“કોલેજમાં છેલ્લાં વર્ષોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે કોલેજના મેદાનમાં સવારે આઠ થી દસ ધુળેટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.” આ રંગોત્વસવની જાહેરાતથી બધા ખુશ થઈ કાલની રાહમાં છુટા પડ્યાં.
બીજે દિવસે ધુળેટીના રંગોમાં ભંગ પાડતી કારમી ચીસ સંભળાઈ, ઓચિંતો જ સન્નાટો છવાઈ ગયો અને હિરવા લોહીથી લથબથ ભોંય પર પડી હતી.
બનાવના બે દિવસ પહેલા જ ધવલે હિરવા સમક્ષ પ્રેમ પ્રસ્તાવ રાખ્યો હતો ત્યારે હિરવાએ જે અંદાજથી પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો એનું જ આ પરિણામ લાગતું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાં બધાને 180 વોલ્ટનો ઝટકો લાગ્યો.કેમ કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ હિરવા ગર્ભવતી હતી. તો એ બાળકનો પિતા કોણ ? હત્યા કોણે કરી? ધવલે કે પછી કોઈ અજાણ્યા વ્યક્તિએ? હત્યા કર્યા બાદ એ હથિયારનું શું થયું?
પોલિસ પણ વિચારતી હતી. કોલેજની સી.સી.ટી.વીની ફૂટેજ જોતાં હિરવાની આસપાસ કંઈ શંકાસ્પદ જણાતું ન હતું, તો પછી, આ ખૂન કેમ? ખૂની કોણ?
બે દિવસ પછી પોલિસ સ્ટેશને એક નનામી પત્ર આવ્યો, “હિરવાના ખૂની વિશે જાણવું હોય તો કોલેજ કેન્ટિનમાં જલ્દી આવો.” આશાનું કિરણ સમજી પોલિસ ત્યાં પહોંચી તો જાણવા મળ્યું કે કોલેજ રસ્તો પસાર કરવા જતાં કોલેજના એક વિદ્યાર્થીનું મૃત્યું થયું છે અને તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે મરનાર વ્યક્તિએ જ ફોન કરેલો. પોલીસને મઝધારે નાવ ડૂબતી લાગી.
મરનાર અજાણ વ્યક્તિ અને હિરવાનો ફોન રેકોર્ડ સરખાવતા ખ્યાલ આવ્યો કે બંને વચ્ચે ઘણાં ફોન થયેલાં, વધુ તપાસથી ખ્યાલ આવ્યો કે એ કોલેજની બાજુની કંપનીમાં એક વર્ષથી જોબ કરતો હતો તેનું નામ પ્રણવ પટેલ હતું. તે હિરવાની બાજુની સોસાયટીમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો હોનહાર યુવાન હતો. બંને એકબીજાને પ્રેમ કરતાં હતાં. તો પછી આ યુવાનનો અકસ્માત હતો કે એનું પણ ખૂન થયું હતું! પોલિસને આ કેસની મઝધારમાં તપાસની કશ્તી તોફાને ચડતી લાગી.
પ્રણવની ઓફિસે તપાસ કરતાં એક વાત જાણવા મળી કે ચાર દિવસ પહેલાં લેન્ડ લાઈન પર કોઈ યુવતીનો ફોન પ્રણવ માટે હતો. પણ એ ફોનનો ઉલ્લેખ હિરવાના રેકોર્ડમાં નહોતો. ફરી તપાસ કરી તો એક બીજો નંબર કોમન લાગ્યો. એ હતો હિરવાની મિત્ર રાગિણીનો.
પોલિસ અને શિક્ષક દરેકને એક જ નજરથી મૂલવે. રાગિણીની પુછપરછ કરતાં એ વધુ સહન ન કરી શકી. રાગિણીએ કબૂલ્યું કે, “મને પ્રણવ ખૂબ ગમતો, પણ પ્રણવ માટે હિરવા જ સર્વસ્વ હતી. મે પ્રણવને ઘણી વખત આકર્ષવાની, બંને વચ્ચે ઝઘડો કરાવવાની કોશિશ કરી, છતાં પરિણામ શૂન્ય, મને ચાર દિવસ પહેલા ખ્યાલ આવ્યો કે હિરવાતો પ્રણવના બાળકની મા બનવાની છે એટલે મે આ પગલું ભર્યું.”
રાગિણીને આટલું બોલતાં થાક લાગ્યો. પરસેવે રેબઝેબ એ ભયથી થરથર કાંપતી હતી. પોલિસે પૂછ્યું, “એ હથિયાર ક્યા?” ત્યારે રાગિણીનો જવાબ સાંભળી પોલિસ હતપ્રભ બની. હત્યા માટે બરફની નાની ધારદાર છરી વાપરેલી જે થોડી મિનિટોમાં ઓગળી ગયેલી.
અંતમાં રાગિણી ધ્રુસકે ધ્રુસકે રડતાં બોલી, “મને એમ હતુ કે હવે પ્રણવ મારો જ રહેશે પણ કુદરતે જ હિરવા અને પ્રણવનું સ્વર્ગે મિલન કરાવી આપ્યું. મારી પ્રણય નૈયા કિનારે જ ડૂબી.”
પોલિસની કામગીરી પૂર્ણ થઈ. લોકોમાં એક સવાલ ઘર કરી ગયો કે શું કોઈ મિત્ર આવી હોય?
~ જાગૃતિ કૈલા, ઊર્જા