સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે જીવનદાયિની બની છે. તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ એકજૂથ થઈને દર્દીઓને સ્વસ્થ કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે. જેના પરિણામે ક્રિટીકલ તેમજ વરિષ્ઠ દર્દીઓ મોટી સંખ્યામાં કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફરી રહ્યા છે. નવસારીના ચીખલી તાલુકાના ગોડથલ ગામના 47 વર્ષીય પ્રવિણભાઈ ચંદુભાઈ પટેલ સ્મીમેરની સારવારથી 11 દિવસમાં કોરોનાને હરાવવામાં સફળ થયા છે.
વ્યવસાયે ખેડૂત એવા પ્રવિણભાઈ પોઝિટિવ આવ્યાં ત્યારે પરિવારને તેમની ખુબ ચિંતા હતી, પરંતુ સ્મીમેર હોસ્પિટલના તબીબો પર સંપૂર્ણ વિશ્વાસ રાખી ‘તેઓ જે કરશે તે આપણા ભલા માટે જ હોય છે’ એવા આશાવાદ સાથે પ્રવિણભાઈને હિંમત આપી હતી.
ચીખલીના માળી ફળિયામાં રહેતા પ્રવિણભાઈ સ્વસ્થ થઇ સ્વજનોને મળ્યા ત્યારે પરિવારમાં ખુશાલીનો માહોલ હતો. તેમને તા.14 એપ્રિલના રોજ કોરોનાના લક્ષણો જણાતાં ખાનગી દવાખાનામાં તપાસ કરાવી, ડોક્ટરે રિપોર્ટ કરવાની સલાહ આપી, જેમાં પોઝિટિવ આવ્યાં. પરિવાર સ્મીમેરમાં સારવાર માટે સુરત લઈ આવતા તરત જ તેમની સારવાર શરૂ કરવામાં આવી.
સ્મીમેરના તબીબોને વંદન કરતાં તેઓ કહે છે કે, ઉમદા સારવારના કારણે હું સ્વસ્થ થયો. સ્મીમેરમાં તબીબો અને નર્સિંગ સ્ટાફની પરિવાર જેવી હુંફનો અનુભવ થયો. જે મને ક્યારેય નહિ ભૂલાય. સરકારી દવાખાના પ્રત્યે મનમાં ગેરસમજ હતી, જે દૂર થઇ. આરોગ્ય સ્ટાફને જ્યારે કોઈ પણ જરૂરિયાત અંગે જણાવીએ એટલે તરત જ એના પર અમલ કરવામાં આવે છે. ઘર જેવું ભોજન, પીવાનું શુદ્ધ પાણી અને દવાઓ સમયસર આપવામાં આવે છે. મારા પિતાજી ચંદુભાઈને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેઓ પણ સ્વસ્થ થઈ ગયાં છે. કોરોનાની શરૂઆતથી જ કોરોના સંક્રમિત દર્દીઓને સાજા કરવાનું બીડું ઉપાડનાર સુરત આરોગ્ય તંત્રના નેજા હેઠળ અને કર્મનિષ્ઠ તબીબોની સફળ સારવારથી પ્રવિણભાઇ જેવા હજારો દર્દીઓ સ્વસ્થ થઈને હેમખેમ ઘરે પરત ફર્યા છે.
VR Niti Sejpal


















































