“કેસુડાની કળીએ બેસી ફાગણિયો લહેરાયો, આવ્યો.. રૂડો ફાગણીયો..” (નટુભાઇ)
વસંતના વૈભવમાં, પ્રફુલ્લિત વાતાવરણ વચ્ચે, આવી ગયો છે નાના-મોટા સૌના પ્રિય તહેવાર.. હોળી. ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે આપણે સૌ હોળી પ્રગટાવીને તેની પૂજા કરીએ છીએ. ત્યાર બાદ બીજા દિવસે ધૂળેટી ઉજવીએ છીએ. જેમાં રંગ ગુલાલ અને કેસુડાના ફૂલ ના પાણીનો ઉપયોગ કરીને એકબીજાને રંગો ઉડાડીને રંગે રમીએ છીએ. આ મહોત્સવ ઉજવવા પાછળ એક પૌરાણિક કથા છે જેને વિસ્તૃત સમજીએ.
હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ બંને ભાઈઓએ બ્રહ્માજીની ઉગ્ર તપસ્યા કરી અને વરદાન મેળવ્યું. ત્યારબાદ સોણિતપુર ને પોતાનું રાજ્ય બનાવીને ત્રણે લોક જીતવા માટે યુદ્ધનો આરંભ કર્યો. હિરણ્યકશિપુ સ્વર્ગ સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા માટે સતત યુદ્ધ લડતો રહેતો. આ દરમિયાન તેની પત્ની નાગકન્યા કયાધુ ગર્ભવતી હતાં. લગભગ સો વર્ષ સુધી તેમણે ગર્ભધારણ કરી રાખ્યો. અને આ સમયમાં તેમણે ઋષિઓના આશ્રમમાં આશ્રય લઈને ભગવાન નારાયણ શ્રીહરિ વિષ્ણુની ભક્તિ કરી. માતાના ઉદરમાં સો વર્ષ સુધી નારાયણ ની ભક્તિ કરીને તે બાળકનો જન્મ થયો. નામ આપવામાં આવ્યું પ્રહલાદ.
બાળક પ્રહલાદ નારાયણ.. નારાયણ.. નો જાપ કરે. પિતા હિરણ્યકશિપુ નારાયણ નો કટ્ટર દુશ્મન. પ્રથમ તો તેણે વિચાર્યું કે આ બાળ સહજ ખેલ છે. પરંતુ આખરે તેને અનુભૂતિ થઈ કે આ બાળક તો નારાયણ નો પરમ ભક્ત છે. તેથી તેની ભક્તિ છોડાવવા માટે કેટલાય ઉપાયો અજમાવ્યા. બાળ પ્રહલાદને ઊંચા પર્વત પરથી ગબડાવ્યો. હાથીઓના પગ નીચે કચડાવ્યો. પરંતુ દરેક વખતે ભગવાન નારાયણે તેની રક્ષા કરી.
આખરે હિરણ્યકશિપુએ તેની બહેન હોલિકાની મદદ લીધી. હોલિકાને અગ્નિ બાળી ન શકે તેવું વરદાન હતું. એક મોટી ચિતા ખડકવામાં આવી. હોલિકા તેમાં બેસી ગઈ. ખોળામાં પ્રહલાદને લીધો. ચિતા સળગાવવાની સાથે જ હોલિકા બળવા લાગી. તેને મળેલાં વરદાનની એ શરત હતી કે તેણે આ વરદાનનો દુરુપયોગ કરવો નહીં અન્યથા તેની અસર નષ્ટ થશે.
આમ, હોલિકા બળી ગઈ અને ભક્ત પ્રહલાદ હેમખેમ ચિતામાંથી બહાર આવ્યા. આ જોઈને નગરજનો હર્ષ ઘેલા થઈ ગયાં. એકબીજાને રંગ ગુલાલ ઉડાડીને તેમજ ઘરમાં લાપસીના આંધણ મૂકીને સૌએ આનંદ વ્યક્ત કર્યો. આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય થયો. આજે પણ હોળી પ્રગટાવતા પહેલા તેમાં માટીનો ઘડો મૂકવામાં આવે છે. તેમાં ઘઉં, ચણા, મગ જેવા ધાન્ય ભરવામાં આવે છે અને કુંભ મૂક્યો કહેવાય.સવારે અગ્નિ ઠારી દીધા બાદ આ કુંભ બહાર કાઢીને ખેલૈયાઓ ઘરે-ઘરે તેમાંથી પ્રસાદની વહેંચણી કરે છે અને ત્યારબાદ રંગથી રમે છે પણ હવે તો આ પ્રથા વિસરાતી જાય છે.
વર્તમાન સમયમાં કોરોના પાછો વકર્યો છે. જનજીવન ફરીથી ત્રસ્ત બન્યો છે. ત્યારે આપણે સાવધાનીપૂર્વક તહેવારો ઉજવીએ અને જન જીવનની સુખાકારી માટે પ્રાર્થના કરીએ.
હર્ષા ઠક્કર
Related