સ્ત્રી કહો કે નારી, દુર્ગા કહો કે કાલી
અંબાની શક્તિ કે સરસ્વતીની વાણી
એક જ સ્વરૂપમાં અનેક ને સમાવતી
શક્તિસ્વરૂપા દરેકમાં સર્વશક્તિશાળી
સૌપ્રથમ તો દુનિયાની દરેક સ્ત્રીશક્તિને મહિલા દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્ત્રી, નારી, મહિલા, ઔરત કહો કે વુમન એ એક એવી શક્તિ છે જેના પર આ દુનિયા આધારિત છે, પણ મજાની વાત તો એ છે કે આ દુનિયા જે પોતે એના પર આધારિત છે એ હંમેશા સ્ત્રીને પોતાના પર આધારિત બનાવવા મથતી રહે છે!
સ્ત્રી કે જેની સંઘર્ષયાત્રા જન્મ પહેલાથી જ શરૂ થઈ જાય છે, એને આ સમાજમાં અબળાનું બિરુદ આપીને નવાજાય છે! આપણા સમાજમાં સ્ત્રીઓ હંમેશા પોતાની જાતને સાબિત કરતી રહી છે, પછી તે ઈતિહાસ હોય કે વર્તમાન, છતાં આપણા સમાજની માનસિકતામાં કંઈ ખાસ ફર્ક નથી. આજના કહેવાતા મોર્ડન સમાજમાં પણ દીકરી કરતા દીકરાના જન્મની લાલસા વધુ જોવા મળે છે, અરે આખરે સ્ત્રીઓએ શું બગાડ્યું છે તમારું? આપણે એક એવી માનસિકતા ધરાવતા સમાજમાં રહીએ છીએ કે જ્યાં એક સ્ત્રીનું મહત્વ એ પુત્રીને જન્મ આપે છે કે પુત્રને એના આધારે હજુ પણ નક્કી કરવામાં આવે છે! અપવાદ બધે જ હોય છે, પણ આ આપણા સમાજની માનસિકતાની કડવી વાસ્તવિકતા છે. અરે! પુત્રનો જન્મ થાય કે પુત્રીનો એ કંઈ સ્ત્રીના હાથમાં થોડી છે! જ્યારે એક સ્ત્રી નવા જીવને આ દુનિયામાં લાવવાની હોય ત્યારે એની બીજી બધી ઉપલબ્ધીઓ એક તરફ અને પુત્રને જન્મ આપવાની ઉપલબ્ધી બીજી તરફ!
આપણે ત્યાં પુરુષ તો ઠીક સ્ત્રી જ સ્ત્રીની વિરોધી જણાય છે. એક સ્ત્રી જ જ્યારે બીજી સ્ત્રીને ન સમજી શકે એથી વધુ કરૂણતા શું હોય શકે? આપણે બધા બહુ ઉત્સાહથી 8 માર્ચને મહિલા દિન તરીકે ઉજવીએ છે. સ્ત્રીના સન્માન અને સ્ત્રીત્વની ઉજવણી માટેના વિવિધ કાર્યક્રમો યોજીએ છીએ અને યોજવા પણ જોઈએ પણ શું આ એક દિવસની ઉજવણી કરીને આ સમાજને પરવાનો મળી જાય છે અન્ય દિવસોમાં સ્ત્રી સાથે મનફાવે તેમ વર્તવાનો? શું સ્ત્રીનું સન્માન એ માત્ર કોઈ એક દિવસને આભારી છે?
સ્ત્રીની સ્વતંત્રતા એ સ્ત્રીનું સ્વાભિમાન છે, જેને આ દુનિયા હંમેશા અભિમાન સમજીને ખરેખર જે અસલામતી એ પોતે અનુભવે છે, તે અસલામતીનો અહેસાસ સ્ત્રીને કરાવતી રહે છે. જ્યારે કોઈ સ્ત્રી દેશને ગૌરવ અપાવે છે, ત્યારે તેનું સન્માન કરવામાં આવે છે અને થવું પણ જોઈએ જ. પણ જ્યારે દેશની ગરિમા એવી સ્ત્રીના સન્માનને જ્યારે તાર તાર કરવામાં આવે છે, ત્યારે આ દેશની કોઈ ફરજ નથી? આજે આપણે એક તરફ મહિલા દિન ઉજવી રહ્યા છીએ અને બીજી તરફ આપણા દેશમાં સ્ત્રીઓ સાથે થયેલ બળાત્કાર, અત્યાચાર, એસિડ અટેક જેવા અઢળક કેસો પર તારીખો પર તારીખો અપાતી હોય છે. આ મહિલા દિનની ઉજવણી ક્યારેક તો નર્યા દંભ જેવી લાગે છે કેમ કે સ્ત્રીઓ કેટલી સલામત છે અને સ્ત્રીને કેટલું સન્માન અપાય છે એના કિસ્સાઓ તો રોજ આપણે છાપાઓમાં વાંચીએ જ છીએ અરે! અમુક તો છપાતા જ નથી!
છેલ્લી વાત :
“હવા સમી સ્વતંત્ર, જે શ્વાસ છે આ દુનિયા તણો,
એ જ સ્ત્રીત્વને બંધનોમાં બાંધવા સમાજ મથતો.”
– “જાનકી”
જાગૃતિ તન્ના “જાનકી”
Related