જ્યારે જ્યારે આજનો દિવસ આવે છે ત્યારે ત્યારે 2013 માં બનેલો મારા જીવનનો મહત્વપૂર્ણ પ્રસંગ યાદ આવે છે. આજ નો દિવસ ક્યારેય નથી ભૂલતો. એટલા માટે નહીં કે મને કોઈએ ટેડીબિયરની ભેટ આપી હતી!, પરંતુ એટલા માટે કે ટેડીબિયર બનાવીને મેં મારા જીવનની સૌ પ્રથમ કમાણી કરી હતી.
કોલેજકાળ દરમિયાન TY-BBA ના છેલ્લા સેમેસ્ટર ની વાત છે. હોસ્ટેલ અને કોલેજની ફી ભરાઈ ગયા પછી મારી પાસે ચાર મહિનાની પોકેટ મની માટે માત્ર પાંચસો રૂપિયા હતા, પરીક્ષાના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા હતા તેના માટે એક હજાર રૂપિયા પરીક્ષા ફી ભરવાની હતી, પપ્પાને જાણ કરી તો જવાબ મળ્યો કે, “કોઈ આવતું જતું હશે તેની જોડે મોકલીશ, અત્યારે તું તારી રીતે કોઈ વ્યવસ્થા કરી લે”.
ફેબ્રુઆરી મહિનાની ચાર તારીખે મને વિચાર આવ્યો કે ટેડીબિયર દિવસ નજીક આવે છે અને મને ટેડીબિયર બનાવતા પણ આવડે છે અને હજુ પરીક્ષા ફોર્મની છેલ્લી તારીખને બાર દિવસની રાહ છે, તો એમ કરું એક દિવસનું એક ટેડીબિયર બનવું અને વેચું તો મને નફો થશે એટલે મારી પરીક્ષાની ફી ભરાઈ જાય એટલા પૈસા મને મળી જાય તો મારે કોઈની પાસે ઉછીના ના માંગવા, આમ પણ જ્યારે પૈસા ઉછીના માંગવાની સ્થિતિ આવે ત્યારે મારા માટે મંગાવું એ મારવા બરોબરની સ્થિતિ થઈ જાય.
જે પાંચસો રૂપિયા પોકેટ મની તરીકે બચાવેલા તેમાંથી જરૂરીયાત મુજબની ટેડીબિયર બનાવવાની વસ્તુ ( ફર, એક્રેલીક, રૂ, આંખ, નાક, દોરા સોય વગેરે..) અન્ય પાસે મંગાવીને પ્રથમ લાલ કલરનું ટેડીબિયર બનાવ્યું અને દિલથી કરેલી મહેનત પણ રંગ લાવી સૌ સાથી મિત્રો એ ખૂબ વખાણ કર્યા.
નાનું ટેડીબિયર 150 રૂપિયામાં અને મોટું ટેડીબિયર 300 રૂપિયામાં એમ મેં હોસ્ટેલમાં ટેડીબિયર બનાવીને વેચવાનાં શરૂ કર્યા, ઘણા ઓર્ડર મળવા લાગ્યા, વેચાણ પણ ખૂબ સારું થયું, પછી તો એટલી ફાવટ આવી ગઈ કે હું માત્ર બે કલાકમાં જ એક ટેડીબિયર બનાવી લેતી અને બાકીનો સમય ભણવામાં પસાર કરતી, આજના ટેડીબિયર દિવસે જ મને મારા જીવનની પ્રથમ કમાણી 730 રૂપિયા મળી હતી. ત્યારબાદ 17 ફેબ્રુઆરીએ પરીક્ષાના ફોર્મ ભરાયા અને ત્યાં સુધીમાં તો મેં ટેડીબિયર બનાવીને અંદાજીત રૂપિયા 2,170 જેટલો નફો કરી લીધો હતો. ત્યાર પછી ઉનાળાના વેકેશન સુધી આ નિત્યક્રમ ચાલુ રહ્યો, આજે પણ હોસ્ટેલની ઘણી સહભ્યાસીનીઓ ના ઘરે મારા હાથે બનાવેલું ટેડીબીયર મને યાદ કરતું હશે.
આજના દિવસે મને “જાત મહેનત જીંદાબાજ” નું સૂત્ર શીખવી મહેનત કરી રૂપિયા કમાતા શીખવ્યું છે…… A+
અંકિતા મુલાણી