મન પરોવાઇ ગયું છે આ તસ્વીરમાં..
એમાં સ્થિર થયેલી ક્ષણમાં.
નજર સામેથી દૂર થઇ ગયેલી તસ્વીર નજરમાંથી દૂર નથી થતી.
કેવી હશે એ પળ ?
કેવી હશે એ પળની અનુભૂતિ..બંને પક્ષે ? એક
જે આંખ વિના જુવે છે તેની
અને એક
જે આંખ એને અભિવ્યક્ત કરે છે તેની ?
આંખ વિના આંગળીઓનાં ટેરવાંએ વાંચી લીધી હશે ગીતાંજલિ !
ને કવિની આંખે એની દાદ અનુભવી હશે એ દાઢી પર ..
બંને પાસે હશે કેવી અદ્ભૂત શક્તિ , અભિવ્યક્ત થવાની ?
આંખ વિના વાંચી શકતાં એ ટેરવાં સામે ઉઘડી જવાની ?
કવિની કવિતા
એક માત્ર કાગળ પર જ નથી હોતી..
ચ્હેરા પર હોય છે,
કાગળ પર તો પછી ઉતરે છે
આપણા જેવા દ્રષ્ટિહીન માટે..
કારણકે
આપણી પાસે કવિનો ચ્હેરો વાંચવાની શક્તિ ક્યાં ?
ત્યાં એ ઉકેલી શકે તેવાં ટેરવાં
( અને એની તક પણ ..])
તો ક્યાંથી જ હોય ?
તુષાર શુક્લ