સર્વે દેવી-દેવતાઓ સ્વર્ગમાં બિરાજીત છે પરંતુ જગત કલ્યાણ હેતુ ભગવાન શિવ પૃથ્વી ઉપર કૈલાશમાં બિરાજમાન છે અને તેઓ સમગ્ર ભારતમાં 12 જ્યોતિર્લિંગરૂપે સાક્ષાત વિદ્યમાન છે. આ જ્યોર્તિલિંગોમાં ક્રમશઃ સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, અમ્લેશ્વર, કેદારનાથ, ભીમેશ્વર, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, રામેશ્વર, નાગેશ્વર અને ઘુશ્મેશ્વર છે, જેને સ્તોત્રનાં રૂપે નીચે મુજબ ગાવામાં આવે છે.
સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ |
ઉજ્જયિન્યાં મહાકાલમં ચ ૐકારમમલેશ્વરમ્ ||૧||
પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશઙ્કરમ્ |
સેતુબન્ધે તુ રામેશં નાગેશં દારુકાવને ||૨||
વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યમ્બકં ગૌતમીતટે |
હિમાલયે તુ કેદારં ઘૃશ્મેશં શિવાલયે ||૩||
એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાત: પઠેન્નર: |
સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ ||૪||
|| ઇતિ દ્વાદશજ્યોતિર્લિઙ્ગસ્મરણં II
👉 સૌપ્રથમ સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ આવે છે. સોમનાથ મહાદેવના જ્યોતિર્મય રૂપના પ્રાગટ્ય સંબંધી કથાનો ઉલ્લેખ શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના અધ્યાય 8 થી 14 માં જોવા મળે છે. તેમાં વર્ણિત કથાનુસાર પ્રજાપતિ દક્ષે તેમની 27 કન્યાઓના લગ્ન ચંદ્રમા સાથે કરાવ્યા. અલબત્ ચંદ્રમા તો માત્ર પત્ની રોહિણીના જ પ્રેમમાં ખોવાયેલા રહેતા. અન્ય પત્નીઓ પર ધ્યાન ન દેતા. ચંદ્રદેવના આ વર્તનથી ક્રોધિત થઈ પ્રજાપતિ દક્ષે ચંદ્રદેવને ક્ષયરોગ થવાનો શ્રાપ આપી દીધો. શિવપુરાણમાં ઉલ્લેખ અનુસાર ચંદ્રદેવને ક્ષયરોગ થવાથી રાત્રીના સમયે સૃષ્ટિ પર ઘોર અંધકાર છવાઈ ગયો. આ મુસીબતમાંથી બહાર નીકળવા ચંદ્રમા અને દેવતાઓએ બ્રહ્માજીનું શરણું લીધું. ત્યારે બ્રહ્માજીએ તેમને ‘પ્રભાસ’ ક્ષેત્રમાં જઈ દેવાધિદેવનું વિધિવત્ અનુષ્ઠાન કરવાની સલાહ આપી. કહે છે કે બ્રહ્માજીની આજ્ઞાથી ચંદ્રમાએ સતત 6 મહિના સુધી પ્રભાસની ભૂમિ પર તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા. શિવજીએ ચંદ્રદેવના શ્રાપને હળવો કરતા કહ્યું કે,
“હે ચંદ્રદેવ ! તમારું પૂર્ણપણે શ્રાપમુક્ત થવું શક્ય નથી પરંતુ હું શ્રાપને હળવો કરી શકું છું. આજથી ૧૫ દિવસ સુધી વધતો અને પછી ૧૫ દિવસ ઘટતો થશે.” મહાદેવની કૃપાથી સર્વ દેવતાઓએ તેમનો જયકાર કર્યો, અને પછી મહાદેવને પ્રભાસમાં જ બિરાજમાન થવાની પ્રાર્થના કરી. સર્વની પ્રાર્થનાને વશ થઈ ભક્તવત્સલ મહાદેવ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રભાસમાં બિરાજમાન થયા. લોકવાયકા અનુસાર સોમનાથ મહાદેવ માટે ચંદ્રદેવતાએ સુવર્ણમાંથી, રાવણે ચાંદીમાંથી જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનકાષ્ઠમાંથી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. પુરાણોમાં ઉલ્લેખ અનુસાર દેવાધિદેવ મહાદેવ હંમેશાથી જ યદુકુળના આરાધ્ય રહ્યા છે. કહે છે કે એટલે જ શ્રીકૃષ્ણએ તેમના આ આરાધ્યની સમીપે દ્વારિકામાં જ તેમની નગરી વસાવી હતી. શ્રીકૃષ્ણ તેમના જીવનકાળ દરમિયાન વારંવાર સોમનાથના દર્શનાર્થે આવ્યા હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. સોમનાથ મહાદેવનું મંદિર વાસ્તુ અને વિનાશનું સાક્ષી પણ બનતું રહ્યું છે. મંદિરની રક્ષાર્થે અનેક વીરોએ તેમના પ્રાણનું બલિદાન આપ્યું છે. ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સને ૧૭૮૭ માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો હતો. 1947માં ભારતની આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલ આ તીર્થસ્થાનની મુલાકાતે આવ્યા. સોમનાથના ખંડેરોને જોઈ તેમણે નવમંદિર નિર્માણનો સંકલ્પ લીધો અને વર્ષ 1951ની 11મી મેના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના વરદ હસ્તે સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. મૂળ સોમનાથ મંદિર ત્રિકૂટાચલ પ્રકારનું હતું. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું છે. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે કહ્યું કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે”. એ સમયે ૧૦૧ તોપોનું મહાદેવજીને સન્માન અપાયું હતું. નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી. સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ આ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતા. અનેક વિધ્વંસો બાદ પણ સોમનાથનું સ્થાનક વારંવાર બેઠું થયું છે. આજે તો તેની ભવ્યતા જાણે આકાશને સ્પર્શી રહી છે. સર્વ પ્રથમ શિવધામ મનાતું હોઈ દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથમાં દર્શનાર્થે આવે છે. કહે છે કે જે એકવાર સોમેશ્વરના દર્શન કરી છે, તેના મનમાં સોમનાથ દાદાનું સ્મરણ સદૈવને માટે સ્થિર થઈ જાય છે.
🛕 જય સોમનાથ 🚩
Mansi Desai