ટીમ ઇન્ડિયાના પુરૂષ ખેલાડીઓએ જ્યાં અંગ્રેજ ટીમ સામે રમાયેલ ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં ઘૂટણિયે લાવી 3-1થી સિરીઝ પર કબ્જો કરી લીધો છે ત્યારે ભારતની મહિલા ક્રિકેટરો આજે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સામે પ્રથમ વન-ડે મેચમાં હારી ગઇ છે. પરંતુ આ મેચમાં હરમનપ્રીત કૌર અને મિતાલી રાજે અનોખા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. લખનઉમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે ભારતીય ટીમને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાની ભારત વિરૂદ્ધ વિકેટોના હિસાબે આ સૌથી મોટી જીત છે.
ભારતે 50 ઓવરમાં નવ વિકેટે 177 રન નોંધાવ્યા હતાં જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે 40.1 ઓવરમાં ફક્ત બે વિકેટ ગુમાવીને 178 રન બનાવી લીધા હતાં. લિઝેલ લી અને લૌરા વોલવાર્ડે પોતાની ટીમ માટે અર્ધ સદી નોંધાવી હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાની ટીમે પાંચ વન-ડેની સિરીઝ માટે 1-0ની લીડ હાંસલ કરી લીધી છે.
આ અગાઉ મિતાલી રાજના 50 રનની મદદથી ભારત 177 રન નોંધાવી શક્યું હતું. ભારતની પ્રથમ બે વિકેટ ફક્ત 18 રનમાં પડી ગઈ હતી. સ્મૃતિ 14 અને જેમીમા રોડ્રિગ્સ એક રન નોંધાવી શક્યા હતાં. તે પછી પૂનમ રાઉત પણ 10 રન નોંધાવીને પેવેલિયન પરત ફરી હતી. ચોથી વિકેટ માથે મિતાલી અને હરમનપ્રીત કૌરે 62 રનની ભાગીદારી નોંધાવી હતી.
ભારતીય ટીમની મહત્વપૂર્ણ બેટ્સમેન હરમનપ્રીત કૌર 100 વન-ડે મેચ રમનારી પાંચમી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. આ સાથે હરમનપ્રીત કૌર 100 વન-ડે અને ટી-20 મેચ રમનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે.
VR Sunil Gohil