૨૯ ડિસેમ્બર, ૨૦૯૯.
૨૦૯૯નું વર્ષ. આખા વિશ્વમાં નાતાલનો તહેવાર ઉજવાય રહ્યો છે, ચારેબાજુ ધમધમતી દુકાનો, સંગીત, ભીડવાળા રસ્તાઓ સાથે આખી દુનિયા ઝગમગે છે. ગૂગલ સર્ચ એન્જિન આવનારા વર્ષને, આવનારી સદીને વધાવતો વિડિયો ચલાવી રહ્યું છે. ખરેખર લોકોમાં ઉલ્લાસ છે કે ૨૧૦૦મી સાલ આવવાની છે. સંતા કલોઝ નું વર્ઝન બદલાય ગયું છે, પહેલા એ ખુદ માણસ બનીને આવતા, હવે એપ્લિકેશન રૂપે દેખાય છે.
આ બધાની વચ્ચે એક સમૃદ્ધ શહેર છે, કર્ણાવતી. ઉધોગોથી સજ્જ અને દરેક સુવિધાઓથી ભરેલું કર્ણાવતી શહેર નવી ટેકનોલોજી માટે જાણીતું છે. આ શહેરમાં કંઇકને કઈક નવું થતું રહેતું હોય છે, વીજળી માટેના પ્રયોગો, ઓક્સિજન શોધવાના પ્રયોગો, પૃથ્વીના ગર્ભમાં રહેલા કેટલાક રહસ્યો, વગેરે વગેરે.
પણ કર્ણાવતીની એક નામચીન ફેક્ટરી અનાયરામાં કઈક અજુગતું થઈ રહ્યું છે. આમ તો આખો સ્ટાફ નાતાલમાં રજા પર છે, પણ અમુક જવાબદાર ઓફિસરો હજી કામમાં લાગ્યા છે. એમને અલગ પ્રકારની PPE શીટ પહેરી છે. .. એમની દોડધામ જોઈને લાગી રહ્યું છે કઈક અનર્થ થવાનું છે. એક જગ્યાએ બેસેલો ઓપરેટર ગણતરી ચાલુ કરે છે. દસ, નવ, આઠ….ત્રણ, બે, એક, શૂન્ય..બધા એકબીજાની સામે ગભરાતી નજરે જોઈ રહ્યા છે. ત્યાં તો ધડમ્મમમમ. ધૂમ… થઈને અવાજ આવે છે. ઓપરેટરની સ્ક્રીનમાં દેખાય રહ્યું છે એક પછી એક બધું વિનાશ થઈ રહ્યું છે. દરેક મકાન, બગીચા, રસ્તાઓ, વાહનો, દુકાનો, બજારો, એક પછી એક બધું સળગી ઊઠે છે. હજી એ સમજાતું નથી ત્યાં ફેક્ટરી સિવાયના જમીનોના ટુકડા ગર્ભમાં ઉતરી જાય છે. ધીમે ધીમે કરતા શહેરની બહાર અસર જોવા મળે છે. આખું રાજ્ય, આખો દેશ અને આખું વિશ્વ હલી રહ્યું છે. ક્યાંક વરસાદ, ક્યાંક ભુસ્લખન, ક્યાંક પુર, ક્યાંક ભૂકંપ એમ કરતાં કરતાં ધરતીનો વિનાશ દેખાય રહ્યો છે. સેટેલાઈટ થી આવેલા ડેટા કંપાવી દે એવા છે. સ્ક્રીન પર બેસેલો ઓપરેટર હેબતાઈ જાય છે. ફેક્ટરીમા રહેલા લોકોને સમજાતું નથી શું કરવું. નથી બહાર નીકળી શકતા, નથી કોઈ સાધન ચલાવી શકતા. એવું લગભગ બે કલાક ચાલે છે.
