એક ઉંમરે તમે કાવ્ય રસિક હો છો. કાવ્યના રસાસ્વાદન વડે તાલીઓ પણ મેળવો છો. એ સમયે કૌશલ બદલ મન મલકાય છે. પણ કન્યાવિદાયનું ગીત ગાતા કલાકારનો કંઠ કેમ રુંધાય છે અને એ સાંભળતા શ્રોતાની આંખ કેમ ભીંજાય છે એ કશું ના સમજાય છે.
પણ હવે એવી કોઇ વેળાએ વાત કરવા જતાં કે કાવ્યપઠન કરતાં કરતાં અવાજ ડૂમાય છે, આંખ છલકાય છે.. દીકરી યાદ આવી જાય છે. જાણું છું કે દીકરી ફોન પર ને ફેસટાઇમ પર મળે જ છે.. પણ તોય ઓડિટોરિયમમાં બેઠાં આંખ સામે એમનો ચ્હેરો આવે છે ને અવાજ કંપે છે.
હવે એ કોઇ રજૂઆતની કલાનો ભાગ નથી. હવે એ વેળાનું પ્રસ્તુતકર્તાનું તાટસ્થ્ય નથી. હવે કોઇ અભિનય નથી. ગવાતું ગીત, બોલાતી કવિતા એક એવો ભાવપ્રદેશ રચે છે જેમાં સઘળું તાટસ્થ્ય ઓગળીને વહી જાય છે. પહેલાં જે ભાવુકતા પર હસવું આવતું હતું , આજે એના પર આંખ છલકાય છે.
આને જ દીકરીના બાપ થવું કહેવાય છે.
ઘર કેરા માળામાં રહેતી ચરકલડી
ફફડાવી નાનેરી પાંખ
માળો મેલીને ઊડી ચાલી ચરકલડી
જઇ બેઠી આઘેરી ડાળ
હવે માળો સૂનો ને ભીની આંખ
ચકલી , ઊડી ગઇ ફફડાવી પાંખ
ઓરડામાં ઓઢણીનો થાતો આભાસ
મને વળી વળી આવે તું યાદ
ભીંતે સોહે તારાં કંકુના થાપા
એ આંખ્યુંમાં ઘેરે વરસાદ
મારી આંખ્યુંમાં વળી જાતી ઝાંખ
ચકલી ઊડી ગઇ ફફડાવી પાંખ
આંગણાની ધૂળ માંહી ગોતું છું દીકરી હું
પગલાંની ક્યાંક મળે છાપ
સઘળું સમેટી તું તો ચાલી ગઇ મીઠડી
ઓસરીમાં ઊભો ચૂપચાપ
મમ્મી ઊભી છે ઝાલી બારસાખ
ચકલી ઊડી ગઇ ફફડાવી પાંખ
જમવા બેસું ને મારા હાથમાં રહી જાય હજી
અમૃત કોળિયાનો તારો ભાગ
આઘે તો આઘેથી , મનમાં ને મનમાં પણ
એકવાર હેત કરી માંગ
મારો ભોંઠો પડે રે દીકરી , હાથ
હવે માળો સૂનો ને ભીની આંખ
ચકલી ઊડી ગઇ ફફડાવી પાંખ
– તુષાર શુક્લ


















































