એક હાથી નદીમાં ન્હાઈને નિકળ્યો. રસ્તા પર થોડે દૂર ગયો તો એક પુલ આવ્યો. પુલ પર સામેથી એક ગંદુ-ગોબરુ ભૂંડ આવતું હતું. હાથી પુલ પર બાજુએ ઉભો રહ્યો, જેથી ભૂંડ પસાર થઈ શકે. ભૂંડે તેની વસ્તીમાં જઇને અભિમાન કર્યું, “આપણો કેવો વટ! હાથી પણ ગભરાઈને બાજુમાં ખસી ગયો.” બીજા હાથીઓ પાસે આ વાત પહોંચી. તેમણે તેમના દોસ્તને પૂછ્યું, “તું ભૂંડથી ડરી ગયો હતો?” હાથીએ હસતાં-હસતાં કહ્યું, “હોતું હોય! એને તો મેં આસાનીથી પગ નીચે કચડી નાંખ્યું હોત, પણ હું ન્હાઈને આવ્યો હતો. એ બહુ ગંદુ હતું. એને કચડવા જતાં હું ગંદો થઈ ગયો હોત. મને થયું આની સાથે શું લડવાનું. હું ખસી ગયો.”
આપણી સામે આવતી પ્રત્યેક પરિસ્થિતિ, પ્રત્યેક કોમેન્ટ કે પ્રત્યેક ઓપિનિયનને આપણા રિએક્શન્સની જરૂર નથી હોતી. કેટલીય વસ્તુઓ અને વ્યક્તિઓ આપણા સમય અને ઉર્જાને લાયક હોતી નથી. એટલું જ નહીં, આપણી અંદરના પ્રત્યેક વિચાર કે લાગણીઓ સાથે પણ એંગેજ થવું જરૂરી નથી.
બહારની કે અંદરની, લડાઈઓ એવી જ લડાય, જેમાં આપણા લક્ષ્યો પાર પડતાં હોય અને જે પ્રગતિ કરવામાં આપણને મદદરુપ હોય.