રાત્રે બસ ધરતી સુવા જ જતી ત્યાં એના ઈન્સ્ટાગ્રામ પર એક મેસેજ આવે છે. એ મેસેજ હતો આકાશ નો , ધરતી પહેલા તો મેસેજ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે બાદ માં એ આકાશ ના મેસેજ નો જવાબ આપે છે.
(આકાશ અને ધરતી આમ તો એકબીજાથી સાવ અજાણ હતા પણ એમની વચ્ચે એક બાબતની સામ્યતા હતી. બંને ને કવિતાઓ લખવાનો ખૂબ જ શોખ હતો અને એ બંને જણા એક જ માધ્યમ પર પોતાની રચનાઓ ને પ્રકાશિત કરતાં હતાં. બંને એકબીજાને બસ એક લેખક તરીકે જાણતા.)
પહેલા દિવસે ધરતી અને આકાશ એકબીજા જોડે ઘણી વાતો કરે છે. એકબીજા ના કામ, અભ્યાસ આવી ચર્ચાઓ બંને વચ્ચે ખૂબ લાંબી ચાલે છે. વાતો વાતો માં આકાશ જણાવે છે કે તે વિદેશ માં અભ્યાસ કરે છે.
બંને અજાણ વ્યક્તિઓ એકબીજા સાથે વાત કરતા કરતા એકબીજાના ખૂબજ સારા મિત્રો બની જાય છે. બંને એકબીજાના શબ્દો ના પણ દિવાના બનતા જાય છે. લાગે કે ઈશ્વરે જાણે પહેલેથી જ એમને મળાવવાનું નક્કી કર્યું હશે. ધીમે ધીમે મિત્રતા નો આ સંબંધ ખૂબજ ગાઢ થતો જાય છે.
એકબીજાથી દૂર રહીને પણ બંને એકબીજાની દરેક વાતોનું ધ્યાન રાખે છે. કહેવાય છે ને કે સાચા અને નિશ્વાર્થ પ્રેમ વચ્ચે ની વચ્ચે અંતર ની અડચણ નથી આવતી. ધરતી અને આકાશ નો સંબંધ પણ કૈક આવો જ હોય છે. આકાશ ધરતીને કોઈ ના કોઈ રીતે ખુશ રાખતો હોય છે, અને ધરતી પણ આકાશ ની પસંદ નાપસંદ નું સારી રીતે ધ્યાન રાખે છે. બંને વચ્ચે આટલું અંતર હોવા છતાં એમનો સંબંધ અજોડ છે.
સમય જતાં ધરતીના મનમાં વિચારો આવે છે કે જે વ્યક્તિ એને આટલી બધી ખુશીઓ આપે છે અને કોઈપણ સ્વાર્થ વગર સંબંધ ને નિભાવે છે તો એ વ્યક્તિ સાથે જીવનભર ની સફર કેટલી રમ્ય હશે.
થોડા દિવસો પછી ધરતી આકાશ ને પોતાના હૃદયની વાત જણાવે છે અને આકાશ પણ હવે મનોમન હંમેશા ને માટે ધરતીનો થઈ જવા માંગે છે. આમ મિત્રતા માંથી આકાશ અને ધરતી નો સંબંધ બે જીવનસાથી ની જેમ અતૂટ બની જાય છે. આકાશ અને ધરતી એકબીજાના પરિવાર માં પણ પોતાનું આગવું સ્થાન બનાવી લે છે.
ધરતી અને આકાશ ગ્રેજ્યુએશન પૂરું કરીને લગ્ન કરવાનું નક્કી કરે છે. આકાશ નું ગ્રેજ્યુએશન પૂરું થાય છે અને ધરતી ને કીધા વગર જ ભારત પરત ફરીને ધરતીને સરપ્રાઈઝ આપવાનું વિચારે છે. આકાશ એરપોર્ટ પરથી ઉતરીને સીધો જ ધરતીના ઘરે એને સરપ્રાઈઝ આપવા પહોંચે છે , પણ ઘરે કોઈ હાજર હોતું નથી. આકાશના દિલમાં થોડી ગભરામણ અનુભવાય છે. આકાશ ધરતીના મોબાઈલ પર કોલ કરે છે પણ કોઈ રીસિવ કરતું નથી, ત્યાં થોડી ક્ષણો માં ધરતીના મોબાઈલ પરથી એના પપ્પા આકાશ ને કોલ કરીને કહે છે કે ધરતી નો કાર એક્સીડન્ટ થયો છે. આ સાંભળતા ની સાથે જ આકાશને મોટો આઘાત લાગે છે તે તરત જ હોસ્પિટલ પહોંચી જાય છે અને ધરતી ને મળવાની જીદ કરે છે. બીજી તરફ ધરતીનું ઓપરેશન ચાલી રહ્યું હતું. આકાશના મનની ધીરજ ખૂટતી જાય છે. તેનાથી સમયની આ ઘડીઓ સહન