પાત્રો:કનૈયો. (લગભગ ૧0 વરસ નો)
યશોદા
ગોપ બાળકો
ગોપીઓ.
પડદો ખૂલતા પહેલા અંદરથી સૂત્રધાર નો ઘેરો,ગંભીર અવાજ સંભળાય છે.
સૂત્રધાર: 21 મી સદી માં ક્રિશ્ણ ભગવાન અવતાર લઇ ને આવે..નાનકડો કનૈયો ગોકુળ ની ગલીઓ માં ઘૂમે, માખણ ખાવા ની જીદ કરે તો, આજે તેને કેવા અનુભવો થાય… ,આજે જમુના ના નીર તેને કેવા દેખાય ને તે શું અનુભવે?ચાલો,આપણે જાણીએ અને માણીએ પ્રસ્તુત નાટક………..
“કનૈયો,…૨૧મી સદી માં”
સ્થળ:યશોદાજી નું ઘર.યશોદા દહીં વલોવે છે.ગોપીઓ આજુબાજુ કનૈયા ને ઘેરી ને,ફરતા
ફરતા ગાય છે.કનૈયો રડવાનું નાટક કરે છે.
ગીત:યશોદા મહીં વલોવે રે,કનૈયો ખૂબ રોવે રે.કનૈયો ખૂબ રોવે રે.”
કનૈયો: (રડતા રડતા લાડથી)મા,હજુ માખણ નથી થયું?જા,તારી સાથે નહીં બોલુ.
યશોદા: અરે મારા લાલ,આ નેતરા ફેરવી ફેરવી હું તો થાકી…પણ આ પાણીવાળા દૂધ માંથી માખણ બને તો ને?
કનૈયો: રોષથી)હું કંઇ ન જાણુ મૈયા..મને તો માખણ જોઇએ એટલે જોઇએ.તું નહીં
આપે તો હું ગોપીઓને ઘેર થી લઇ આવીશ.
યશોદા: અરે બેટા,આપણે ત્યાં જ માખણ નથી થતુ ત્યાં ગોપીઓ ની તો આશા રાખવી જ નકામી.અને તું શું એમ માને છે કે આજની ગોપીઓ તને એમ મફતમાં માખણ આપી દેશે?
કનૈયો: મફત માં તો ત્યારે યે ક્યાં આપતી હતી?કેટલા નખરા કરાવતી હતી
બંસી વગાડવી પડતી હતી.અત્યારે યે બંસી સંભળાવી દઇશ.બીજુ શું?
યશોદા: હવે તારી બંસી ના બોલ તો કાવ્યો માં રહ્યા.બેટા,કવિઓને ગીતો ગાવા માં કામ લાગે.બાકી અત્યારે એમાં કોઇ માખણ ન આપે.
કનૈયો: હું એ કઇ ન સમજું.મને તો માખણ ખાવુ છે
યશોદા: આ દૂધ માથી તો માખણ નીકળી રહ્યું.એમ કર ચાલ,આ અમૂલ નું માખણ તને આપુ.(અમૂલ નું પેકેટ ખોલે છે)
કનૈયો: આ વળી શું?ના,આવું વાસી માખણ મને ન ભાવે.મારે તો ગાય ની દૂધ નું તાજું માખણ જોઇએ.
યશોદા: ગાય ના દૂધ નું માખણ ??એ બધા સપના હવે ભૂલી જા બેટા.નહીતર દુ:ખી થઇ જઇશ.લે,બેટા,માખણ લે.(અમૂલ નુ પેકેટ ખોલી માખણ ખવડાવવાનો પ્રયત્ન કરે છે.
કનૈયો: (ગાય છે,,મૈયા મોરી,મૈ નહીં માખણ ખાઉં…..અને ભાગે છે.યશોદા તેની પાછળ દોડે છે.)
ગોપ: (આવે છે)કાનુડા,એય અલ્યા કાનુડા….
કનૈયો: (ખુશ થઇ જાય છે)ઓહ..ગોપા,તું?આવ આવ.
ગોપ: કાના,ત્યાં ચોક માં બધી ગોપીયુ અને ગોપો બધા રાસડા લે છે.તારે જોવા આવવું છે?
કનૈયો: અરે વાહ!રાસલીલા રમે છે?ચાલ ભાઇ,ચાલ,સદીઓ વીતી ગઇ આ બધું જોયા ને…કર્યા ને…
ગોપ: હા હા.હવે નવી આંખે નવી નવી રાસલીલા જોવા મળશે.
કનૈયો: નવી રાસલીલા?એ વળી શું?
ગોપ: એ બધું યે સમજાઇ જાશે.હાલો જલ્દી જલ્દી
કનૈયો: ચાલો.(ગોપ ને કનૈયો બંને જાય છે..ચોક માં છોકરીઓ ને છોકરાઓ ડિસ્કો દાંડિયા રમે છે,કનૈયો તો જોઇ જ રહે છે)
કનૈયો: (આશ્ર્વર્ય થી)આ…આ બધું શું?રાસડા આમ રમાય?
