એક વાત ચાલે છે કે કદાચ આ ફેસબૂક ને વોટ્સએપ બંધ થઇ જાય !
ખરેખર જો એવું થાય તો ?
મન વિચારે ચડી ગયું …
આ માધ્યમે
આપણી જાણ બહાર જ આપણા મન પર
આટલી પકડ જમાવી દીધી કે
હજી હમણાં તો એની ઓળખાણ થઇ
ને આપણે એના આટલા હેવાયા પણ થઇ ગયા ? લગભગ વ્યસની જ કહોને ?
બાળકનું ડાયપર વારંવાર જોતી મા જેવું મન વારેવારે મોબાઇલ ફોન ચેક કર્યા કરે છે !
કેટલીક રમૂજ તો મોબાઇલફોનમાં વ્યસ્ત લોકો બાળકો તરફ કેટલા બેધ્યાન થઇ ગયા છે
એનીય છે ,
ને આપણે એના પર હસીએ પણ છીએ ,
કારણકે એનો થોડોઘણો અંશ આપણામાંય છે.
મને યાદ છે કે
હું આ વિશ્વ સાથે જોડાયો ત્યારે Orkut હતું.
એમાં નવા પરિચય થતા.
ભૂલાયેલા યાદ આવતા.
એ પછી આ ફેસબૂક આવ્યું
ને એમાં વોટ્સએપ ઉમેરાયું.
હજી એની તમામ સુવિધાનો પરિચય તો નથી
પણ તોય જે છે એણે વ્યસ્ત તો રાખ્યો જ છે.
નિવૃત્ત કે પ્રવૃત્ત કોઇપણને માટે
આ હવે વ્યસન બની ગયું છે
એટલે એના વિના સોરવશે તો નહીં !!
એક વાત વિચારવા જેવી છે.
આપણા સહુનો એ અનુભવ છે કે
આ માધ્યમોનો આરંભ મજાનો હતો.
નવા પરિચય થતા.
એમાંથી કેટલાક નીકટતામાં પણ પરિણમતા.
આ મૈત્રીમાં પણ
ક્યાંક રિસામણા મનામણા પણ થતા.
પરિચયથી માંડીને સંબંધાવા સુધી
આ માધ્યમે બહુ થોડા સમયમાં એની પકડ જમાવી ને પરિણામે ક્યાંક
એનાં અણગમતા અનુભવ થવાની શરુઆત થઇ. તાણ ને દબાણ પણ જન્મ્યા.
એનાં દુષ્પરિણામ પણ ડોકાયા.
જે માધ્યમ નવા પરિચયનો સેતુ બન્યું હતું
એનો હેતુ એના પ્રવાસીઓને કારણે જ જોખમાયો. સૈદ્ધાંતિક વિરોધથી માંડીને
તે રુગ્ણ આનંદ સુધી આજે એનો વિસ્તાર છે. દુનિયા નાની બનાવનારે જ ખાઇ પહોળી કરી. પરિચયો બંધાયા અને ગંધાયા.
આજે આ પરિચયો પણ
કેવા સમયમાંથી પસાર થઇ રહ્યા છે …..!
આ વિપરિત વાતાવરણમાં
આ માધ્યમમાં પરિચય સંબંધે ઉપલબ્ધ
આટલા વિકલ્પો તો મેં જોયા…
Edit friends list
Snooz
Hide
Delete
Unfollow
Find support / Repost
Add to favorite
Take a break
See less
Limit what *** will see
Edit who can see
આવું થવાનું કારણ સહુનું અજંપ મન છે.
સહુ તડ ને ફડ કરવા માંગે છે.
મનમાં સમતા નથી
કારણકે શ્રદ્ધા નથી, સબૂરી નથી.
સહુને આજેજ કૈંક કહેવું છે
કારણકે કાલ વિષે મન સાશંક છે.
અનિશ્ચિતતાની સ્થિતિ અજંપો ને અશાંતિ રચે છે.
એમાંથી આત્યંતતિક અભિગમ આવે છે-
ક્યાંક એમાં સભાનતા પણ છે .
તો કેટલાંક સાવ અભાનપણે પણ એમ કરે છે.
કોઇને રાજી કરે છે , કોઇને ચોંકાવે
ને કોઇને ગભરાવે છે.
અતિરેક ટાળવાની, વિવેક જાળવવાની સલાહ મિથ્યા છે. રંગ , પીંછી ને કેનવાસ સામે છે, કોઇ જોનાર નથી એવા સંજોગોમાં કોઇ સાર્થક સર્જન કરે, કોઇ નિરર્થક લપેડા કરે ! રંગ , પીંછી ને કેનવાસ એમાં કૈં ન કરી શકે.
– તુષાર શુક્લ
Related