રમણલાલ શેઠ ખુબ ધની માણસ છતાં પણ ચંચળ એમની વૄત્તીને કારણે ઘરમાં લક્ષ્મી ટકે નહીં. અધુરામાં એમણે વ્યાજે રૂપિયા આપવાનું શરું કર્યુ. શેઠાણીએ ખુબ સમજાવ્યા પણ માન્યા નહીં. અંતે થયું એવું કે વ્યાજે રૂપિયા લીધેલાં ઘણા લોકોએ પૈસા આપ્યા નહીં અને શેઠને ખુદ બીજા પાસે વ્યાજે લેવા પડે એવી પરિસ્થિતિ થઈ. શેઠ વધું એ આઘાત ના સહી શક્યા અને હ્રદયના ધબકારા ચુકી જીવન ટુંકાવી ગયા. સુખનો રોટલો ખાઈ ઓડકાર ખાતો પરિવાર હવે ભુખ્યા તરવળતો હતો.
ઘણાં ને વ્યાજે આપેલા એમાંથી એક તવંગર જેવો ખેડુત કાનજી દર મહિનાની 12 તારીખે વ્યાજ ચુકવવા આવે, પૈસા તો હતા નહીં, ખેતરમાં વાવેલુ વ્યાજ રૂપે લાવે. સાવ ફટે હાલ એની દશા અને ગરીબી એના અંગે અંગ દેખાઈ આવે. રમણલાલ નો છોકરો રાહ જોઈ બેઠો હતો કે હમણાં કાનજી આવશે અને કાંઈક તાજા શાકભાજી લાવશે પણ કાનજી સાંજ થવા આવી તો પણ આવ્યો નહીં.
શેઠાણીએ એના છોકરાને કીધું કાલે કાનજીના ગામે જઈ વ્યાજ લઈ આવજે. છોકરો બીજા દિવસે ઉપડ્યો કાનજી ને ત્યા. ગામમાં સૌથી નાની ઝુંપડી કાનજીની, અંદર ગયો તો કાનજીનો છોકરો બુધો ચુલો સળગાવવાની કોશિશ કરતો હતો. અઢી હાડકા, જોઈને દયા આવી જાય એવો એ બુધો.
“કાનજી ક્યા છે?”
“બાપુ તો વાડીએ હસે.”
“કઈ આવશે?”
“આવવા જ જોઈ અને વળી તમે કોણ?”
“હું રમણલાલ શેઠનો છોકરો, વ્યાજ લેવા આવ્યો છું.”
“આવો..આવો.. માલિક. માફ કરજો બાપુ તમારી વાત હંમેશા કરતા પણ કોઈ દી તમને જોયા નહીં એટલે ઓળખી ના શક્યો. ”
“ભલે, વાંધો નહીં.”
કાનજી આવે છે અને જોવે છે તો શેઠનો છોકરો બેઠો છે.
“નાના શેઠ તમે મુજ ગરીબ ને ત્યા?”
“વ્યાજ લેવા આવ્યો છું.”
“હા હું એ જ લેવા ગયો હતો પણ તમે કાંઈ જમ્યા?”
“ના ના એ બધું હવે ઘરે જઈશ ત્યારે અહીં મને નહીં ફાવે.”
“માફ કરજો ગરીબ છું પણ તમને જમ્યા વગર તો નહીં જ જવા દઉ. એ બુધીયા ફટાફટ ખીચડી મુક હાલ.”
ઘરમા મુઠ્ઠી તુવેર હતી એની ખીચડી કરી પ્રેમથી નાના શેઠને જમાડી અને નાના શેઠને “ઓય્યા.. ઓય્યા..” પહેલા સુખના રોટલા જેવો ઓડકાર આવ્યો. નાના શેઠ રાજી થયાં થોડું જ વ્યાજ લઈ પાછા આવ્યા.
થોડા દિવસ રહીં કાનજી ગાડું ભરી તાજા શાકભાજી દેવા આવ્યો. ખરો તડકો હતો માથે, કાનજી થાકેલો શેઠાણીને કહે,
“પાણી પીવા અંદર આવું?”
“ના, ઉભો રે ત્યાં ને ત્યાં જ.”
પાણી પીધું અને ભુખ્યો કાનજી બોલ્યો,
“શેઠાણી, કાંઈક ખાવાનું આપોને.”
“વ્યાજ સમયે આપવું નહીં અને અમારું ખાવાનું માગે, પેલા બધું વ્યાજ પુરું કર પછી ખાવાનું આપીશ બાકી તારો એ ઉધાર ઓડકાર મને નહીં પોસાય.”
કાનજી ચુપચાપ ગાડું ખાલી કરી હાલવા માંડયો.
નાના શેઠ આ બધું જોઈ વિચારી રહ્યા ગરીબ કોણ છે કાનજી કે અમે? એણે મુઠ્ઠી તુવેર ખીચડીમાં મને સુખનો ઓડકાર આપ્યો અને અમે એને શું આપ્યુ…
સુનિલ ગોહિલ “માસ્તર”