ગોપ: કાના.આ તારા જમાના ના રાસ-ગરબા નથી.આ તો ડિસ્કો દાંડિયા છે ડિસ્કો દાંડિયા.
કનૈયો: એ વળી શું?
ગોપ્: બહું પ્રશ્નો નહીં પૂછવાના..જોયા કરવાનું…મૂંગા.મૂંગા..
કનૈયો: ને આ માથુ પાકી જાય એવા રાગડા કેમ તાણે છે?સરસ મજાના સૂરીલા સંગીત ના સ્વરો ક્યાં ગયા?
ગોપ્: હવે આ જ બધુ સંગીત કહેવાય..ને હવે આવું જ ચાલે છે.
કનૈયો: આ?આ સંગીત કહેવાય?(આશ્ર્વર્ય અને આઘાત થી)
ગોપ: હા,અત્યારે આની જ તો બોલબાલા છે.
કનૈયો: ને આ બધા તો ઠેકડા મારે છે ઠેકડા..આ રાસ આમ કેમ રમે છે?
ગોપ: કહ્યુ ને એકવાર .ચૂપચાપ જોયા કરવાનું.
કનૈયો: ને આ કપડા કેવા પહેર્યા છે?
ગોપ: 21 મી સદી ની આ ફેશન છે કનૈયા,આ ડીઝાઇનર કપડા કેવાય.એ બધુ તને નહીં સમજાય.તારે રાસ રમવું છે?બોલ તો પાસ લઇ આવું?
કનૈયો: પાસ?એ વળી શું?
ગોપ: એટલે એમ કે અહીં કઇ મફત માં રાસ ન રમાય…પૈસા આપવા પડે પૈસા..
કનૈયો: રાસ રમવાના પૈસા?
ગોપ: અરે..રમવાના શું?જોવાના યે આપવા પડે.આ કળિયુગ છે કળિયુગ..
કનૈયો: મારે આવા નખરા નથી જોવા..ચાલ ભાગીએ અહીંથી..આપણે તો જઇએ..જમુનાજી ને કાંઠડે..જયાં એક્વાર મેં કાળિનાગ ને નાથ્યો’ તો ચાલ,ત્યાં જઇ ને નિરાંતે બેસીએ…ને જમુના ના નીર માં ધૂબાકા મારીએ.
ગોપ: હાલ,ઇ અભરખો યે પૂરો કરી લે.(બંને જાય છે..દૂરથી આંગળી ચીંધી ઇશારા થી નદી બતાવે છે)
ગોપ: જો.. ત્યાં…દેખાય છે તારી જમુના નદી?(અંદર તરફ નિશાની કરે છે.
કનૈયો: મને તો નથી દેખાતી…ખળખળ કરતી,ને બે કાંઠે વહેતી જમુના નો ઘેરો ઘૂઘવાટ મને તો નથી સંભળાતો.ને આ…આ વાસ શેની આવે છે?
ગોપ: જમુનાજી ના પાણી માં રહેલી ગંદકી ની.
કનૈયો: અરે જમુના ના નીર તો કેવા નિર્મળ ..કેવા સ્વચ્છ..એના નીતર્યા પાણી માં તો ચહેરો પણ દેખાય.
ગોપ: અરે વળી તું ભૂલી ગયો?કાના,આ સતજુગ ની જમુના નથી..આ કળિયુગ ની છે.અત્યારે તો જમુના લો કે ગંગા…બધા ય ના પાણી આવા જ મેલા.
કનૈયો: નદી ના પાણી ને અને કળિયુગ ને વળી શું સંબંધ?
ગોપ: અરે કાના.હવે તો નદીઓ માં કારખાનાઓ નો કચરો યે ઠલવાય, અડધા બળેલા મ્રુતદેહો યે કોહવાય અને મળમૂત્ર કે ગંદકી નો તો પાર જ નહીં.
કનૈયો: ઓહ! મને તો ચક્કર આવે છે.મારાથી તો આટલે દૂરથી પણ આ વાસ સહન નથી થતી.મને અહીંથી લઇ જા..મારે જમુના ની નજીક નથી જવું.
ગોપ: કયાં લઇ જાઉં?
કનૈયો: એમ કર મને મારા કદંબ વન માં લઇ જા.ક્દંબ ની નીચે થોડીવાર શાંતિથી બેસી મારી બંસી વગાડીશ.એટલે મને થોડી નિરાંત મળશે.(ખિસ્સા માંથી બંસરી કાઢે છે)
ગોપ: કાના,કદંબવન..?અરે..કદંબવન નો તો કયારનો યે કપાઇ ને નાશ થઇ ગયો.હવે તો રહ્યા છે માત્ર અવશેષો..
