સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું કે, MBBSમાં પ્રવેશ મેળવવા માટે સિનિયર સેકન્ડરી લેવલે બાયોલોજી અથવા તો બાયોલોજિકલ સાયન્સનું થિયરી તેમજ પ્રેક્ટિકલ જ્ઞાન તથા અંગ્રેજી ભાષાની જાણકારી આવશ્યક છે. તેલંગણા હાઇકોર્ટના આદેશને પડકારતી કાલોજી નારાયણ રાવ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિઝ દ્વારા દાખલ કરાયેલી અરજી પર જસ્ટિસ એલ એન રાવ અને જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ્ટની બેન્ચે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો.
હાઇકોર્ટનો ચુકાદો રદ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, MBBSમાં અભ્યાસ માટે સિનિયર સેકન્ડરી લેવલે બાયોલોજી અથવા બાયોલોજિકલ સાયન્સિઝનું થિયરી અને પ્રેક્ટિકલનું પ્રાથમિક જ્ઞાન આવશ્યક છે. પોતાના ચુકાદામાં ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન અંગેના મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ પૈકીના નિયમ ૪નો ઉલ્લેખ કરતાં જસ્ટિસ રવીન્દ્ર ભટ્ટે જણાવ્યેં હતું કે, MBBSમાં પ્રવેશ માટે સિનિયર સેકન્ડરી લેવલે ઉમેદવારે ફિઝિકસ, કેમેસ્ટ્રી અને બાયોલોજીનો અભ્યાસ કરેલો જરૂરી છે. આ વિષયોમાં પ્રેક્ટિકલના જ્ઞાન સાથે અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ આવશ્યક છે. કોર્ટે જણાવ્યું હતું કે, ક્વોલિફાય થવું એ મેડિકલમાં અભ્યાસની જરૂરિયાત નથી.
મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો નિયમ ૪ કહે છે કે ૧૦+૨ સ્તરે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી અથવા બાયોલોજિકલ સાયન્સિઝમાં અભ્યાસ કરેલો હોવો જોઇએ.
તેલંગણાની કાલોજી નારાયણ રાવ યુનિવર્સિટી ઓપ હેલ્થ સાયન્સિઝે એક વિર્દ્યાર્થિનીને MBBSમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો. યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, ક્વોલિફાઇંગ એક્ઝામમાં વિર્દ્યાર્થિનીએ બાયોલોજિકલ સાયન્સિઝનો અભ્યાસ કર્યો હોવાનો કોઇ પુરાવો નથી. તેથી આ વિર્દ્યાર્થિનીએ યુનિવર્સિટીના નિર્ણયને તેલંગણા હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો.
VR Sunil Gohil