અત્યાર સુધી….
સ્નેહા, જે શુભમની મામાની દીકરી હતી, તે પોતાના થિસિસ પર કામ કરવા અંજામ પાસે આવે છે જ્યાં અંજામ તેને તેના તડામાર પ્રશ્નોના ટકોરાબંધ જવાબ આપે છે. હર જવાબની સાથે સ્નેહાની ઉત્કંઠા વધતી જાય છે અને સાથે સાથે અંજામ અને સ્વીકૃતિના સંબંધની વાત પણ. હવે આગળ….
પ્રકરણ –2
સ્વીકૃતિ ઓફિસથી ઘરે આવે છે અને પર્સમાંથી ચાવી કાઢી દરવાજો ખોલવા જાય છે પણ દરવાજે તાળુ નથી એટલે તે દરવાજાને અંદરની તરફ થોડોક ધક્કો મારે છેઅને અચાનકજ તેના આશ્ચર્યની વચ્ચે દરવાજો ખૂલતાનીસાથે તેને “Congratulations & Celebrations… for new vibration”….ની ચિચિયારીઓ સંભળાય છે. એ ચિચિયારીઓ અંજામની હતી.
“હા..હા..હા.. કઈ પણ યાર અને આ ફોર ન્યૂ વાઈબ્રેશન્સ શુ હોય છે બકા એ તો કહે..”, સ્વીકૃતિ અંદર આવેછે અને પલંગ પર બાજુમાં પર્સ મૂકીને બેસે છે. અંજામની હરકત જોઈને તે હસી પડે છે.
“વાઈબ્રેશન્સ એટલા માટે કે આજકાલ તારી લાઈફમાં જે બદલાવ આવી રહ્યા છે એના પછી તુ થોડી વધારે હસતી કૂદતી થઈ રહી હોય એવું લાગ્યું એટલે એવું કહ્યું”, અંજામે સ્વીકૃતિના સવાલનો જવાબ આપતા કહ્યું.”
“મારી લાઈફમાં કે આપણી લાઈફમાં…..??? ચાલ જવા દે હવે” સ્વીકૃતિએ વાક્યને પ્રશ્નાર્થને આધારે છોડીને વાતને ફગાવી દીધી.
“મને ગળા સુધી ખાતરી હતી કે તું અહીંયા જ હોઈશ.”, સ્વીકૃતિએ થાક ઊતારતા કહ્યું.
“એટલે મારા સરપ્રાઇઝનો કોઈ અર્થ જ ના રહ્યો, એમને??”, અંજામે મોઢું મચકોડતા કહ્યું.
“અરે.. ના.. ના… એવું થોડું કહ્યું મેં…”,સ્વીકૃતિએ તેની વાતને રદિયો આપવાનો પ્રયાસ કર્યો.
“અચ્છા… તો શું કહ્યું તમે??”, અંજામે પ્રશ્ન કર્યો. એક રીતે તેણે વાતાવરણ હળવું કરવાનો પ્રયાસ કર્યો.
“અરે યાર.. આતો બસ અંદાજો લગાવ્યો હતો”
“તું અને તારો અંદાજો… સારું ચાલ ફ્રેશ થઈ જા… પછી પાર્ટી કરીએ..”
“હા હો… ચાની પાર્ટી કરીશુ ને…” સ્વીકૃતિ વોશરૂમ તરફ જતા જતા પોતાની ઈચ્છા જાહેર કરી દીધી, જેને સાંભળતાની સાથે અંજામે મોઢું બગાડ્યું. અંજામને જેટલી કોફી પ્રિય હતી એટલી જ સ્વીકૃતિને ચા. લગભગ આ એક એવી બાબત હતી જે બંને વચ્ચે બીલકુલ ભીન્ન હતી
“હાસ્તો.. તારો દિવસભર નો થાક ઉતારી જાય ને.. નહીંતર તું પાછી બધો ગુસ્સો મારા પર જ કાઢીશ”, અંજામે ઊભરો ઠાલવ્યો.
“બિલકુલ… અને એમ પણ તારા જેટલું ઝઘડે પણ કોણ છે મારી સાથે એ કહીશ.”, સ્વીકૃતિ મોં લૂછતી લૂછતી આવી અને પલંગ પર અંજામની સામે બેસી.
“ઓહ.. એટલે.. હું ઝઘડુ છું તારી સાથે એમને..??? ક્યારે ઝઘડયો એમ કહેશો..???”, અંજામે રડમસ ચહેરો બનાવીને સવાલ કર્યો અને પોતાના માથે બાંધેલા પાટા પર હાથ ફેરવ્યો. એક્સિડન્ટમાં થયેલી ઈન્જરીના લીધે તેને માથાની જમણી તરફના ભાગમાં થોડી ઈજા પહોંચી હતી. હોસ્પિટલમાંથી ઘેર આવ્યા પછી સ્વીકૃતિએ પોતે જ તેની સંભાળ લેવાનું નક્કી કર્યું હતું અને એટલે જ અંજામ અને સ્વીકૃતિ એકબીજાના સામે આટલા નજીક બેઠા હતા.
“ખરેખર…આવા અકસ્માતો અને અકસ્માતે સર્જાનારા સંબંધો અતિ સુંદર હોય છે.”
“બે દિવસ પહેલા જ… યાદ કર તું…”, સ્વીકૃતિએ આંખ સુધી આવી ગયેલા પાટાને થોડો સંકેલીને ઉપર કર્યો.
