20/12/2003
અચાનક ડોક્ટર પાસે જતા ડોક્ટર શાંતિથી પોતાની કેબિનમાં બોલાવી સોનોગ્રાફી રિપોર્ટ જોતા કહે છે, બસ બેન હવે વાટ જોવી શકય નથી આપણે કાલે સવારે ઓપરેશનથી ડિલીવરી કરવી જ પડશે……..બસ આટલું સાંભળતા જ જાણે ધબકારા વધી ગયા મારા અને પછી મારા પતિએ મને હિંમત આપી સમજાવી અને અમે બીજા દિવસે થનારા ઓપરેશન માટે તૈયાર થયા , અને જેવા ઘરે ગયા તબિયત બગડી અને રાતે ફરી ડોક્ટર પાસે, અને રવિવારે સવારે મારુ ઓપરેશન પાર પડ્યું અને બે ઢીંગલીઓનું આગમન થયું. એના પપ્પાની ખુશી તો જાણે જીવનમાં બધું પ્રાપ્ત થયું હોય એવી હતી પણ મને થોડી આ સમાજની બીક હતી પણ મારી ધારણા સાવ ખોટી થઈ. મારી દીકરીઓને મારા આખા કુટુંબે પ્રેમે વધાવી…
પછી આવી વૃશ્ચિક રાશિ નામ પાડતી વખતે મનમા સવાલ કે એના નામમાં એના પપ્પાના સ્વભાવ નું પ્રતિબિંબ જોઈએ એટલે કે હમેશાં તેમને નિતીથી કામ કરતા જોયા. ગમે તે થાય નિયત ખોટી નહિ કરવાની અને ખુબ જ વાજતે ગાજતે નામ પડ્યું – “નિતી – નિયતિ”
બે હોવાથી મોટી કરવામાં થોડી તકલીફ થઈ પણ સમય સાથે બન્ને મોટી પણ થઈ ગઈ અને બન્ને સ્કૂલમાં જવા લાગી ત્યાપણ કોઈ દિવસ બન્ને પાછળ પડી નહિ અને હમેશા ભણતર હોય કે બીજી કોઈ પ્રવૃત્તિ હોય હમેશાં પહેલા બીજા ક્રમે જ હોય . આમ જ સમય જતાં દસમા ધોરણમાં આવી અને બન્ને હોશિયાર હોવાથી ટ્યુશન નહિ જઉં ની જીદ પકડી પણ મને ચિંતા તો થતી. એવામાં એક દિવસ સવારે હું સ્કૂલમાં મુકવા જતી હતી ને એકસિડેન્ટ થઈ ગયો. સદનસીબે બન્નેને કઈ ના થયું પણ હું આઇસીયુમાં પહોંચી ગઈ અને જાણે શુ થશેની ચિંતા મગજમાં દોડવા લાગી અને ચમત્કાર થયો અને તબિયત સારી લાગતા ડોક્ટરે રજા આપી, ઘરે આવી ઘરની વ્યવસ્થાનું શુ થશે ની ચિંતા કરતી હતી ત્યાં બન્ને દીકરીઓ ઘરનો ભાર ઉપાડી લીધો અને મને 15 દિવસ પૂરતો આરામ કરાવ્યો પછી પોતાની પરીક્ષા ની તૈયારી કરવા લાગી અને 80% સાથે ટ્યુશન વગર પાસ થઈ. અમને તો એમ કે સાયન્સ લેશે અને ડોક્ટર બનશે પણ અમારી બન્ને દીકરીઓએ કૉમર્સ લીધું અને પહેલી વાર બન્નેને અલગ અલગ સ્કૂલમાં એડમિશન મળ્યું. નિતી નિયતિ છૂટી પડી અને આની સીધી અસર દેખાવા લાગી. જે દીકરીઓ એક દિવસ પણ એકબીજા વગર રહી ન શકે એને સ્કૂલમાં એક બીજા વગર જવું પડ્યું અને એક વર્ષ જેમતેમ પુરું થયું ને લોકડાઉન આવ્યું, બન્ને માટે તો જાણે આશીર્વાદ કારણ હવે એકબીજા વગર સ્કૂલમાં જવું નહિ પડે અને નિતીની તો એક અલગ જ પ્રતિભા બહાર આવી અને તે છે તેનો કલમ પ્રેમ જેનાથી અમે સૌ પણ અજાણ હતા. આજે મારી દિકરીઓએ મને લખવાની પ્રેરણા આપી આજથી 20 વર્ષ પહેલાં હું પણ મારી ડાયરી માં લખતી પણ સમયની ભાગદોડ માં હું મારી કલમને ભૂલી ગઈ હતી આ છે મારી અને મારી દીકરીઓની કહાની આજે એના જન્મદિવસે કઈક લખવાની ઇચ્છા થઈ તો તેના વિશે જ લખ્યું.
મને નથી લાગતું કે સમાજ માં આવી દીકરીઓ હોય તો કોઈને દીકરાની જરૂર પણ હોય….
નિ-નિરંતર
તી-તીર્થ
નિ-નિઃસંદેહ
ય-યશ
તી-તૃષ્ણા.


















































