“કોરોના વોરિયર્સને વંદન વારંવાર,
વોરિયર્સના ઉપકારનો નહીં પાર,
એ કોઈ જાતના ભેદ ના જોવે…
વોરિયર્સ તો સેવા કરે છે અપાર.”
વોરિયર્સ – યોદ્ધાઓ. આ કોરોના રુપી જંગને જીતવા મેડિકલ ટીમ સતત લડે છે, ડૉકટર્સ, નર્સિંગ સ્ટાફ, મેડિકલ ગૃપ, લેબોરેટરી ગૃપ,અને હૉસ્પિટલ સાફ સફાઇ સ્ટાફ સતત પોતાની સેવા આપે છે.
આ કપરા કાળમાં ઘરના પરિવારના સભ્યો પણ દર્દની મદદ કરી શકતા નથી ત્યારે આ યોદ્ધાઓ હરઘડી તૈયાર રહે છે.
કોરાના તો સમજ્યા પણ કોઈ અન્ય બીમારીનું દર્દી ઘરમાં હોય અને બિમારી લાંબી ચાલે તો ઘરના સભ્ય પણ થાકી જાય, કંટાળી જાય ત્યાં આ યોદ્ધા સ્વાર્થ સાથે પણ પરમાર્થનું કાર્ય કરે છે.
બને છે ક્યારેક ‘એક ખરાબ માછલીને લીધે પૂરૂ તળાવ બદનામ થાય છે.’ ઠીક તેમ જ કોઈ કોઈ સ્વાર્થી અને લાલચુ ડૉકટર્સ અને સ્ટાફને લીધે ક્યારેક બદનામ બધા જ થાય છે, પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે ૨૦ કે ૩૦% ને લીધે બાકીના ૭૦ કે ૮૦% લોકો પર અવિશ્વાસ ન રાખવો જોઈએ.
કોરોના સંક્રમિતનુ મૃત્યુ થયા બાદ એ શરીર અંતિમ ક્રિયા માટે ઘરના સભ્યોને નથી સોપાતુ, પણ એને પ્લાસ્ટિક કવરમાં વ્યવસથિત લપેટીને જ હૉસ્પિટલમાંથી વિદાય અપાય છે અમુક હૉસ્પિટલમાંતો શક્ય એટલી પૂજા વિધી સાથે કફનમાં તૈયાર કરાય છે, આ કાર્ય કરનાર હૉસ્પિટલ સ્ટાફ પણ વંદનિય છે.
દર્દીઓના મળ, મૂત્ર, ગળફા, ઉલ્ટી આ બધુ સાફ કરનારની તો વાત જ શું કરવી..! ખરેખર ખૂબ કપરુ કામ કરે છે આ લોકો. અપ્રતિમ..!
ઘણી જગ્યાએ તો પૂરો પરિવાર સંક્રમિત હોય છે, આવા પરિવારના સભ્યોને જમવા અને ફળ દવા માટે કોઈ તકલીફ ન પડે એ માટે પડોશીઓ, સગા સ્નેહીજનો બનતી મદદ કરે છે.
હમણાંની પરિસ્થિતિમાં હૉસ્પિટલમાં આૅક્સિજનની કટોકટી હતી ત્યારે મોરબી જેવા અનેક શહેરોમાં વેપારી વર્ગે અનેક રીતે મદદ કરી કોવિડ સેન્ટર ઊભાં કર્યા અને બનતી મદદ કરી એ પણ વોરિયર્સ જ છે.
મોરબી શહેરમાં ચાર પાંચ દિવસમાં યુદ્ધના ધોરણે કામ કરી અૉક્સિજન પ્લાન્ટ બનાવનાર વોરિયર્સ પણ પ્રશંસનીય છે.
પાંચ છ દિવસ પહેલાં બનેલી ઘટના મુજબ એક યુવાનને ગંભીર પરિસ્થિતિમાં હૉસ્પિટલ લાવવામાં આવ્યો પરંતુ બૅડ ખાલી ન હોવાથી બોતેર વર્ષિય દાદાએ પોતાની જગ્યા ખાલી કરી આપતા કહ્યુ, “મે તો જિંદગી જીવી લીધી છે, મારા નસીબમાં હશે એમ થશે, મારી જગ્યા આ યુવાનને આપી દો.” બે દિવસ પછી એ દાદાએ અંતિમ શ્વાસ લીધા. આ વોરિયર્સને દિલથી વંદન.
ફરી એકવાર દેશના દરેક પ્રકારના વોરિયર્સને દિલથી સલામ.
~ જાગૃતિ કૈલા


















































