“ઓ માધાકાકા આજ મોડા કા પડયાં. ત્રીજી દાણ ધક્કો ખવડાવ્યો.” સાયકલથી ઉતાવળે નીચે ઉતરી કાન્યો ઠાઠથી બગીચામાં દાખલ થયો.
કન્યાને લેરમાં જોઈ માધાકાકા બે ઘડી એને જોતા જ રહી ગયા, “એલા, શેરમાં ગ્યો’તો. પકલાએ કેવરાવેલુ હતું એ ફૂલ ગોતવા નિહર્યો’તો. માંડ હાથે ચડ્યું.”
“ઇ હંધુય મેલો ને પેલા આજનો હિસાબ વટાવો એટલે હું હટ વેતો થાઉં.”
“આ ઘોડે ચડીને કા આવ્યો? કોઈની જાન જાય છે કે?”
“તમે આશીર્વાદ આપો તો મારી જાન જાય, પણ પેહલા એ કહો કાકા, મેં કહેલું એ પ્રમાણે ફૂલોની વ્યવસ્થા થઈ?” પાછળથી વિલયતથી પાછો ફરેલ પ્રકાશ અને ગામલોકોનો પકલો બોલ્યો.
“હા, ઇ તો થઈ ગ્યું પણ તું પેલા કે, આ વનવગડાનો કાંટો આજ ફૂલ બની કા ફરે છે?” માધાકાકાએ પ્રકાશને ખીજવવા પૂછ્યું.
“કંઈ નવીન સે મોટાભાઈ?” કાન્યાએ પણ સ્મિત સાથે માધાકાકાને સાથ પુરાવ્યો.
“હા, આજે વેલેન્ટાઈન ડે છે! એટલે કે આજે પ્રેમનો દિવસ છે.” પ્રકાશ રાજી થતાં બોલ્યો. કાન્યો અને કાકા તો અચંબો પામી વિચારમાં પડી ગયા. આ તે ક્યું નવું ફતવું પકલાએ કાઢ્યું હતું. બન્નેના મોઢા જોઈ પ્રકાશ હસ્યો અને સમજાવવા લાગ્યો, “અરે, અરે… એમ ગોથા ન મારો. પ્રેમનો દિવસ એટલે… પ્રેમનો દિવસ! આ દિવસે છોકરા- છોકરી એક બીજાને પોતાના મનની વાત કહે. જેને પ્રમે કરતા હોય તેની સામે વ્યક્ત કરે અને ભેટ આપે. જેમ હું આજે તારી થનાર ભાભીને આ ફૂલ આપીને મારા મનની વાત કહીશ.” પકલાએ કાન્યાને ટપલી મારતાં કહ્યું.
કાન્યો ચમક્યો,” પ્રેમ?! ઇ વળી હુ સે? હાળું ઈ મનેય થાહે?”
પ્રકાશથી હસવાનું રોકાયું નહીં, “અરે ઘેલા, પ્રેમ તો સૌને થાય. આજે નહીં તો કાલે તને પણ થશે.” કાનિયો તો જાણે દીવાસ્વપ્નમાં રાચતો હોય તેમ મલકાઈ રહ્યો હતો. ત્યાં માધાકાકા મૂંઝાણા,”પણ આપડા કાન્યાને પ્રેમ થયો ઈ કેમ ખબર પડે?”
“જુઓ કાકા, જ્યારે કોઈને જોઈને એમ થાય કે આખું જીવન એની સાથે જ વિતાવું છે એટલે પ્રેમ.”
આ સાંભળી રામ જાણે કાન્યાના મગજમાં શું ઘુરી ચડી, એતો કાકાના હાથમાંથી ફૂલો લઈ બમણી ઉતાવળે સાઇકલ પર બેઠો અને પેડલ મારવા લાગ્યો. ઉંબરે જઈ થોભ્યો. હાંફતો હાંફતો ઘરમાં પ્રવેશ કર્યો અને નજર ફેરવી. ચુલે એક સ્ત્રી લાલ સાડલો માથે ઓઢી કંઈક કામમાં પરોવાયેલી બેઠી હતી. કાન્યો મલકાણો અને હાથમાં થોભેલા ફૂલ સંતાડતો તે સ્ત્રી તરફ આગળ વધ્યો. તેની સામે ઊભો રહી બોલ્યો “આજે પ્રેમનો દિવસ છે. હું તને પ્રેમ કરું છું.” અને સંતાડેલા ફૂલો તેની સામે ધરી દીધા.
આજના સમયની હિન્દી મુવી હોય તો આ સીન જોઈને એમ જ લાગે કે કાન્યાનો રોંગ નંબર લાગ્યો, પણ હકીકતમાં કાન્યાએ રાઈટ નંબર જ લગાડેલો હતો. એ સ્ત્રી બીજું કોઈ નહીં પણ રમા હતી.ગઢપણમાં તરછોડાય એવા તો ઘણાં મા-બાપ હશે. વિધવા થયેલી રમાને એના દીકરાએ બહુ વહેલા તરછોડી. ત્યારથી બસ એક નાની એવી ઘોલકી અને એ જ એનું જીવન. રસ્તે એક વખત તેને એક રડતું બાળક મળેલું. એ આ કાન્યો. ત્યારે ઉંમર જાજી નહીં પણ સમજણ ખૂબ હતી. તપાસ કરતા ખબર પડી કે કાન્યો અનાથ થઇ ચૂક્યો હતો. દયા આવતા રમા કાન્યાને સમજાવતી હોય એમ પોતાની દશા કહી નાખી. કાન્યો સાંભળતો રહ્યો. રમા જ્યારે કાનીયાને કહેતી કે તેને મા કહીને બોલાવે તો તે ગુસ્સે થતો અને કહેતો, “તું મારી મા નથી. હું તને માં નહીં કહું.” આજે એ જ ગુસ્સો કાન્યાના ફૂલ જોઈ રમાને માથે ચડેલો હતો. કાનિયો આગળ કંઈ બોલે તેની પહેલાં જ રમા તેને વઢવા લાગી,”ભાન છે હુ બકે છો ઇ? આ રવાડે ચડાવા વાળો ઓલો વિલાયતથી આવેલ પકલો જ હશે. આ અંગ્રેજો ગ્યાં ને પકલાને મૂકતા ગ્યાં. કેતી’તી કે પકલાથી છેટો રે જે. જો છોકરા, આ હંધૂય ન્યાં શોભે. આઈ આવું ના પોહાય.”” એલી પણ ડોશી, ખમ્મા કરી જા, મારી વાત તો હાંભળ.”” જો પેલા તું ટાઢી થા. પ્રેમના દિવસે પ્રેમ કરાય, આમ માથું ગરમ ના કરાય. હું તને પ્રેમ કરું છું અને આખી જિંદગી તારી હારે આમ જ માદીકરાની જેમ રહેવા માગું સુ.”આટલું સાંભળતા જ રમા ભોંઠી પડતા રાજી થઈ. થોડું વિચાર્યું પછી બોલી, “આ ડોશી તારી માને કે જે.”” એ હોં ડોશી, હવે તને હું ડોશી જ કઈશ!”