“મને તો કઈ જ યાદ નથી…. તુજ કહી દે હવે કે શું હતું??”, અંજામ થોડું વિચારે છે અને પછી ના પાડે છે.
“ના.. ના.. જવાદે… તો નથી યાદ કરાવવું… ખોટો તારો જ મૂડ બગડશે.”, સ્વીકૃતિએ વાત કરવાની ના પાડી.
“અચ્છા તો આપકો હમારે મૂડ કી ઈતની પરવા હે…?”, અંજામે ફરી એક કાર્ટૂનિયો સવાલ કર્યો.
“હમે તો આપકી ભી બહોત પરવાહ હે… આપ જરા ધ્યાન તો દીજીએ.”,સ્વીકૃતિએ આ વાક્યની સાથે અંજામ તરફ પ્રેમાળ કટાક્ષબાણ ચલાવ્યું જેનો ઘા અંજામને કઈંક વધારે મીઠો લાગ્યો.
“ફિલ્હાલ તો આપ આપના ધ્યાન ચાયકી તરફ કિજીયે મૅડમ.”, અંજામે જમણી આંખની આઈબ્રો એક તરફ ઊંચી ચડાવીને સ્વીકૃતિને રસોડા તરફ જવા ઈશારો કર્યો.
“હાં… હા… ખબર છે.. હજી તો તું કહીશ… ચા પીલે ઠંડી થઈ જશે પછી મજા નહી આવે..”સ્વીકૃતિ વાત કાપતા પોતાની વાત ટપકાવી.
“તને બધી જ ખબર હોય છે.. એટલે તો કહું છું કે તું બહુ હોંશિયાર છે.”
“હા, પણ તારાથી વધારે તો નહી જ. પોતાની વાત ક્યારે કોની પાસે કોના દ્વારા કેવી રીતે પહોંચાડવી એમાં તારા જેવી માસ્ટરી કોઈની નહીં. ખરેખર, શબ્દોની રમતમાં તને કોઈ ન જીતી શકે હોં”, સ્વીકૃતિએ હસતા હસતા કહ્યું.
(અંજામ મીઠી મુસ્કાન આપી માસૂમિયત સાથે તેની તરફ જુએ છે)
“આ……. કઈ ખબર નથી પડી રહી અંજામ”, સ્વીકૃતિ કઈંક વિચારતા વિચારતા ચા તરફ જુએ છે.
“શું ના ખબર પડી..?”
“બસ એજ… કે આ નશો ચાનો છે કે તારો…???”, સ્વીકૃતિ ખુબ જ માદક અદા મા અંજામ ની આંખો માં આંખ પરોવે છે અને અંજામ પણ બે મિનિટ માટે સ્વીકૃતિની આંખોમાં ખોવાઈ જાય છે
“સારુ ત્યારે હવે મારો સમય થઈ ગયો છે તો હવે હું નીકળુ છું… કાલે પાછા મળીયે કેફે માં..શાર્પ 8:30 PM… ઓકે..”, અંજામે છૂટા પડવા વાત શરૂ કરી.
“એ……. શાર્પવાળા… હું તો 5 મિનિટ વહેલી જ આવી જાઉ છું, મોડું તારે થાય છે”, સ્વીકૃતિએ તર્ક કર્યો.
“હાં હવે તુ તો રાહ જ જોઈને બેઠી હોય છે મારી ભૂલો શોધવા”
“તો મોડું શું કરવા કરે છે… સમયસર આવી જતો હોય તો…..”
“અરે હું નથી મોડું કરતો… આતો ટ્રાફિક ના કારણે યાર…”
“અચ્છા બધી ભૂલ ટ્રાફિક ની…. આપણે વહેલા ના નીકળી શકીએ…???”સ્વીકૃતિએ દલીલો આગળ વધારી.
“ઓફિસથી વહેલા ના નીકળાય ને મેડમ…તથાગતમાં બધા માટે એકસરખા નિયમો છે. તે પછી હું હોઊં કે તમે…..”
“સારું ચાલ હવે હું જાઉં છું નહીંતર મારે મોડું થઈ જશે.”, એમ કહીને અંજામ જવા માટે ઉભો થાય છે.
“અને મોડું થશે પછી શું થશે એતો તું કહેતો જ નથી ને…???” સ્વીકૃતિએ અચાનક જ ધારદાર સવાલ પૂછી નાખ્યો.
“તું કાલે વેળાસર આવી જજે. મારે તને બહુ જ અગત્યનીવાત કહેવી છે ઓકે..”, અંજામ દરવાજે પહોંચીને બોલ્યો.
અંજામ તો બાય કહીને ત્યાંથી જતો રહે છે પણ સ્વીકૃતિ બસ તેનાં વિચારોમાં ખોવાઈ જાય છે. એ જ વિચારો માં કે અંજામ કાલે શુ કહેવાનો હશે… શું વાત હશે…. શું એ મને પ્રપોઝ કરશે….. જો ના, તો બીજી શું વાત હશે…?? કેમકે એ હજી પણ પોતાની પર્સનલ વાત તો શેયર જ કરતો નથી તો પછી શું વાત હશે ?? સ્વીકૃતિ વિચારોની ગર્તામાં ધકેલાઈ જાય છે. (ક્રમશ:)
– આદિત શાહ “અંજામ”

















































