નદીની બંને બાજુ વૃક્ષો પર સોનેરી પાંદડા, પાનખરના સૂર્યપ્રકાશમાં ચમકી રહ્યા હતા. પાણીમાં પડતું તેનું પ્રતિબિંબ અતિ સુંદર લાગી રહ્યું હતું.
મંત્રમુગ્ધ, હું પેઇન્ટિંગને જોતો રહ્યો. સુંદર હતી, પણ હતી તો પાનખરની. મને આશ્ચર્ય થયું કે એક વખતની ચુલબુલી અને ઉત્સાહી છોકરી, અચાનક શા માટે શરદ ઋતુ તરફ આકર્ષાઈ? આજુબાજુ નજર ફેરવી, બધા જ ચિત્રો પાનખરના જુદા જુદા મૂડ અને ક્ષણો દર્શાવી રહ્યા હતા. આ રાબીયાનું એકલાનું કલા પ્રદર્શન હતું.
રાબીયા રિપોર્ટરને ઇન્ટરવ્યૂ આપવામાં વ્યસ્ત હતી, અને તેને મારી હાજરીની જાણ નહોતી. મેં નક્કી કર્યું, કે એને મળ્યા વગર નહીં જાઉં. હું ઋતુરાજ પારેખ, રાબીયા સાથે કોલેજમાં હતો. એના માટે મારો પ્રેમ હંમેશા એકતરફા રહ્યો. હું કંઇક બની જાઉં, કે એને કહેવાની હિંમત ભેગી કરું, તે પહેલા એના લગ્ન કોઈ અજાણી વ્યક્તિ સાથે થઈ ગયા. હું તેને દોષ નથી આપતો. રાબીયા મારી ભાવનાઓથી એકદમ અજાણ હતી.
દુઃખી મન લઈને હું વિદેશ ચાલ્યો ગયો. આજે પાંચ વર્ષે પાછો આવ્યો છું.
“ઋતુરાજ? ઓહ માઈ ગોડ! આ તું છે?”
પેંટિંગથી નજર હટાવતા, મારી આંખો એના પર કેન્દ્રિત થઈ. વર્ષો પછી પણ તે એટલી જ સુંદર લાતી હતી અને મને એહસાસ થયો, કે મેં તેને કેટલી મિસ કરી હતી.
અમે હાથ મળાવ્યા અને થોડી ગપશપ કરી.
“હવે અહીં જ રહીશ કે લંડન પાછો જઈશ?”
“અહીં જ બિઝનેસ સેટ કરવાનો વિચાર છે. રાબીયા મારે આ પેંટિંગ ખરીદવી છે. પણ એક વાત પૂછું?”
“શું?”
મેં ફરી ચારેબાજુ જોયું,
“તું આટલી ઝીંદાદીલ છોકરી અને પાનખર…..?!”
તેના ચહેરા પર ઉદાસી છવાઈ જતા નજર નીચી થઈ ગઈ.
“કોઈનું આખું જીવન જ પાનખર બની ગયું હોય, તો એનાથી બીજી શું અપેક્ષા કરી શકાય?”
હું દંગ રહી ગયો.
“રાબીયા! હું સમજ્યો નહીં, તું કહેવા શું માંગે છે?”
એનો અવાજ ધીમો પડી ગયો.
“હું વિધવા છું. ત્રણ વર્ષ પહેલાં, ગૌરવની એક કાર દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગઈ.”
મારી પ્રતિક્રિયાની વાટ જોયા વગર તે ચાલી ગઈ. હું પેંટિંગ ખરીદીને ઘરે ગયો, પણ અઠવાડિયા સુધી જીવ ચિંતિત રહ્યો. મગજમાં અગણિત વિચારો ફરવા લાગ્યા. તે એકલી અને નિરાશ હતી. હવે વાત ફક્ત મારા પ્યારની નહોતી. હમણાં સુધી જે થયું તે,
પરંતુ હવે રાબીયાના જીવનમાં પ્રેમ અને ખુશીના રંગ ભરવાની જરૂર છે. હું ખાતરી કરીશ કે તેનું બાકીનું જીવન વસંતઋતુ બની જાય.
મારા ઇરાદાની જાણ કર્યા વિના, હું તેને મળવા લાગ્યો. પ્રથમ ક્યારેક ક્યારેક, અને પછી નિયમિતપણે. અમે કોફી શોપમાં મળતા, સાથે ચાલવા જતા, ડિનર કરવા, અને કેટલીકવાર શોપિંગ માટે પણ. ખૂબ વાતો કરતા. છ મહિના પછી, તે મારી સાથે એટલી બધી હળીમળી ગઈ, કે અમે એકબીજા માટે પારદર્શક બની ગયા.

એક સાંજે, એના જન્મદિવસ પર હું એના ઘરે ગયો. મારા પ્રેમ અને ઉદ્દેશ્યની પરીક્ષાનો સમય આવી ગયો હતો. શુભેચ્છા સાથે, મેં તેને ભેટ આપી અને ખોલવાનું કહ્યું. ભેટ જોઈને તે હંસી પડી.
“ઋતુરાજ, તું મને મારી જ પેંટિંગ ભેટ સ્વરૂપ આપીશ?”
“મારી જાન, ધ્યાનથી જો.”
હેત ભરેલો શબ્દ સાંભળીને તે ચોંકી ગઈ. પણ કાંઈ ટિપ્પણી કરયા વગર, એણે ફરી ચિત્ર સામે જોયું. મેં એના ઉપર કાંઈક લખ્યું હતું.
“પાનખરના ખરતા પાંદડા આવનારા વસંતની આશા આપે છે.”
તે મને જોતી રહી. હું પાસે ગયો અને તેના બન્ને હાથ મારામાં લઈને પ્રેમથી કહ્યું.
“આ આજની વાત નથી સ્વીટહાર્ટ. હું તને કોલેજના દિવસોથી પ્રેમ કરું છું. હું કંઈક બની શકું, કે તને મારા દિલની વાત કરું, તે પહેલાં તારા લગ્ન થઈ ગયા. પણ સમય એ આપણને ફરી એક થવાનો મોકો આપ્યો છે. આપણા બન્નેના નામનો અર્થ પણ વસંત થાય છે. રાબીયા, ચાલને, લગ્ન કરી લઈએ. આપણું આખું જીવન રંગબેરંગી વસંતઋતુ બની જશે.”
હું નક્કામો જ ડરી રહ્યો હતો. મારી બધી આશંકા ખોટી સાબિત થઈ, અને મને વધારે વાટ ન જોવી પડી. મોઢે સ્મિત આવતા, એના ચહેરાની રોનક વધી ગઈ. પછી રાબીયા મને એવી આલિંગન થઈ કે અમારી વર્ષોની તૃષ્ણા મટી ગઈ.
શમીમ મર્ચન્ટ


















































