સૂર્યમંડળની કલ્પના કરી જુવો જેમ બધા ગ્રહ સૂર્યની આસપાસ ફર્યા કરે અને સૂર્ય બધાને પોતાના કેન્દ્રત્યાગી બળ થી જકડી રાખે કંઈક એ રીતે જ આપણે બીજાના જીવનના કેન્દ્રબિંદુમાં પોતાની જાતને કલ્પી લેતાં હોઈએ છીએ.
પણ વિચારો શું એ, કેન્દ્રત્યાગી બળ જ સૂર્ય અને ગ્રહો વચ્ચેના મંડળમાં ભાગ ભજવે છે? ગ્રહો તરફથી લાગતું બળ પણ એમાં એટલું જ મહત્વનું છે.
ઘણી વાર આપણે પોતે પોતાની જાતે જ બીજા ના જીવન માં આપણું મહત્વ ઘણું બધું આંકી લેતાં હોઈએ છીએ. કદાચ એમના તરફ થી આપેલ ક્ષણીક મહત્વ પણ આપણને એ માટે પ્રોત્સાહિત કરતું હોય પણ એક સનાતન સત્ય હમેશાં યાદ રાખવું કે આપણી ઈચ્છા મુજબ આપણું સ્થાન દરેક ના જીવનમાં હોવું એ શક્ય જ નથી.
દરેક વ્યક્તિની પોતાની ઈચ્છા, પોતાની પ્રાથમિકતા અને પોતાના સપનાઓ હોય છે અને હોવા જ જોઈએ કારણકે આ બધું જ જીવનમાં જીવંતતા લાવે છે.
“બીજાના અસ્તિત્વમાં ભળવા માટે આપણે આપણું જ વ્યક્તિત્વ ગુમાવી બેસીએ છીએ”. કોઈને ગમે એ રીતે આપણી રહેણી કહેણી બદલવાનો પ્રયાસ કરીએ અને એ મુજબ કરી પણ લઈએ કેમકે એ આપણી જ ઈચ્છા હોય છે અને ઈચ્છા મુજબ જરૂર કરી શકાય પણ એની સાથે એ અપેક્ષા ન રાખી શકાય કે આપણે એમના માટે જે કરીએ છીએ એનું વળતર એ આપણને એમના જીવનમાં કાયમી મહત્વનો હિસ્સો બનાવીને આપે.કદાચ આપણે સલામતી માટે આ બધું કરતાં હોઈએ આપણને ડર હોય કે સંબંધોમાં કોઈ છોડી જશે, અને આ ડર જ આપણા સંબંધોને નિર્બળ બનાવી દેતો હોય છે.
વ્હાલના સગપણમાં વ્યવહારની અપેક્ષાઓ બંધાય એ ક્ષણે થી જ સગપણમાં પોતાનાપણું ધીમેધીમે ખતમ થવા લાગે છે.
જેઓ આપણાં હ્રદય સાથે જોડાયેલા હોય છે, એ ક્યાય જતાં નથી. એને આપણે બાંધી રાખવા પણ પડતાં નથી. સંબંધો જીવનને પ્રગતિ તરફ લઈ જનાર હોવા જોઈએ, નહિ કે સંબંધોને કારણે આપણે જીવવાનું પણ ભૂલી જઈએ.
કોઈપણ સંબંધમાં લાગણી ,કરુણા, સમ્માન અને સમર્પણ ઘણું મહત્વનું હોય છે તમે જો સામેવાળા પાસે થી આ બધું ઈચ્છો તો પ્રયાસ ની શરૂઆત તમારા તરફથી સંપૂર્ણ હોવી જોઈએ.
કોઈપણ સંબંધની શરૂઆત હમેંશા એકબીજા ના લગાવ થી થાય પણ અંત એ જ લગાવ તરફનો કોઈ એક કે બંને નો “અલગાવ” અને આ થવાનું કારણ “અપેક્ષાઓ”…
આપણે અપેક્ષાઓના મહેલ માં રાચવા લાગીએ છીએ પણ જયારે એ ધડાકાભેર તૂટે અપેક્ષાઓની સાથે આપણે પણ તૂટી જાય છે. અને અસહ્ય વેદના આપણને જીવનભર પીડા આપતી રહે છે.
આપણી ઈચ્છા પુરી કરવી એ આપણો હક છે પણ આપણો એ હક એ બીજા માટે ફરજ ક્યારેય નથી બનતી. અને એ સમજી લેવું એ આપણી જ ભૂલ છે.
ગમતાં વ્યક્તિનો સાથ પામવા માટે આપણે એમને ગમતું કરવાના સતત પ્રયાસો કરવા લાગીએ છીએ અને ઘણું ખરું એવું પણ અપનાવી લઈએ જે આપણું મન સ્વીકારી નથી શકતું. છતાં પણ એમના તરફની આપણી લાગણીઓ ને કારણે આપણે કયારે એ તરફ ઝૂકીને આ બધું કરવા લાગીએ એ ઘણીવાર આપણને પણ ખ્યાલ નથી રહેતો.
પ્રિય પાત્રને પામવાના પ્રયાસ જરૂર કરો પણ પોતાની જાતને બદલીને નહીં. કેમકે એ રીતે જો તમે કંઈક પામી પણ લેશો તો એક દિવસ પોતાને જ ગુમાવી બેસશો.અને આવું કરીને તમે એમની સાથે નહીં પણ પોતાની સાથે જ છેતરામણી કરી બેસો છો.
સરળ સંબંધોને અઘરા કરી દેવાની ટેવ આપણને જ પડી ગઈ છે. સંબંધોમાં રહેલી નિખાલસતા અને નિર્દોષતા આપણે જાળવી શકતા નથી. કદાચ એનું સૌથી મોટું કારણ સંબંધો પર આપણને શ્રદ્ધા નથી હોતી એ હોય શકે. સતત કોઈના સાથ ની ઝંખના જ વિરહનું એકમાત્ર કારણ બની રહે છે.
તમે ઈચ્છો એ રીતે પોતાને બદલી શકો છો પણ કોઈને પ્રભાવિત કરવા માટે નહીં.
બીજાનું “એટેન્શન” પામવાની લાલસામાં પોતાની “ઓરિજિનાલિટી’ ગુમાવી બેસવું વ્યાજબી તો નથી જ.