બોલિવુડનો બાદશાહ શાહરૂખ ખાન છેલ્લા બે વર્ષથી ફિલ્મી પડદાથી દૂર છે. શાહરૂખ ખાને હવે કમબેકની તૈયારીઓ કરી લીધી છે અને તે આશા રાખી રહ્યો છે કે તેની આવનારી ફિલ્મ ધમાકેદાર હોય. સુપરસ્ટાર શાહરૂખ હાલ થ્રિલર ફિલ્મ ‘પઠાણ’નું શૂટિંગ કરી રહ્યો છે. ‘પઠાણ’ ફિલ્મનો શાહરૂખનો એક લૂક સામે આવ્યો ત્યારથી ફેન્સનો ઉત્સાહ બમણો થઈ ગયો છે. જો કે, શાહરૂખ અને ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ તેમજ તેમની ટીમ રિલીઝ પહેલા ફિલ્મ વિશે ઓછામાં ઓછી વાતો બહાર આવે તેવો પ્રયાસ કરી રહ્યા છે. પણ ફેન્સ તો ફેન્સ હોય છે ને પછી તે ભારતના હોય કે વિદેશમાં વસતા હોય પણ ફેન્સથી કશું જ છૂપું રહેતું નથી.
‘પઠાણ’નું દુબઈમાં શૂટિંગ કરવામાં આવ્યું છે ત્યારે સેટ પર ફિલ્માવાયેલા એક્શન સીન્સ ના કેટલાક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જે દુબઈમાં વસતા ફેન્સે મોબાઇલમાં શૂટ કરેલા છે.. SRKના ફેનપેજ પરથી એક્શન સીકવન્સના વિવિધ વિડીયો શેર કરવામાં આવી રહ્યા છે. કેટલાક વિડીયોમાં પૂર ઝડપે દોડતી કારની છત પર તો કેટલાક વિડીયોમાં ચાલતા ટ્રકની છત પર એક્શન દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા છે.આ ફિલ્મ વિશે વધુ માહિતી તો બહાર આવી નથી પરંતુ એટલું જાણવા મળ્યું છે કે કિંગ ખાન SRK ની કમબેક ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પણ છે, જે આ બંને સ્ટાર્સ સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરી રહ્યો છે. ચર્ચા તો એવી પણ છે કે, ફિલ્મમાં સલમાન ખાન અને હૃતિક રોશન પણ જાણીતા જાસૂસના પાત્રોમાં કેમિયો કરશે.
VR Dhiren Jadav