આજે એક વાત કહેવી છે તમને,
સારું લાગે..તો પાસે રાખજો મને.
મારો પરિચય આપવાની જરૂર નથી,
હું છું ખુશી.. બધાની મન ગમતી.
કેમ મને શોધો છો બધી બાજુ?
કેમ નજર ફર્યા કરે છે આજુબાજુ?
અદૃશ્ય હોઈશ ભલે, પણ કરાવું છું તમને એહસાસ,
હવાની જેમ હમેશા રહું છું તમારી આસપાસ.
ન ગોતો મને પૈસામાં કે મોટી મોટી ઇમારતોમાં,
હું નથી મલમલના કપડાં કે સોના ચાંદીની ચમકમાં.
અમૂલ્ય છું, પણ મળીશ અનપેક્ષિત જગ્યાએ,
ખૂણે ખાંચડે, જીવનની જીણી જીણી બાબતે.
સંગીતની ગૂંજમાં, પાયલની ખનકમાં,
સાગરની લહરમાં, બાળકના સ્મિતમાં.
કોઈના આંસુ લૂછવામાં, કોઈના ખભે હાથ મુકવામાં,
કોઈના બાથમાં, ને અનાથના માથે છાંયડો બનવામાં.
મનમાં શાંતિ હશે તો જરૂર મારો એહસાસ થશે,
હૃદય પ્રફુલ્લિત હશે, તો નક્કી મારો આભાસ થશે.
દોષ રહિત બેફિકર અંતરાત્મા પણ ખુશી આપે,
અને મહેનતથી ટપકતો પસીનો પણ રાહત લાવે.
મને મંઝિલ સમજવાની ભૂલ ન કરજે,
તારા દરેક પગલે મને સાથે રાખજે.
છોડ દુન્યા ભરની પંચાત, ચાર દિવસના જીવનમાં,
ખુશી મળશે, હર્ષોઉલ્લાસ ફેલાવવામાં.
શમીમ મર્ચન્ટ


















































