“મારી લાડકીને ખમ્મા ઘણી, મારી દિકરીને ખમ્મા ઘણી” સોનલ હેડફોન લગાવી ગીત સાંભળી રહી હતી એવામાં તેના પપ્પા એ તેને બોલાવી, “સોનલ દિકરા.. નીચે આવ તો.” “એ આવી પપ્પા.” સોનલે જવાબ આપ્યો.
“કેમ તારું મોઢું રડમસ છે?” પપ્પાએ પૂછ્યું.
“કાઇ નહીં પપ્પા, એ તો આંખમાં કાઈક આવી ગયું એટલે તમને એવું લાગે છે.”
“સરસ, હવે પપ્પાને ઉલ્લુ બનાવાના એમ ને? યાદ છે ને હું તને તારા કરતાં પણ વધારે ઓળખું છું.”
“હા બહુ સારું લો, એ હું પેલું લાડકી ગીત સાંભળી રહી હતી તો જરાક રડવું આવી ગયું.”
“અરે રે બહુ કરી, ફકત જો ગીત સાંભળીને તને એટલું રડવું આવે છે તો જ્યારે તારું સગપણ નક્કી કરશું ત્યારે શું થશે?”
“હા, બસ તમારી પાસે હરીફરીને એ જ વાત હોય છે, પપ્પા તમને શું હું એટલી ખટકું છું! કે હવે હું તમને બોજ લાગવા લાગી છું?”
“અરે પગલી, ગાયને પણ કોઈ દિવસ એના શિંગડા ભારે લાગે? તું તો મારા માટે વરદાન છો, તું મને ક્યારેય ખટકે નહીં પણ તું જ્યારે આંખ સામે ના હોય ત્યારે મને બધુ ખટકવા લાગે.”
“બસ બસ આવ મસ્કા તો બોવ તમે મારો જ છો અને મને મનાવી લો છો પણ પપ્પા એક વાત પૂછું?”
“હા, બોલ ને દિકરા?”
“હું આ જે ગીત સાંભળતી હતી એમાં “ખમ્મા ઘણી” એવું ગાતા હતા એનો મતલબ શું થાય?”
પપ્પાની આંખોના ખૂણા ભીના થયા અને લાગણીવશ એ બોલ્યા, “મારા જીવનનો સૌથી મોટો આશીર્વાદ આજે મને સવાલ પૂછે છે કે ખમ્મા ઘણી એટલે શું? દિકરીને ખોબલે ખોબલે આશીર્વાદ, પ્રેમ એટલે ખમ્મા ઘણી.”
“હજી એક સવાલ છે પૂછું?”
“આજે શેની તું પરવાનગી માંગે છે?”
“કન્યાદાન એ તો મને ખબર છે, પણ શું તમારો જીવ ચાલશે મારુ કન્યાદાન કરતાં?”
“એક દિકરીનો બાપ છું, લાલચી પણ છું જીવ તો નહીં ચાલે પણ દિકરા, દિકરીનું કન્યાદાન એ ભગવાને આપેલું એ સૌથી મોટું પુણ્ય છે અને ભગવાનનું અમૂલ્ય વરદાન છે.”
“ઓહ એવું!” સોનલનો ચહેરો હસતો છે પણ મનમાં તો પપ્પાથી અલગ થય જવાનું દુખ છે.
“જો રોઈ રોઈ…” પપ્પાએ સોનલને હસાવાની કોશિશ કરી.
“પપ્પા, મારા લગ્ન તમે કરાવશો જ, જીવનનો એક મહત્વનો પડાવ પણ છે બધુ હું સમજુ છું બસ એક જ ડર સતાવે છે મને.”
“બોલ ને દિકરા શું ડર છે તને?”
“મને જ્યારે તમે વળાવતા હશો ત્યારે હું તો ગમે તેમ કરીને રડવાનું રોકી લઇશ તમે કેમ કરીને રોકશો? ભલે તમે ગમે એટલી મોટી મોટી વાતો કરી લો પણ મને જતાં જોઈ તમે રડવાનું રોકી નહીં શકો.”
“કરી શકીશ પણ તારે મને એક આશીર્વાદ આપતા જવાના તો જ હું રડવાનું રોકી શકીશ.”
“એમ, આશીર્વાદ અને એ પણ મારા, એ વળી કયા?”
“તું જતાં જતાં ફક્ત એટલું કહેતી જા જે, “ખમ્મા ઘણી તમને ખમ્મા ઘણી મારા વ્હાલા પપ્પા તમને ઘણી ખમ્મા.” આ શબ્દ પપ્પાના મોઢાંમાંથી નીકળતા સોનલ તેને ભેટી પડી અને પપ્પા દિકરી એક બીજાના વાત્સલ્યમાં ખોવાઈ ગયા.


















































