ટેલિકોમ કંપનીઓ આગામી મહિનાઓમાં ટેરિફ પ્લાનમાં વધારો કરી શકે છે. જેના કારણે ગ્રાહક માટે મોબાઈલ પર વાત કરવી અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવો મોંઘો બની જશે. જણાવી દઈએ કે ટેલિકોમ કંપનીઓ 1 એપ્રિલથી દર વધારવાની તૈયારી કરી રહી છે. ઈન્વેસ્ટમેન્ટ ઇન્ફર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી (આઈસીઆરએ) ના રિપોર્ટ અનુસાર, કંપનીઓ 1 એપ્રિલથી શરૂ થતાં આવતા નાણાકીય વર્ષ 2021-22માં તેમની આવક વધારવા માટે ફરી એક વખત ટેરિફમાં વધારો કરી શકે છે. જો કે, તેમની કિંમતોમાં કેટલો વધારો કરવામાં આવશે તે અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
આઈસીઆરએ કહે છે કે ટેરિફમાં વધારો અને ગ્રાહકોને 2Gથી 4Gમાં અપગ્રેડ કરવાથી વપરાશકર્તા દીઠ સરેરાશ આવક (એઆરપીયુ) સુધરી શકે છે. વર્ષના મધ્ય સુધીમાં, તે આશરે 220 રૂપિયા થઈ શકે છે. આનાથી આવતા 2 વર્ષમાં ઉદ્યોગની આવક 11% થી 13% અને નાણાકીય વર્ષ 2022 માં ઓપરેટિંગ માર્જિનમાં લગભગ 38% જેટલી વૃદ્ધિ થશે.
ટેલિકોમ ઉદ્યોગ પર કોરોના રોગચાળાની બહુ અસર નહોતી. ડેટાના વપરાશ અને લોકડાઉનમાં ટેરિફ વધવાના કારણે પરિસ્થિતિમાં સુધારો થયો. ઘરેથી કામ કરવું, ઓનલાઇન વર્ગોના કારણે ડેટા વપરાશ વધ્યો.
ટેલિકોમ કંપનીઓ પર બાકી કુલ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) રૂ. 1.69 લાખ કરોડ છે. તો 15 ટેલિકોમ કંપનીઓએ ફક્ત 30,254 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. એરટેલના આશરે 25,976 કરોડ રૂપિયા, વોડાફોન આઈડિયા 50399 કરોડ રૂપિયા અને ટાટા ટેલિસર્વિસિસનાં લગભગ 16,798 કરોડ રૂપિયા બાકી છે. કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષમાં 10 ટકા અને નીચેના વર્ષોમાં બાકીની રકમ ચૂકવવાની રહેશે.
જણાવી દઈએ કે 2019 માં પહેલીવાર કંપનીઓએ ટેરિફ વધાર્યો હતો. ટેલિકોમ કંપનીઓએ ડિસેમ્બર 2019 માં ટેરિફ રેટમાં વધારો કર્યો હતો.
VR Sunil Gohil