અગસ્ત્ય બક્ષી
“અગસ્ત્ય, તું એ પાગલ સ્ત્રીને જીવનભર સહન કરવાનું વિચારી રહ્યો છે? એ મંદબુદ્ધિ બાઈથી મને ડર લાગે છે. વહેલામાં વહેલી તકે તેનાથી છુટકારો મેળવ! મેં જે કહ્યું, તે સાંભળ્યું કે નહીં?”
નિરંતર, મમ્મી મારી પાછળ ફરિયાદ કરી રહ્યા હતા. હું ચૂપ રહ્યો અને મારી આંખો બારીની બહાર હતી. એક કરતાં વધુ કારણોસર મારું હૃદય ખૂબ જ દુઃખી હતું. મારા જીવનનો પ્રેમ, મારી પત્ની અનન્યા બીમાર હતી, ખૂબ જ બીમાર હતી. આ સમયે તેને મારી સૌથી વધુ જરૂર હતી. ફકત મારી જ નહીં, તેની સારવાર માટે પરિવારનો આધાર અને સમજ અત્યંત આવશ્યક હતું. તેથી, મારા મમ્મી, સવિતાની અનન્યા વિશે ખરાબ વાત સાંભળવી મારા માટે એકદમ અસહ્ય હતું. દેખીતી રીતે સ્પષ્ટ હતું, કે મમ્મી અનન્યાની વર્તમાન સ્થિતિથી અજાણ હતા.
શ્રીમતી સવિતા બક્ષી, મારા મમ્મી રોકાઈ જ નહોતા રહ્યા, તે એક પછી એક સતત અનન્યાની શિકાયત કરી રહ્યા હતા. “તારી પત્ની ઘરમાં રહેવાને યોગ્ય નથી. હિંસક વ્યક્તિ સાથે આપણે કેવી રીતે રહી શકીએ? તે ખતરનાક છે, જો તે તારી ગેરહાજરીમાં મારા પર હુમલો કરશે તો?”
“મમ્મી!?!” પણ તે ક્યાં રોકાવાના હતા?
“તે અનન્યાનું તાજેતરમાં અવલોકન નથી કર્યું? તે દિવસે દિવસે વિચિત્ર બનતી જાય છે. તે કહે છે કે તેને એવી વસ્તુઓ દેખાય અને સંભળાય છે જેનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ જ નથી. હું તને કહું છું અગસ્ત્ય, તારી પત્ની ગાંડી થઈ ગઈ છે, તેને માનસિક હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. કાશ કે તેના માતા-પિતાએ તેને થોડી સારી કેળવણી આપી હોત!”
હું હજી પણ મમ્મી તરફ વળ્યો નહીં. મારું હૃદય મારી છાતીમાં દબાઈ રહ્યું હતું, વેદનાથી ધ્રૂજી રહ્યું હતું અને મેં મારી આંખો બંધ કરી નાખી, જાણે તેનાથી મમ્મીની ખોટી માન્યતાઓ અને આરોપોની કઠોર વાસ્તવિકતા ધૂંધળી થઈ જાત.
મારી અનન્યા સાથેના સુખી સમયની તસવીરો મારા મગજમાં ચમકી આવી. હકીકતમાં, તે સુંદર, સંભાળ રાખનાર અને પ્રેમાળ છે. આજ કરતા પહેલાના સારા દિવસોમાં, અમે સાથે મળીને કેટલીક અદ્ભુત યાદો બાંધી હતી, જ્યાં સુધી કુદરતની ક્રૂરતાએ અમારા પર તેની યુક્તિ ન ચલાવી, મારી અનન્યાને સૌથી વધુ રહસ્યમય બીમારી આપી; તે ફક્ત સામાન્ય માણસ માટે વિચિત્ર નથી, પરંતુ મોટાભાગના ડોકટરો પણ મૂંઝવણમાં મુકાય ગયા છે.
“અગસ્ત્ય! શું તું મારી વાત સાંભળી પણ રહ્યો છે કે પછી હું મારું માથું દિવાલ સાથે અથડાવી રહી છું? કંઈક તો બોલ!” મમ્મીનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો.
બારીમાંથી મારી આંખો ખેંચીને, હું મમ્મી તરફ ફર્યો. મારી જગ્યા પરથી હલ્યા વગર મેં ખિસ્સામાં હાથ નાખ્યા અને દરેક શબ્દ ઉચ્ચારતા, નરમ, પરંતુ મક્કમ અવાજમાં કહ્યું, “સ્કિઝોફ્રેનિયા. મારી અનન્યા પાગલ નથી, તે સ્કિઝોફ્રેનિયાના રોગથી પીડિત છે.”
