“ઓહો મોહનકાકા તમે તો જબરા થઈ ગયા હો શરીરમાં, કાકીને પગે કેમ છે હવે?” સોનમ પોતાની ધૂનમાં ચાલતી જાય અને પૂછતી જાય.
“અરે, વિમળામાસી કેમ છો? હજી એવી ને એવી જ પંચાત બેઠા બેઠા કરતાં લાગો છો.”
“હાય, મારી કાલુડી તને તો જોવા આ આંખો તરસ્તી હતી, તારે કેટલા બચ્ચા આયા હે?” સોનમ બિલાડીને જોઈને ઘેલી થઈ ગઈ.
“ધરતીનો છેડો ઘર, આવી ગઈ મારી ડેલી, એ જ ફળિયું, એજ ધૂળ, એજ તુલસીનો છોડ. કેમ છો તમે બધા?” સોનમની આંખોમાં અશ્રુ આવી ગયા.
“કોઈ દેખાતું કેમ નથી? બાપુજી વાડીએ ગયા લાગે છે અને બા ભાથું લઈ બાપુ પાસે ગઈ હશે.”
મિશ્ટીએ તેના મમ્મીની વિચિત્ર હરકતો જોઈ તેના પપ્પાને પૂછ્યું, “પપ્પા, મમ્મી આ શું કરી રહી છે?”
“બેટા, મને પણ નથી ખબર હું પણ ક્યારનો એ જ વિચારું છું.”
“મમ્મી તું અહી આ ખંડેર જેવી જગ્યામાં શું કરે છે ઊભી ઊભી? અને કોની સાથે બોલે છે અહી તો કોઈ જ નથી. તું ઠીક તો છે ને?”
“બેટા, એક દિકરીની નઝરથી જો તો દેખાશે તને, આજે ૨૫ વર્ષે હું મારા ગામે પાછી આવી છું. આ એ જ ગામ છે જેણે મને મોટી કરી, મોહનકાકા, વિમળામાસી, આ બિલાડી, આ મારુ ફળિયું, જો ત્યાં હજી મારા પગલાંની છાપ છે. હજી આ ડેલી પર ઊભી હોવ તો એમ લાગે છે કે હમણાં બાપુજી આવશે અને એની દિકરીને તેડી લેશે અને બા એની વ્હાલસોયી દિકરીને એના હાથે જમાડશે પણ બા બાપુજી તો..” છેલ્લું વાક્ય બોલતા જ સોનમની અશ્રુધારા વહેવા લાગી અને તેને થયું ૨૫ વર્ષે પાછી તેની વિદાય થઈ રહી છે.
Related