ક્રિકેટમાં સિક્સરોનો રોમાંચ હંમેશા ખેલાડીઓ અને પ્રેક્ષકોમાં રોમાંચ ભરી દેશે. આ દિવસોમાં ખાસ કરીને મર્યાદિત ઓવરના ક્રિકેટમાં હિટિંગ વધુ ચર્ચામાં રહે છે. ક્રિકેટ જગતમાં રોહિત શર્મા ‘હિટમેન’ તરીકે ઓળખાય છે. રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 376 મેચોમાં અત્યાર સુધીમાં 436 સિક્સર ફટકારી છે. ક્રિકેટમાં સિક્સર ફટકારવામાં તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજા ક્રમે છે. શાહિદ આફ્રિદી (524 મેચમાં 476 સિક્સર) અને ક્રિસ ગેલ (465 મેચમાં 535 સિક્સર) તેનાથી આગળ છે.
આ તો થઈ હાલના ક્રિકેટ હિટમેનની વાત. ભૂતકાળમાં પણ એક ‘હિટમેન’ હતો, જેમણે તેની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દીધું હતું. ઇંગ્લેન્ડનો આર્થર વેલાર્ડ ‘સિક્સ હિટર’ તરીકે જાણીતો બન્યો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વેલાર્ડની સરેરાશ માત્ર 19ની હતી, પરંતુ તેની કારકિર્દી દરમિયાન તેમણે 500 થી વધુ સિક્સર ફટકારી હતી. આજે વેલાર્ડનો જન્મદિવસ છે. આ અંગ્રેજ બેટ્સમેનનો જન્મ 8 એપ્રિલ 1902માં થયો હતો. 1980માં 78 વર્ષની વયે વેલાર્ડનું અવસાન થયું.
24 ઓગસ્ટ 1938માં વેલ્સમાં સમરસેટ તરફથી રમતા આર્થર વેલાર્ડે કેન્ટના ઇંગ્લિશ ઓલરાઉન્ડર ફ્રેન્ક વૂલીની એક ઓવરમાં પાંચ સિક્સર ફટકારી હતી. વેલાર્ડે તેની કારકિર્દીમાં બે વખત એક ઓવરમાં પાંચ સિક્સર ફટકારી હતી. તેનો આ રેકોર્ડ 30 વર્ષ સુધી અકબંધ રહ્યો હતો. છેવટે 1968માં ગેરી સોબર્સે એક ઓવરમાં છ સિક્સર ફટકારીને ઇતિહાસ રચ્યો અને ત્યારબાદ ઘણા ક્રિકેટરોએ એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા.
આર્થર વેલાર્ડે 1935ની સિઝનમાં 72 સિક્સર ફટકારી હતી. તેનો રેકોર્ડ 50 વર્ષ સુધી અકબંધ રહ્યો. વેલાર્ડ એકમાત્ર એવો ક્રિકેટર હતો જેણે સિઝનમાં 50 સિક્સર ફટકારી હતી. આવુ તેમણે ચાર વાર કર્યું. આખરે, ઇયાન બોથમ જેવા દિગ્ગજ ખેલાડીએ 1985ની સીઝનમાં 80 સિક્સર ફટકારીને વેલાર્ડને પાછળ છોડી દીધો. ઇંગ્લેન્ડ માટે વેલાર્ડ ફક્ત બે ટેસ્ટ જ રમી શક્યો હતો, પરંતુ તેણે પોતાની ઝડપી બોલિંગથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં (417 મેચ) 1600થી વધુ વિકેટ લીધી હતી.
VR Sunil Gohil


















