મમ્મી ચિડાઈ ગયા. “હવે એ શું છે? મેં તો પહેલાં ક્યારેય નથી સાંભળ્યું! મને ખાતરી છે કે તેનો અર્થ ગાંડપણ જ હશે!”
એક ચીંથરેહાલ હતાશ નિસાસો બહાર કાઢી, અમારી વચ્ચેનું અંતર મટાડી, મેં તેમનો હાથ પકડીને મમ્મીને સોફા પાસે લઈ ગયો. અમે બેઠા અને મેં તેમને પાણી પીવા દબાણ કર્યું. અનન્યાની માવજતમાં મમ્મીનો આધાર અને સહાનુભૂતિ અત્યંત જરૂરી હતી. એટલે આવશ્યક હતું કે મમ્મી સંપૂર્ણપણે સમજી લે કે મારી પત્ની કેવા હાલતથી પસાર થઈ રહી હતી.
ખૂબ જ કાળજી સાથે શબ્દો પસંદ કરતા, મેં ખુલાસો આપ્યો. મેં તેમનો હાથ મારા હાથમાં લીધો અને શરૂ કર્યું, “મમ્મી, પ્લીઝ મારી વાત સાંભળો અને ખુલ્લા મનથી સાંભડજો. સાથોસાથ, હું તમને જે કહેવાનો છું તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનો પ્રયાસ કરો. સ્કિઝોફ્રેનિયા એક રોગ છે. એક માનસિક બીમારી જે તમને વાસ્તવિકતા વિશે મૂંઝવણમાં મૂકી દે. તમે એવી વસ્તુઓ જુઓ અને એવા અવાજો સાંભળો જેનું કોઈ અસિત્તવ જ નથી, જે અન્ય લોકો ન અનુભવતા હોય. અનન્યા ક્યારેય કોઈને નુકસાન નહીં પહોંચાડે. સ્કિઝોફ્રેનિયા એવો રોગ નથી જેનાથી લોકોએ ડરવું જોઈએ. તે કોઈપણ સમયે અને કોઈની સાથે પણ થઈ શકે છે.”
થોડીવારના શાંત ચિંતન પછી, મમ્મીએ તેના અસ્સલ ડરને અવાજ આપ્યો. “દીકરા, આ તો ચોક્કસપણે ભયાનક લાગે છે. આપણે તેની સંભાળ કેવી રીતે રાખીશું? જો દિવસે દિવસે તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ તો? શું તેને અખંડ મેડિકલ દેખરેખની જરૂર નથી?”
મેં સંમતિમાં માથું હલાવ્યું, મમ્મીની ચિંતાએ મને તેમના સહકારની આશા આપી. “મમ્મી, સતત દવા, પ્રેમ અને પરિવારના સહયોગથી તે આપણી જેમ જ સામાન્ય જીવન જીવી શકશે. મને એક વાત કહો. જ્યાં સુધી તેને આ રોગ હોવાનું નિદાન નહોતું થયું, ત્યાં સુધી તે હંમેશા એક સારી પુત્રવધૂ અને પત્ની નથી રહી? તેના અગાઉના વર્તનને યાદ કરો.
મમ્મી ફરી શાંત થઈ ગયા. આ બાબત પર વિચાર કરવાની તેમની ઇચ્છાએ મને તેમને વધુ સમજાવવા પ્રોત્સાહિત કર્યો. “મમ્મી, સ્વાભાવિક છે કે અનન્યાને જીવનભર સારવાર અને ઉપચારની જરૂર પડશે. આ ઉપરાંત, તે આપણો પ્રેમ અને સમજણ છે જે તેને સામાન્ય જીવન જીવવામાં મદદ કરશે.”
“પણ અગસ્ત્ય, જો તું આખો દિવસ કામે જતો રહીશ, તો હું એકલા હાથે તેની સંભાળ કેવી રીતે રાખીશ? તદુપરાંત, બાળકો વિશે શું? શું તું તારુ પોતાનું પરિવાર શરૂ કરવા નથી માંગતો?”
