સંયુક્ત આરબ અમિરાત (UAE) દ્વારા ગલ્ફમાં આવેલા આ દેશમાં રોકાણકારો તેમજ અન્ય પ્રોફેશનલ્સને નાગરિકતા આપવા માટે કાયદામાં કરવામાં આવેલા સુધારાને મંજૂર કરવામાં આવ્યા છે. આમ હવે વૈજ્ઞાનિકો, ડોક્ટરો અને તેમનાં પરિવારનાં સભ્યોને યુએઇમાં નાગરિકતા આપવામાં આવશે. દુબઈના શાસક અને યુએઇનાં વાઇસ પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમે ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, યુએઇની કેબિનેટ, સ્થાનિક અમિરી કોર્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ્સ દ્વારા દરેક કેટેગરી માટે નક્કી કરવામાં આવેલા માપદંડો મુજબ જેઓ સિટિઝનશિપ મેળવવા માટે યોગ્યતા ધરાવે છે તેમને નોમિનેટ કરવામાં આવશે.
કાયદા મુજબ જે લોકો યુએઇનો પાસપોર્ટ ધરાવતા હશે તેઓ તેમની હાલની સિટિઝનશિપ જાળવી રાખી શકશે. જો કે નવા પાસપોર્ટધારકોને પબ્લિક વેલ્ફેર સિસ્ટમનાં લાભ આપવામાં આવશે કે કેમ તે હજી નક્કી નથી.
યુએઇ સરકાર દ્વારા તાજેતરમાં તેની વિઝા પોલિસી વધુ સરળ બનાવાઈ છે. જેમાં કેટલાક રોકાણકારો, વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેશનલ્સને વધુ સમય ત્યાં રહેવા પરવાનગી અપાઈ છે. ગયા વર્ષે સરકારે તેની ગોલ્ડન વિઝા સિસ્ટમ લંબાવી છે જેમાં કેટલાક વ્યવસાયીઓ, સ્પેશિયલ ડિગ્રીધારકો અને અન્યોને ૧૦ વર્ષ સુધી યુએઇમાં રહેવા મંજૂરી અપાય છે. આ દેશ છેલ્લા એક બે વર્ષથી આર્થિક માંદગીમાં પટકાયો છે.