હોળી એટલે પિતા હિરણ્યકશ્યપે ( हिरण्यकशिपु ) પોતાના પુત્ર પ્રહ્લાદની “ નારાયણ ભક્તિ “ થી નારાજ થઇને એની શ્રદ્ધાની કસોટી કરવા જેને અગ્નિ બાળી ન શકે એવું વરદાન ધરાવતી બ્હેન હોલિકાના ખોળામાં બેસાડી અગ્નિ પેટાવ્યો પણ એમાં હોલિકા બળી ગઇ ને પ્રહ્લાદ સુરક્ષિત રહ્યો. આ જાણીતી કથા પરમાત્મા પરની શ્રદ્ધાની તો છે જ પણ સાથોસાથ પોતાને પરમાત્મા માનવાના અહંકાર પાછળની આસુરી વૃત્તિની હારની પણ છે.
પરંપરા અનુસાર હોલિકાદહન થાય છે એ પ્રતીકાત્મક છે. એમાં જીવને બાળવાનો કે પર્યાવરણને નુકસાનનો ભાવ નથી. જે તે સમયે જંગલ હતા , ઝાડ હતાં એટલે વિપુલ માત્રામાં કાષ્ટ ઉપલબ્ધ હતાં. આજે હવે સ્થિતિ બદલાઇ છે તો એ મુજબ પદ્ધતિમાં ફેર સહજ છે. વળી વૈદિક હોળી પણ એક અનુકરણીય શૈલી છે.
ઋતુગત ફેરફાર સામે હોળી પ્રાગટ્ય રક્ષાકવચ પણ બને છે. એને કારણે જ લોકો કેટલાક રીતરિવાજને અનુસરે છે. બાળકોને શેક થાય , ધાણી કફને તોડે વગેરે સ્વાસ્થ્ય સંબંધી વિચાર પણ જોડાયા છે.
ધૂળેટી એ પ્રહ્લાદની અવિચળ શ્રદ્ધાના વિજયનો અને આસુરી શક્તિના પરાજયનો જનસાધરણે મનાયેલો ઉત્સવ છે. કોઇ વિશેષ ઉપકરણ કે સુવિધા વગર કેવળ ધૂળ ઉડાડીને રમાતી ધુળેટીમાં પછીથી કેસૂડાના રંગ ને પિચકારી આવ્યા. કાનુડો ને રાધિકાજી આવ્યા. એ રીતે એ રંગ ને રસનો ઉત્સવ બની.
રંગોત્સવ એ મદનોત્સવ પણ છે. ઋતુ વસંત છે. વસંત કામદેવનો મિત્ર છે. કામની પત્ની રતિ છે. એટલે એ સ્પર્ષોત્સવ પણ છે. વૃત્તિ પરનો દાબ જાય એવા અનુરાગનો આ ઉત્સવ છે.
ધૂળેટીની ઉજવણીમાં આવો ઉન્માદ સહજ છે. સામાજિકોની મનોવિજ્ઞાનની સમજ પણ એમાં છે. કદાચ એક દિવસના ઉન્માદને કારણે બારમાસની મર્યાદા સચવાતી હોય ! સંબંધોની નાજૂક રેખા સાચવીને આ ઉજવણી થાય. આપણા અનેક પદ , બંદિશ, ગીત , ગઝલ એના સુરીલા ઉદાહરણ છે.
પર્યાવરણ,આરોગ્ય અને અશ્લીલતાના ભયસ્થાનો વિષે જરુર સાવધાની રાખવી જોઇએ, પણ ઉત્સવ અને ઉજવણીનો આનંદ તો લેવો જોઇએ. યાદ રહે, હોળી હળગાવવાની ન હોય, પ્રગટાવવાની હોય. આ હેતુફેર ન ભૂલાય.
આ ઉત્સવ રંગ રાગ અનુરાગનો પ્રયાગ છે.
– તુષાર શુક્લ