નથી થતી. ઓપરેશન પૂરું થતાં ડોકટર બહાર આવીને ધરતીની સ્થિતિ કહે એ પહેલાં જ આકાશ દોડીને ઓપરેશન થિએટરમાં અંદર ચાલ્યો જાય છે અને ધરતીનો હાથ પકડી ને રોવા લાગે છે. ધરતી હજી પણ બેભાન હતી બધા આકાશને સમજાવીને થોડી રાહ જોવાનું કહે છે. ચાર પાંચ કલાક બાદ ડોકટર ધરતીને મળવા માટેની મંજૂરી આપે છે. આકાશ ધરતીના પિતાને વિનંતી કરે છે કે પહેલા મને ધરતીને મળવું છે, ધરતીના પિતા આકાશની લાગણીને સમજીને એને અંદર જવા છે. આકાશના અંદર જતા જ ધરતીની આંખોમાં ભાવનાઓ વહેવા લાગે છે, એના મુખ પર આશ્ચર્ય અને અપાર ખુશીની લાગણીઓ અનુભવાય છે. આકાશ ધરતીનો હાથ પકડીને એને ચુમવા લાગે છે , બંને એકબીજાની નજરમાં નજર મિલાવે છે જાણે હજારો વર્ષોના વિરહ પછી બે પ્રેમીઓનું મિલન થયું હોય. બંને ની વચ્ચે આજે મૌન બોલી રહ્યું હતું , આકાશ અને ધરતી ની આંખો ખુશી થી ભીની હતી. થોડા ક્ષણો માટે ધરતીને પોતાનું બધું જ દર્દ ભુલાઈ ગયું . એટલામાં ડોકટર અંદર આવીને આકાશને કહે છે કે ” ધરતી હવે પોતાના પગ પર ચાલવા માટે સક્ષમ નથી રહી , એને પોતાનું જીવન એક અપંગ વ્યક્તિની જેમ જીવવું પડશે” આ સાંભળતા જ આકાશના પગ તળેથી જમીન સરકી જાય છે, પરંતુ ધરતીને નરમ ના પડવા દેવા માટે એ પોતાના આંસુઓને છૂપાવી લે છે. એટલામાં આકાશને યાદ આવે છે કે તેના પોકેટમાં એક રીંગ છે જે ધરતીને લગ્ન માટે પ્રપોઝ કરવા તેણે લીધી હતી. આકાશ પોકેટ માંથી રીંગ કાઢીને ધરતીની પાસે આવીને બેસે છે અને ધરતીનો હાથ પોતાના હાથ માં લઈને એને પૂછે છે ” વીલ યુ મેરી મી મિસ રાઈટર”. ધરતી આકાશને સમજાવે છે કે તે હવે હું પોતાના પગ પર ચાલી શકવા પણ સક્ષમ નથી અને જીવનભર સાથે રહીને મારે તારા માટે બોઝો નથી બનવું. આકાશ ધરતીને કહે છે , આપણે પ્રેમ એકબીજાને જોયા વગર જ કર્યો હતો અને આજે હું આવી સ્થિતિમાં જો તારો સાથ છોડી દઉં તો હું કેટલો સ્વાર્થી માણસ કહેવાઉં અને આપણા આ બેદાગ પ્રેમને હું કલંકિત કરવા નથી માંગતો. માટે પરિસ્થિતિ કંઈ પણ હોય ધરતી હું તારી સાથે જ લગ્ન કરીશ. ધરતી અને આકાશ વચ્ચે વિવાદ ચાલતો રહે છે ત્યાં આકાશ ધરતીને રીંગ પહેરાવી દે છે અને એના મોઢા પર આંગળી રાખીને પ્રેમ થી કહે છે “હવે ચૂપ થઈ જાઓ ધર્મપત્નિ જી આજ થી આ ધરતી આકાશ ની થઈ. ” બાદમાં ધરતી અને આકાશ વિધિવત્ લગ્ન કરીને એકબીજાને પોતાના જીવન સફરના સાથી બનાવી લે છે. આકાશ ઘરતી માટે એનો સહારો નહી પણ એની હિંમત સાબિત થાય છે. સમય જતાં આકાશ અને ઘરતી ના આંગણે એક નાનકડી લક્ષ્મી નું આગમન થાય છે જેનું નામ છે ખુશી. અને ખુશી આકાશ અને ધરતીના જીવનમાં આવીને ખુશીના રંગ ભરે છે.
આમ શરૂઆત ની બે અજાણ વ્યક્તિઓ આવી વિકટ પરિસ્થિતિ માં એક બીજાનો સાથ નિભાવી ને પ્રેમગાથા નું ને એક નવું સોપાન અર્પણ કરે છે.
– ધ્રુવ પટેલ “અચલ”


















































