જન્મકુંડળીમાં રાશિઓની સ્થાપના
લગ્નની રાશિ કુંડળીના પહેલા ભાવમાં સ્થાપિત કર્યા પછી જે રાશિ આવે છે તેના ક્રમાંકને એન્ટિકલોકવાઈઝ રીતે એટલે કે કુંડળીના બીજા સ્થાનમાં મૂકવામાં આવે છે, તેના પછીની રાશિને ત્રીજા સ્થાનમાં… એમ એમ કરતા બારેય ભાવમાં બાર રાશિઓ સ્થાપિત કરવામાં આવે છે. ધારો કે કોઈ જાતકનો જન્મ કન્યા લગ્નમાં થયો તો કુંડળીના પ્રથમ સ્થાનમાં 6 નો અંક મૂકવામાં આવશે, જે કન્યા રાશિનો સૂચકાંક છે. ત્યાર પછી બીજા સ્થાનમાં અનુક્રમે 7, ત્રીજા સ્થાનમાં 8…. એમ કરતા કરતા બારમા સ્થાનમાં 5 નો અંક આવશે જે સિંહ રાશિનો સૂચકાંક છે.
જન્મકુંડળીમાં ચંદ્રરાશિની સ્થાપના
જાતકના જન્મ સમયે ચંદ્રદેવ જે રાશિમાં સ્થિત હોય તેને ચંદ્ર રાશિ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જે રાશિમાં ચંદ્ર હોય તે રાશિ પરથી બાળકનું નામ પાડવામા આવે છે, તેથી ચંદ્રરાશિને બાળકની જન્મરાશિ પણ કહેવાય છે. ધારો કે કોઈ જાતકનો જન્મ કન્યા લગ્નમાં થયો અને એ સમયે ચંદ્ર તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે તો તે બાળકની જન્મરાશિ તુલા કહેવાશે અને કુંડળીના જે સ્થાનમાં તુલા રાશિનો અંક હશે તે સ્થાનમાં એટલે કે કુંડળીના બીજા ભાવમાં ચંદ્રને સ્થાપિત કરવામાં આવશે.
જન્મકુંડળીમાં ગ્રહોની સ્થાપના
જાતકના જન્મસમયે ભૂ-ચક્રમાં ગ્રહોની જે સ્થિતિ હોય એ મુજબ અન્ય ગ્રહોની જે તે ભાવમાં સ્થિતિ સ્થાપિત કરવામાં આવે છે. ગ્રહોની જે તે સમયની સ્થિતિ સ્થાનિક પંચાંગ પરથી મેળવી શકાય છે. ટૂંકમાં ગ્રહોને એ રાશિના ભાવોમાં સ્થાપિત કરવામાં આવે છે જેમાં તેઓ ભ્રમણ કરી રહ્યા હોય.
તો મિત્રો, આ હતી આજની વાત. આવતા અંકે લાલ કિતાબ જ્યોતિષ મુજબ જન્મકુંડળીમાં ગ્રહોની સ્થાપના વિશે તથા વૈદિકની ફળકથન પદ્ધતિ લાલ કિતાબ જ્યોતિષથી કઈ અને કેવી રીતે જુદી પડે છે એ વિશે જાણીશું.
હવે મળીશુ આવતા સપ્તાહે.
त्वदीयम जीवन त्रिपुरा तुभ्यमेव समर्पयते
– આદિત શાહ


















