અંતે સ્ક્રીનમાંથી અવાજ આવે છે, ” દુનિયાનો વિનાશ થઈ ચૂક્યો છે. નવી દુનિયા તૈયાર કરો.” ત્યાં હાજર બધાના મગજ સુન્ન થઈ રહ્યા છે. ટેકનોલોજીના લીધે એટલો મોટો ફટકો ધાર્યો ન હતો. બધા રડવા લાગે છે, એકબીજાને સહારે નીચે બેસે છે અને આખરે આજે બધા ભગવાનને યાદ કરે છે. કોઈ શંભુને, કોઈ લક્ષ્મીને, કોઈ ગણેશજીને, તો કોઈ અલ્લાહ, વાહેગુરું, ઈસુ તો કોઈ મહાવીરને. અનહોની થઈ ચૂકી છે પણ કારણ કોઈને ખબર નથી. ફેક્ટરીમાં રહેલા બધા લોકો પોતપોતાને જવાબદાર ગણે છે, પણ સાચું કારણ હજી શોધવાનું બાકી છે. આખો પ્રોજેક્ટ ઊર્જાની બચાવ કામગીરી કરવાનો હતો. અનાયરા કંપની ઊર્જાને સાચવી માનવ કલ્યાણ માટે ઉપયોગ કરવાની હતી, પણ આ શું? પ્રોજેક્ટ સેટ કરતા જ પૃથ્વીનો વિનાશ થઇ ગયો. પૃથ્વીની બધી જ ઊર્જા વપરાય ગઈ અને બે કલાકમાં બધું ધૂળ થઈ ગયું. આખી સિસ્ટમમાં ભૂલ શોધવા દોડાદોડી થઈ રહી છે પણ કઇ જડતું નથી. કંપારી લાવી દે એવો બનાવ માત્ર માત્ર અનાયરા કંપની પ્રોજેક્ટના લીધે હતો કે કુદરતનો કરિશ્મા હતો એ સમજાતું નહોતું.
થોડીવારમાં એક પડછાયો દેખાયો. એકદમ ટટ્ટાર ઉભેલો અને આશ રાખી શકાય એવો કદાચ. ફેક્ટરીના વચ્ચોવચ ભેગા થયેલા દરેકની નજર ત્યાં પડે છે. ધીમે ધીમે એ પડછાયો બધાની તરફ આવી રહ્યો છે. અને થોડીવારમાં ખબર પડે છે એ તો કચરવાળો હરિયો છે. બધા પાછા નિરાશાવાદી થઈ જાય છે. લોકોમાં ઘુસપુસ ચાલુ છે ત્યાં આખા પ્રોજેક્ટના કારોભારી શુક્લા સાહેબ બધાને સાંત્વના આપતા બોલે છે, ” બધા શાંતિ જાળવો, જે પણ થયું છે, ભગવાનની મરજીથી થયું છે. આપણે મૂળ સુધી પહોંચીએ અને જેટલી માનવજાતિ બચી છે, એને જીવાડવા પ્રયાસો કરીયે.” હજી બધાના મગજમાં ઘણા સવાલ છે, પણ શુક્લા સાહેબ પાસે એનાથી વધારે બોલવા માટે કઈ જ નથી.
એટલામાં પેલો પડછાયો એટલે કે હરિયો બધા પાસે આવી પહોંચે છે, “મને ખબર છે આનું કારણ શું છે, મને બધું ખબર છે, મને સુલજાવાનો મોકો આપો, હું બધું ઠીક કરી દઈશ. ”
“તું રહેવા દે, કાઈ બોલતો નહિ, તું શું કરી લેવાનો? આપણી ધરતી, આપણો પરિવાર, બધા મુસીબતમાં છે, કોઈના કાઈ સમાચાર નથી, બધા સેટેલાઈટ બંધ છે, ઇન્ટરનેટ ચાલતું નથી, આવી પરિસ્થિતિમાં તું તારા વિચારો બંધ રાખ.” આવો ઉગ્ર અવાજ ટોળામાંથી આવી રહ્યો છે.
પણ હરિયો અટકતો નથી, ” મને ભૂતકાળમાં જતા ફાવશે, મને એક મોકો આપો.”
બધા એકબીજાની સામે જોઈને હસવા લાગે છે, કોઈ પથરા મારે હરિયાને તો કોઈ ગાળાગાળી કરે… આવું વાતાવરણ જોઈને શુક્લા સાહેબ બધાને શાંત પાડવા મથી રહ્યા છે, પણ હરિયાને એની વાતમાં વિશ્વાસ છે.