તેમને એક હાથે આલિંગન આપીને, મેં મમ્મીને તેમની સમસ્યાઓ માટે આશ્વાસન આપ્યું, જેના મારી પાસે પહેલેથી બધા જવાબ તૈયાર હતા. “તમારે કંઈ ચિંતા કરવા જેવું નથી. મેં બધું જ વિચાર્યું છે. સૌપ્રથમ, મેં મારી કંપનીને વિનંતી કરી છે કે મને કાયમી ઘરેથી કામ કરવાની મંજૂરી આપે અને સૌથી સારી વાત એ છે કે તેઓએ મારી આજીજી સ્વીકારી લીધી છે. તેથી હું અનન્યા સાથે ચોવીસ કલાક રહીશ. અનન્યા પણ હવે ઓફિસ નહીં જાય, હવે તે ઘરેથી જ કામ કરશે. તમારા બીજા ટેન્શન વિશે એમ છે કે ચોક્કસ અમને બાળક જોઈએ છે.”
“પરંતુ શું તે અનન્યાની સ્થિતિમાં શક્ય થશે?”
મેં સ્મિત કર્યું. “હા માં, શક્ય છે. તમામ સાવચેતીઓ સાથે નિષ્ણાત તબીબી દેખરેખ હેઠળ, અમે માતાપિતા બની શકીએ છીએ.”
મમ્મીના ચહેરા પરની રાહત હાસ્યજનક હતી જ્યારે તેમણે આખરે સ્મિત કર્યું. “અગસ્ત્ય, હું એની દુશ્મન નથી, મારે ફક્ત તારું સુખ જોઈએ છે દીકરા. આશા છે કે તું આ બાબત સમજી શકીશ.”
હું મમ્મીને ભેટી પડ્યો. “હાં માં, હું જાણું છું, તમારે ઉલ્લેખ કરવાની પણ જરૂર નથી.”
અનન્યા બક્ષી
“અગસ્ત્ય, અગસ્ત્ય!! તમે ઇન્સાનના રૂપમાં ભગવાન છો કે ભગવાનના રૂપમાં ઈન્સાન??”
એવા સંજોગોમાં જ્યાં મને મારી જાત પર ભરોસો નથી રહ્યો, એવી દુનિયામાં જ્યાં દરેક વ્યક્તિએ મારા રોગને મનઘડંત માન્યતા આપી દીધી છે, આવી ચિંતાજનક પરિસ્થિતિઓમાં, મારા પતિ એક વિશાળ સ્તંભની જેમ મારી પડખે ઊભા છે. તે મારા માટે લડી રહ્યા છે અને મારી મૌન વિનંતીનો અવાજ બની ગયા છે. શું હું એમનાથી વધુ સારા જીવનસાથીની કલ્પના કરી શકત?
અનૈચ્છિક રીતે, કૃતજ્ઞતાના આંસુ મારા ગાલ ઉપર વહેવા લાગ્યા જ્યારે હું નિશબ્દ દરવાજાની પાછળ ઊભી ઊભી માં દીકરાની દલીલ સાંભળી રહી હતી. મેં જે સાંભળ્યું અને જે હું મહેસૂસ કરી રહી હતી તેના મિશ્રણમાં હું એટલી બધી મગ્ન થઈ ગઈ કે મને ખ્યાલ જ ન રહ્યો ક્યારે અગસ્ત્યએ આવીને મારા ખભા પર હાથ મૂક્યો. તેમણે પ્રેમથી ધીમા સ્વરે પૂછ્યું, “અનુ, શું થયું સ્વીટહાર્ટ?”
હું લાગણીઓથી ગૂંગળાઈ રહી હતી. તેમને ગળે લગાડતી વખતે, મારા હોઠ પર સ્મિત ફરકી ગયું. મેં તેમની આંખોમાં જોઈને ટિપ્પણી કરી, “અગસ્ત્ય, આ એક જીવનકાળ તમને પ્રેમ કરવા માટે પૂરતું નથી અને તમને મારા જીવનમાં લાવવા માટે ભગવાનનો આભાર માનું છું. યુ આર ધ બેસ્ટ પતિદેવ મહારાજ!”
તે હસી પડ્યા અને મારી આસપાસ તેમની પકડ મજબૂત કરી નાખી. “ડોન્ટ બી સિલી અનુ. જો પાસા ફેરવવા પડે અને જો હું આ રોગથી પીડાતો હોત, તો શું તું મારા માટે પણ આ જ બધું નહીં કરતે?”
મેં હૃદયના એક ધબકારામાં જવાબ આપ્યો, “મોસ્ટ ડેફિનેટલી કરતે, કોઈ પણ શંકા વગર.”
શમીમ મર્ચન્ટ