જેઠ સુદ દશમ એટલે ગંગા દશેરા. પરમ પવિત્ર, પતિતપાવની ગંગા મૈયા નુ આ ધરતી પર અવતરણ થયું તે આ પવિત્ર દિવસ. નવરાત્રી ના દશેરા (આસો સુદ દસમ) ની આપણને ખબર છે .તો ચાલો આજે આપણે ગંગા દશેરા વિશે પણ થોડી ચર્ચા કરીએ
આ પતિતપાવની ગંગા ને પૃથ્વી પર લાવવાનો ભગીરથ પ્રયત્ન કરનાર, અને તેના નામ પરથી ભાગીરથી તરીકે ઓળખાવનાર આ ગંગા પ્રાગટ્યની આપણા પુરાણોમાં સુંદર કથા છે.
પ્રભુશ્રી રામના પૂર્વજ એવા સગર રાજા આ મહાપ્રતાપી વંશમા થઇ ગયા. આ સગર રાજાને બે પત્નીઓ હતી. તેમાંથી એક પત્ની ને સાઠ હજાર પુત્રો હતા. જે સગર પુત્રો તરીકે સુવિખ્યાત હતા. જ્યારે બીજી રાણી ને માત્ર એક પુત્ર હતો તેનું નામ અસમંજા હતું .(પ્રભુ શ્રીરામ નો આ વંશ ઇક્ષ્વાકુ
વંશ ના નામે ઓળખાતો હતો પછીથી તે પરમ પ્રતાપી રઘૂ ના નામે ‘રઘુવંશ’ તરીકે ઓળખાય છે.)
આ વંશમાં અશ્વમેઘ યજ્ઞ કરવાની પરંપરા હતી. સગર રાજાએ પણ અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું. યજ્ઞનો અશ્વ રમતો મુક્યો .આ સમયે દેવરાજ ઈન્દ્રએ કપટ કર્યું અને આ અશ્વને કપિલ નામના ઋષિ ના આશ્રમ માં છુપાવી દીધો સગર પુત્રો અશ્વને શોધવા નીકળ્યા .અને આશ્રમમાં અશ્વને બાંધેલો જોઈને ક્રોધિત થઈ ગયા, અને આશ્રમને ધ્વસ્ત કરી નાખ્યો. કપિલ ઋષિ તે સમયે સમાધિસ્થ હતા પરંતુ તે જાગૃત થઈ ગયા અને આશ્રમની આવી દશા જોઇને સગર પુત્રોની બાળીને ભસ્મ કરી નાખ્યા.
મહારાજ સગર પુત્ર અસમંજસ સાથે દોડી આવ્યા. ઋષિ ની ક્ષમા માંગી અને પોતાના પુત્રોની મોક્ષ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી. પિતા-પુત્રની પ્રાર્થનાથી ઋષિ શાંત થયા અને તેમણે ઉપાય સૂચવ્યો. સ્વર્ગલોકમાં વહેતી દેવ નદી મોક્ષદાયી ગંગાના પવિત્ર જળથી તર્પણ થાય, તે જળનો સ્પર્શ થાય તો ભસ્મ થયેલા પુત્રોનો ઉદ્ધાર થાય, તેમને મોક્ષ મળે .ત્યારબાદ અસમંજા ના પુત્ર અંશુમાન, અંશુમાનના પુત્ર દિલીપ, અને દિલીપના પુત્ર ભગીરથે ઉગ્ર તપસ્યા કરી.
ત્રણેય પેઢીની આ ઉગ્ર તપસ્યા પછી મા ગંગા પૃથ્વી પર અવતરવા માટે તૈયાર થયા. સ્વર્ગમાંથી તેમના પ્રચંડ વેગ સાથે ધોધ સ્વરૂપે પ્રગટ થયા. તો તેમનો આ ધોધ છેક પાતાળલોક સુધી પડવા લાગ્યો .તેના આ વેગને રોકવા નું સામર્થ્ય માત્ર શિવજી માં જ હતું. તેથી ભગીરથે શિવજીનું આરાધન કર્યું, અને તેમને પ્રસન્ન કર્યા. શિવજીએ ગંગાના આ અતિ પ્રચંડ વેગને પોતાની જટામાં ઝીલી અને તેમાંથી એક ધારા સ્વરૂપે વહેતો કર્યો. તેથી હિમાલયની ગીરીકંદરા માંથી નીસરી ને ગંગા મૈયા ધરતી પર નદી સ્વરૂપે વહેવા લાગ્યા. કપિલ ઋષિના આશ્રમ સુધી આ પવિત્ર નીર પહોંચતા જ ભસ્મ થયેલા સગર પુત્રોનો ઉદ્ધાર થયો તેમને મોક્ષ પ્રાપ્તિ થઈ. આમ દેવ નદી ગંગા ભગીરથ ના પ્રયત્નોથી અવતર્યા તેથી ભાગીરથી તરીકે પણ ઓળખાય છે. સ્વર્ગલોકમાં મંદાકિની ,પૃથ્વી પર ગંગા અને પાતાળ લોકમાં ભાગમતી ના નામે ઓળખાય છે. આ ગંગા મૈયાને શત શત નમન.
_અસ્તુ.
હર્ષા ઠક્કર


















































