જિંદગી અભાવમાં જીવી જશો ચાલશે પણ કોઈના પ્રભાવમાં જીવશો તો નહીં જ ચાલે.
જે બીજાની નકલ કરે છે એ હમેંશા માટે નબળી આવૃત્તિ બની ને રહી જાય છે. એટલે બીજા જેવા બનવાની કોશિશ ના કરો.
હા, બીજા પાસેથી પ્રેરણા જરૂર લઇ શકાય.
કોઈને માર્ગદર્શક જરૂર બનાવી શકાય પણ પોતાના પથના સર્જન તો પોતે જ બનવું પડશે.
બીજાની કોપી કરીને પાસ થઈ જવાશે પણ પોતાની મૌલિકતા ગુમાવી બેસશો. રેન્કર બનવા માટે અનુકરણ નહિ દ્રઢીકરણ કરવું પડે.
કોઈથી અંજાઇને પોતાની કૃતિ નબળી ક્યારેય સાબિત ના કરશો.
એનો અર્થ એ નથી કે બધા પાસે થી અંતર રાખો કે પોતાને જ શ્રેષ્ઠ છો કોઈની જરૂર નથી એવું માની લેવું.
માનવ ને ડગલેને પગલે સાથ સહકારની જરૂર પડવાની જ.
દરેકની પોતાની આવડત અને પોતાની નબળાઈ હોય કોઈ સંપૂર્ણ હોતું જ નથી.આપણું જીવન બીજાની સાપેક્ષમાં જીવી જવાના અભરખા આપણને લાંબા ગાળે હતાશા જ બક્ષે છે.
દરેક ની પોતાની અલગ અલગ મર્યાદા હોય છે.
કુદરતની રચનામાં પણ તમને ઉત્તમ દ્રષ્ટાંત મળી જ રહેશે
આપણે સહુ જાણીએ છીએ કે,ચંદ્ર પાસે પોતાનો પ્રકાશ નથી
ચંદ્ર સૂર્ય પાસેથી પ્રકાશ લે છે પણ ચંદ્ર પોતાની શીતળતા જાળવી રાખે છે.એની શિતળતા માં સૂર્યનો તેજપ્રકાશ પણ ટાઢક આપવા લાગે છે.
જિંદગી કોઈના અનુવાદ મુજબ નહીં પોતાના ભાવાનુવાદ મુજબ જીવવાની હોય.જિંદગી લાગણીઓ થકી અનુભવાય છે પણ એ લાગણીઓ અને અનુભવ બંન્ને આપણા જ હોવા જોઈએ.
જિંદગી એટલા ભાવપૂર્વક જીવ્યે કે મૂળ કૃતિ કરતાં પણ
સારી રીતે મજા માણી શકીએ.
આવડત થી છકી જનાર અને નબળાઈથી ડરી જનાર ક્યારેય સફળતાનો સ્વાદ પામી શકતાં નથી.પોતાનો સ્વીકાર કરીને જીવનાર વ્યક્તિ જીવનમાં પોતાના સપનાઓ જરૂર પૂરા કરી શકે છે.
આપણે જ આપણી આવૃત્તિ બનીએ તો આપણી જિંદગીની કૃતિ સુંદર જ બનશે.
દરેક તર્ક થી પર છે,
પણ જાણવામાં નહીં માણવાની અલગ જ મજા છે
આ જિંદગી છે
આની કોઈ આત્મકથા ક્યાં લખાયી છે?
આ તો બસ સહુની પોતાની એક સંઘર્ષગાથા છે….
Related