કનૈયો: કદંબવન નો નાશ?કોણે કાપ્યું?(દુ:ખી થઇ જાય છે)
ગોપ: કોણે એટલે?માણસ સિવાય કોણ હોય?
કનૈયો: અરે પણ જંગલ કેમ કાપ્યુ?ઝાડો નો નાશ શા માટે?
ગોપ: લાકડા માટે…જરૂરિયાત માટે…(નિસાસો નાખી ને) હવે તો જંગલો છે સિમેંટ અને કોંક્રીટ ના….
કનૈયો: (રડવા જેવા અવાજે)મારા લીલાછ્મ જંગલો…ઝાડો..!
ગોપ: (થોડા મોટા અવાજે ઉશ્કેરાટ થી)માણસજાતે પોતાના થોડા સ્વાર્થ માટે કર્યો આડેધડ વિનાશ…નદીઓ નજરાઇ ગઇ,જંગલો નાશ પામ્યા.પાણી નો રજવાડી ઠાઠ ને ઝાડવાઓનો લીલોછમ વૈભવ.બધું યે ખોવાઇ ગયુ…કાના,ખોવાઇ ગયુ..(રડી પડે છે)
કનૈયો: ગોપા,આ બધું મને શા માટે બતાવ્યું?શા માટે?માણસજાત આટ્લી સ્વાર્થી બની ગઇ?અરે પોતાનું ભલુ શેમા છે એટલીયે ખબર નથી?
ગોપ: અરે આજની માણસજાત ને ખબર તો બધી યે છે.પણ પોતાના થોડા સ્વાર્થ આગળ લાંબુ વિચારવાનું તે ભૂલી ગયો છે.કુદરતીસંપત્તિ નો આડેધડ વિનાશ તેને ક્યાં લઇ જશે..એનો વિચાર કરવાની ફુરસદ ક્યાં છે કોઇ ને?
કનૈયો: આજે તો મને યે સમજાતુ નથી કે હું શું કરું?
ગોપ: (આંગળી ચીંધી બતાવે છે)અને આ જોયુ?આ છે માણસે કરેલી બેસુમાર ગંદકી…પ્લાસ્ટીક ની થેલીઓ ને જાતજાત ના ટીન ના ડબલાઓ…તને તો એની સમજ સુધ્ધાં ન પડે.
કનૈયો: આનો ઉપાય?કંઇક ઉપાય તો હશે ને?
ગોપ: (હસતા હસતા)ફરી એક્વાર જનમ લઇ જો…….
કનૈયો: ના,હવે અત્યારે..જનમ લેવાની હિંમત નથી.ગોપ,શું આનો કોઇ ઉપાય નથી?
ગોપ: જનજાગ્રુતિ અને સ્વંયશિસ્ત એ એક માત્ર ઉપાય.એકલા કાયદા કરવાથી કે એકલી સરકાર થી કંઇ ન થઇ શકે.આમજનતા જાગે ને કુદરતને સમજે તો જ બધુ થાય.
કનૈયો: પણ જાગ્રુતિ આવે કેમ?
ગોપ: સાચા ભણતરથી…સાચા શિક્ષણથી ને એ કામ પાયા થી થાય.બાળકો..નવી પેઢી ભણે ને સમજે તો જ આ તારી નદીઓ ના પાણીચોખ્ખા બને ,વ્રુક્ષોનો નાશ અટકે ને વાતાવરણ ચોખ્ખું થાય
કનૈયો: ગોપ,હું એમાં શું મદદ કરી શકું?
ગોપ: કાના,એ તો હવે તું જ વિચાર.”:પરિત્રાણાય સાધૂનામ…….” નું વચન તેં જ આપ્યુ છે ને?.(અંદરથી એ ષ્લોક આખો સંભળાય છે)
કનૈયો: (ઉભો થઇ બંસરી નો ઘા કરે છે)
ગોપ: (આઘાત અને આશ્ર્વર્ય થી)અરે કાના.આ શું?બંસી કેમ ફેંકી દીધી?
કનૈયો: મને લાગે છે યુગેયુગે ..સમય ની માંગ પ્રમાણે હું હવે બદ્લીશ યુગધર્મ…માનવધર્મ..જયાં સ્વચ્છતા નથી ..ત્યાં પ્રભુતા નથી ને આરોગ્ય કે માનસિક શાંતિ હોઇ જ ન શકે.આજ્થી બંસી ની જગ્યા એ મારા હાથ માં રહેશે આ સાવરણી…સ્વચ્છતા નું પ્રતીક. (સાવરણી હાથ માં લઇ થોડુ વાળે છે,,સાફ કરે છે ને પછી હાથ માં બંસી ની મુદ્રા માં સાવરણી રાખી ,,પગ ક્રોસ કરી ક્રુષ્ણ ભગવાન ની જેમ ઉભી જાય છે.ગોપ નમન કરી રહે છે .
(અને પડદો પડે છે.)
-નીલમ દોશી