એનાં પાયામાં પડી બારાખડી
ચોસલાંથી શબ્દની ભીંતો ચણી
એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી
ભોયતળીયે પાથર્યા વિરામચિહ્ન
ને અનુસ્વારોના નળિયાં છાપરે.
ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઊમ્બરે..
થઇ ધજા ફરક્યું ત્યાં સર્વનામ “તું”
ટોડલે નામોના દીવા ઝળહળ્યા.
સાથિયા કેવળપ્રયોગી આંગણે
રેશમી પડદા વિશેષણના હલ્યા.
કે અનુભૂતિનો સુસવાટો થયો
ત્યાં જ આ પત્તાનો મહેલ ઊડી ગયો
– અદમ ટંકારવી