ગાંધી ભૂમિ પોરબંદરમાં આજે એક યુવાન ગાંધીજીની જીવંત પ્રતિમા થકી વિશ્વ વિક્રમ સર્જવા તરફ જઈ રહ્યો છે. મહાત્મા ગાંધી જેવા બનવું તો મૂશ્કેલ છે પરંતુ ૧૭ વર્ષ પૂર્વે આ યુવાને એક ફ્રેન્ચ ફિલ્મ જોઈ ગાંધીજીની જીવંત પ્રતિમા બનવાની સફર શરૂ કરી અને કાલે ગાંધી નિર્વાણ દિને તે બ્રિટિશ યુવાનના વર્લ્ડ રેકોર્ડને તોડી ૧૩૧મી વખત ગાંધી પ્રતિમા બનવાનો છે.
દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર મહાત્મા ગાંધીની જન્મભૂમી પોરબંદરમાં એક એવો શ્રમિક યુવાન પણ છે જેણે દેશના વિવિધ ભાગોમાં ગાંધીજીની ગોલ્ડન પ્રતિમા બની ગાંધીભૂમિનું નામ રોશન કર્યું છે. ગાંધી જન્મભૂમિ પોરબંદરના જયેશ હિંગળાજીયા નામના શ્રમિક યુવાન જ્ઞાતિનો પરંપરાગત વ્યવસાય એવું કડિયાકામ કરે છે.બહુમુખી પ્રતિભા ધરાવતા જયેશે ૧૨૯ વખત કાર્યક્રમોમાં ગોલ્ડન ગાંધીની પ્રતિમા બની અનેક રેકોર્ડ સર્જ્યા છે. જયેશે જણાવ્યું કે તેના પિતા સાથે એક ફ્રેન્ચ ફ્લ્મિ જોઈ હતી.
જેમાં પોલીસથી બચવા અભિનેતા શરીર પર કાદવ અને પાંદડાનો કલર લગાવીને સતત સ્ટેચ્યૂ બનીને ઉભા રહેતા હતા. ત્યાંથી તેને આ વિચાર આવ્યો હતો અને પોતે મહાત્મા ગાંધીના શહેરનો હોવાથી ગાંધી પ્રતિમા બનવાનું નક્કી કર્યું હતું. જેથી ગાંધીજીના વિચારો અને સંદેશને ગોલ્ડન પ્રતિમા બની વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકે. પ્રથમ૨૦૦૩ની સાલમાં ગાંધી જયંતિના દિવસે તેણે આ વિચાર અમલમાં મુકયો હતો.
કાર્યક્રમમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ હતા ત્યાર બાદ તેણે કદી પાછુ વળીને જોયું નથી. જયેશ અત્યાર સુધીમાં કુલ ૨૨૮જેટલા રેકોર્ડ બનાવી ચુકયો છે. આવતી કાલે એક કાર્યક્રમમાં તે ગાંધી પ્રતિમા બની વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો છે. લંડનનો યુવાન ૧૨૯ વખત ચાર્લી ચેપ્લિન બનવાનો રેકોર્ડ ધરાવે છે. હવે જયેશ હિંગરાજીયા કાલે તેનાથી વધુ વખત ગાંધી પ્રતિમા બની વર્લ્ડ રેકોર્ડ સર્જશે.
અમદાવાદની રંગસાગર પર્ફોર્મિંગ આર્ટસ સંસ્થા દ્વારા આવતીકાલે ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે અનોખું આયોજન કર્યું છે. જેમાં વિશ્વના અલગ અલગ દેશના ૩૯૦૦૦ કલાકારો સાંજે સાત વાગ્યે એકીસાથે મહાત્મા ગાંધીજીના પ્રીય ભજનો વૈષ્ણવ જન તો તેને રે કહીએ તથા રઘુપતિ રાઘવ રાજારામ રજૂ કરશે.
જેમાં સંગીતકારો સંગીત આપશે. ગાયક કલાકારો આ ભજન ગાશે તથા નૃત્ય કળાકારો નૃત્ય રજૂ કરશે. તમામ કલાકારો ખાદી અથવા સફેદ વસ્ત્ર્ર ધારણ કરી પંદર મિનીટ સુધી પોતાની કળા વડે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી એક વર્લ્ડ રેકોર્ડનું સર્જન કરવા પ્રયાસ કરશે.