હે સિધ્ધાર્થ ,
મારી પાસે નથી રાજમહેલનો વૈભવ
સેવકોનો સમૂહ
રથ, અશ્વ, સારથિ, સૈનિક
કોઇ નહીં , કશું નહીં.
છે 3 BHK apartment
રામો છે ,
પણ પહેલી ને આખર તારીખે રજા રાખે છે
ને હોળીએ દેશમાં જાય પછી
એની મરજીએ આવે છે.
એની ગણત્રીમાં
અઠવાડિયું સાતથી વધુ દિવસનું છે.
પણ અમે એને લડતા નથી.
એને આપેલા મોબાઇલને
સમયસર રિચાર્જ કરાવીએ છીએ.
એક સ્કુટર છે – વાંકું કરીએ પછી ચાલુ થાય છે
એના પર સપરિવાર ફરવા જઇએ રવિવાર સાંજે ફૂટપાથ પર મુકેલા ટેબલ ખુરશી પર જમાવીએ
લારી પર જમીએ ભાજીપાંઉ
કુલ્ફી ખાઇએ
ને પછી કલકત્તી પાન.
મોટો આંટો – long drive -લઇને ઘેર આવીએ
સોસાયટીનો ચોકીદાર નમસ્કાર કરે છે.
bedroom માં હજી AC નથી ,
પંખો કરી દઇએ છે fast.
સવારે તો ફૂરસદ નથી હોતી time જોવાની
ઘડિયાળ મને જોઇને ચાલે છે એવું લોકો કહે છે.
ઓફિસમાં boss સાથે ઓછું બને છે
corrupt માણસ છે.
હું જાણું છું પણ નોકરી છોડી શકું તેમ નથી.
બા બાપુજીની જવાબદારી છે.
બાને દમ છે, શ્વાસ ચડે છે.
કામ કરી શકે તેમ નથી .
વૃદ્ધ બાપુજી હજી active છે.
જે થઇ શકે એટલું કરે છે.
સવારે જાતે ચા બનાવે છે, શાક સમારે છે.
પૌત્રીને સ્કુલ મુકવા જાય છે ,
બપોરે લેવા જાય છે સાયકલ લઇને.
સ્કુલ બસના પૈસા બચાવે છે.
એમનું પેન્શન ઘરખર્ચને પ્હોંચી વળવામાં
કામ આવે છે.
ભીંતે લટકતું કેલેન્ડર ખર્ચાની વિગત રાખે છે.
આખર તારીખ સુધીમાં
ધક્કો મારી પહોંચાડી દઇએ છીએ બાપ દીકરો.
અમને સમય જ નથી મળતો વિચારવાનો
બીજાના જીવન વિષે વિચારવાનો
તો દુઃખી થવાનો તો ક્યાંથી મળે ?
હા
પ્યાલા બરણીવાળીને
એક શર્ટ વધારે આપી દઉં છું.
બટન સાથે.
પસ્તીવાળો લઇ જાય છે પસ્તી
નમતું જોખીને.
શાકવાળી સાથે રકઝક નથી કરતો
છૂટા પૈસા માટે.
નાની નાની કરુણા સાથેનો
આ છે મારો મધ્યમ માર્ગ
હું તો રોજ સવારે જઉં છું ને સાંજે પાછો આવું છું. અમારે તો રોજ મહાભિનિષ્ક્રમણ.
ઘર છોડ્યા વિનાય બુદ્ધ છું.
— તુષાર શુક્લ
Related