વૈદિક જ્યોતિષમાં લગ્નસ્થાનમાં ધારો કે વૃશ્ચિક રાશિ છે તો એ પછી બીજા ભાવમાં ધન, ત્રીજા ભાવમાં મકર….એમ કરતા કરતા બારમા ભાવમાં તુલા રાશિ આવશે. પરંતુ લાલ કિતાબમાં દરેક ભાવમાં એક ચોક્કસ રાશિ સ્થાપિત કરવામાં આવેલી છે. લાલ કિતાબ મુજબ પહેલા સ્થાનમાં પહેલી રાશિ એટલે કે મેષ, બીજા સ્થાનમાં વૃષભ એમ દરેક સ્થાનમાં એક રાશિ નિશ્ચિત કરવામાં આવી છે. એ જ રીતે ત્રીજા ભાવમાં મિથુન, ચોથા ભાવમાં કર્ક, પાંચમાં ભાવમાં સિંહ, છટ્ઠા ભાવમાં કન્યા, સાતમા ભાવમાં તુલા. આઠમા ભાવમાં વૃશ્ચિક, નવમા ભાવમાં ધન, દસમા ભાવમાં મકર, અગિયારમા ભાવમાં કુંભ અને બારમા ભાવમાં મીન રાશિ સ્થાપિત કરવામાં આવી છે. અહીં પ્રસ્તુત કુંડળી પર ધ્યાન આપીને જોવાથી તફાવત સમજી શકાશે.

ઉપર દર્શાવેલ કુંડળીમાં પહેલી લગ્ન કુંડળી વૈદિક જ્યોતિષ મુજબની છે જ્યારે બીજી કુંડળી લાલ કિતાબ મુજબની લગ્ન કુંડળી લાલ કિતાબ જ્યોતિષ મુજબની છે. તફાવત સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પહેલી કુંડળીમાં લગ્નમાં 8 નો અંક છે, જે વૃશ્ચિક રાશિને દર્શાવે છે. એ જ રીતે બીજા ભાવમાં ધન (9 નો અંક), ત્રીજા ભાવમાં મકર (10 નો અંક), ચોથા ભાવમાં કુંભ (11 નો અંક), પાંચમાં ભાવમાં મીન (12 નો અંક), છટ્ઠા ભાવમાં મેષ (1 નો અંક), સાતમા ભાવમાં વૃષભ (2 નો અંક), આઠમા ભાવમાં મિથુન (3 નો અંક), નવમા ભાવમાં કર્ક (4 નો અંક), દસમા ભાવમાં સિંહ (5 નો અંક), અગિયારમા ભાવમાં કન્યા (6 નો અંક) અને બારમા ભાવમાં તુલા (7 નો અંક) રાશિ સ્થાપિત કરવામાં આવી છે. એ જ રીતે બીજી કુંડળીમાં પહેલા ભાવમાં મેષ (1 નો અંક), બીજા સ્થાનમાં વૃષભ (2 નો અંક), ત્રીજા ભાવમાં મિથુન (3 નો અંક), ચોથા ભાવમાં કર્ક (4 નો અંક), પાંચમાં ભાવમાં સિંહ (5 નો અંક), છટ્ઠા ભાવમાં કન્યા (6 નો અંક), સાતમા ભાવમાં તુલા (7 નો અંક), આઠમા ભાવમાં વૃશ્ચિક (8 નો અંક), નવમા ભાવમાં ધન (9 નો અંક), દસમા ભાવમાં મકર (10 નો અંક), અગિયારમા ભાવમાં કુંભ (11 નો અંક) અને બારમા ભાવમાં મીન રાશિ (12 નો અંક) સ્થાપિત કરવામાં આવી છે.
હવે ગ્રહોની સ્થિતિ સમજીએ તો વૈદિક કુંડળીમાં ચોથા ભાવમાં કુંભ રાશિના શનિ, છટ્ઠા ભાવમાં મેષ રાશિના મંગળ અને કેતુ, સાતમે વૃષભ રાશિના સૂર્ય અને ચંદ્ર, આઠમે મિથુન રાશિના બુધ અને શુક્ર તથા બારમા ભાવમાં તુલા રાશિમાં ગુરુ અને રાહુ સ્થિત છે એમ કહેવાશે. આથી વૈદિક જ્યોતિષમાં ચોથા ભાવમાં કુંભ રાશિમાં શનિ એ મુજબ ફળકથન કરાશે. જ્યારે લાલ કિતાબ કુંડળીમાં ચોથા ભાવમાં શનિ, છટ્ઠા ભાવમાં મંગળ અને કેતુ, સાતમે સૂર્ય અને ચંદ્ર, આઠમે બુધ અને શુક્ર તથા બારમા ભાવમાં ગુરુ અને રાહુ સ્થિત છે એમ કહેવાશે અને એ મુજબ ફળકથન કરવામાં આવશે. ટૂંકમાં લાલ કિતાબમાં ફક્ત ગ્રહોને, તેમના જે તે ભાવના સ્થાનને અને એ મુજબના પ્રભાવને મહત્વ આપવામાં આવ્યું છે.
તો મિત્રો, આ હતી આજની વાત. આવતા અંકે આપણે કુંડળીમાં જે તે ગ્રહોના પાક્કા ઘર અને સૂતેલા ઘર વિશે જાણીશું.
હવે મળીશુ આવતા સપ્તાહે.
त्वदीयम जीवन त्रिपुरा तुभ्यमेव समर्पयते
– આદિત શાહ


















































