રીજા ચરણના ક્લિનિકલ ટ્રાયલમાં આ દવાથી સારવાર કરવાને લઈને ઉત્સાહજનક પરિણામ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, કંપની આ દવાને પેગીહેપ બ્રાન્ડ નામથી વેચે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જાયડસ કેડિલાએ કહ્યું છે કે જે શરૂઆતી પરિણામ સામે આવ્યા છે તેમાં જાણવા મળ્યું છે કે શરૂઆતમાં ઉપયોગથી કોરોનાના દર્દી સંક્રમણથી વધારે ઝડપથી સાજા થાય છે.
VR Niti Sejpal


















