“હું બધાને બચાવીને રહીશ, મને કોઈનો સાથ નથી જોઈતો હું બધું જાતે કરીશ.” મનમાં ને મનમાં ગુચવાતો ત્યાંથી નીકળી જાય છે.
બે વર્ષ પહેલા: જાન્યુઆરી, ૨૦૯૭
હરિયો. એટલે કે કચરવાળો. કોઈ એને ખાસ બોલાવે નહિ, પણ એ બધાને બોલાવે. આખું નામ હરિ ભીલ. આ નામ પરથી જ કદાચ કોઈ એને રાખતું નહોતું. દુનિયા આગળ ઘણી નીકળી ગયેલી, પણ લોકોના જડ વિચારો નથી બદલાયા. હરિને વાંચનની સારી ટેવ હતી. એના ઘરમાં સામાન કરતા વધારે ચોપડીઓનો ખડકલો જોવા મળે. નાનપણથી એકલો જ રહે, અને નાના નાના કામ કરીને ગુજરાન કર્યા કરે. એના સંબંધી મા એક જ વ્યક્તિ આવતું, રમણ પંડ્યા. હરિની લાયબ્રેરી જવાની લતને એને એક ખાસ માણસ સાથે મુલાકાત કરાવી હતી. રમણ પંડ્યા એક ઉભરતો વૈજ્ઞાનિક હતો. ઘણા વખત પહેલાં એ અનાયરામાં કામ કરતો હતો. પણ અમુક રાજનીતિ અને વધારે પડતી સફળતાના કારણે એને ત્યાંથી નીકાળી દેવામાં આવ્યો હતો. હરિને રમણ વિશે લગભગ બધી જ ખબર હોય. બેય પાક્કા ભાઈબંધ, હરિ નવી નવી વાર્તાઓ સંભળાવે અને રમણ એને નવી નવી શોધ વિશે સમજાવે. એક બે વર્ષ પહેલા રમણ ટાઇમ ટ્રાવેલના પ્રોજેક્ટમાં અટવાયો હતો અને ઘણો ચિંતામાં હતો. હરિ કેમેય કરીને એને નિરાશામાંથી દુર કરી શક્યો નહોતો, અને એકદિવસ જાણે છેલ્લા શ્વાસ લેવાના હોય એમ રમણે હરિને એના ટાઈમ ટ્રાવેલના વિશે બધી જ માહિતી કહી દીધી હતી. હરિ આખો દિવસ એની સાથે રહેતો કે ક્યાંક ડિપ્રેશન મા આવીને રમણ આપઘાતના કરી દે, અને થોડા દિવસોમાં રમણ પંડ્યા, એક અમૂલ્ય વ્યકિતત્વ, હાર્ટ એટેકમાં મૃત્યુ પામ્યો. હરિને મન તો આખી દુનિયા લૂંટાઈ ગઈ. પણ અમુક રહસ્યો હરિ પાસે અકબંધ હતા.
૨૯ ડિસેમ્બર, ૨૦૯૯.
એ દિવસે હરિ ફેક્ટરીમાં શુક્લા સાહેબને મળવા આવ્યો હતો, ત્યાં એણે નરી આંખે બે કલાકનું હચમચાવી નાખતું આવું દ્રશ્ય જોયું અને એના મિત્રને યાદ કરી ખૂબ રડ્યો. હરિ પાસે ઘણા સમયથી કેટલાક રહસ્યો અકબંધ હતા પણ એને સાંભળવા કોઈ તૈયાર નહોતું અને આજે શુક્લા સાહેબ પણ એના અપમાનને સાંભળી રહ્યા હતા. હરિ હાર માની લે એવો નહોતો. એમતો એ પુસ્તકિયો કીડો હતો એટલે આખી ઘટનાનો પાયો જાણવા એ રમણના જૂના ઘરે પહોંચ્યો જ્યાં ટાઈમ ટ્રાવેલ વિશે વધારે માહિતી એકઠી થઈ શકે.
(ક્રમશ:)

















































