આ વર્ષે કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક શો (સીઇએસ) નું આયોજન લાસ વેગાસ ખાતે થવાનું હતું, પરંતુ કોરોના મહામારીને પગલે પહેલી જ વાર વર્ચ્યુઅલી આયોજન થયું હતું. રસપ્રદ વાત એ છે કે કંપનીઓએ શોમાં મહામારીથી બચાવ કરી શકે તેવા ગેજેટ્સનું પણ નિદર્શન કર્યું હતું. મોટાભાગે આવા ગેજેટ્સ અને લોકોનું કામ કરનારા ગેજેટ્સ મુખ્ય ચર્ચામાં રહ્યા હતા. લોકો કાર્યાલયમાં પાછા ફરીને નોકરી કરી શકે, લોકડાઉનમાં લોકોની ચિંતાઓ ઘટાડી શકે અને ઘર બહાર હરતી ફરતી વખતે કોરોના સંક્રમણથી બચાવ થઈ શકે તેવા ગેજેડ્સનું કંપનીઓએ નિદર્શન કર્યું હતું. પહેલી જ વાર આવી ટેક્નોલોજીનું નિદર્શન થયું હતું. આ ઉપરાંત ટયૂનેબલ ગ્લાસ સહિતની પ્રોડક્ટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.ટેક ઉદ્યોગે કોરોના મહામારીને અનુકૂળ થઈને કન્ઝયુમર સીઇએસનું આયોજન વર્ચ્યુઅલ જ કર્યું હતું. દર વર્ષે જાન્યુઆરીમાં લાસ વેગાસ ખાતે સીઇએસનું આયોજન થતું હોય છે. ૧,૭૦,૦૦૦ લોકોએ ઓનલાઈન માધ્યમોથી આ ઇવેન્ટનો લાભ લીધો હતો.
અમેરિકામાં વેક્સિનેશનનો દોર શરૂ થઈ ચૂક્યો છે. લોકો તેમના ઘર છોડીને બહાર નીકળી શકે, નોકરી કરી શકે. બાયોબુટ્ટન કંપની તેમને તેમાં સહાયભૂત થવા પ્રયાસ કરી રહી છે. બાયોઇન્ટેલિસેન્સ કંપનીએ તે દરમિયાન સિક્કાના કદનું છાતી પર ધારણ કરી શકાય તેવું ઉપકરણ પેશ કર્યું હતું. તે ઉપકરણ શરીરના તાપમાન, શ્વસન અને ધબકારા, ઊંઘની ગુણવત્તા વગેરેને મોનિટર કરે છે. આ તમામ બાબતો પર નજર રાખીને તે ઉપકરણ તેને ધારણ કરનારી વ્યક્તિ કોરોના સંક્રમણના લક્ષણો તો નથી ધરાવતીને તેને ઓળખી કાઢે છે. ધારણ કરનારી વ્યક્તિ પોતાને બીમાર ના અનુભવતી હોય તે પણ આ ઉપકરણ સફળતા પૂર્વક કોરોના સંક્રમણના લક્ષણો પારખી જાય છે. કંપનીના એમડી જેમ્સ મૌલ્ટે તે સાથે જ ઉપકરણને વેપારી રાહે લોન્ચ કર્યું હતું. કંપની એફડીએની મંજૂરી મેળવી ચૂકી છે.
શોમાં જે ઉપકરણોનું નિદર્શન થયું હતું તે પૈકીના કેટલાક ઉપકરણો વ્યક્તિ ઘરની બહાર નીકળે ત્યારે તેની સંભાળ રાખવા માટે તૈયાર થયેલા છે. જ્યારે કેટલાક ઉપકરણો ઘરમાં જ વ્યક્તિની સંભાળ રાખવા તૈયાર થયા છે. પેટિટ કોબો રોબોટ ઘરની અંદર તકેદારી રાખવા તૈયાર થયો છે. આ રોબોટનું સ્વરૂપ હાછ કે પગ વિનાની બિલાડી જેવું છે. ચાર પ્રકારના ફરમાં તે મોડેલ ઉપલબ્ધ છે. જાપાની નિર્માતા યુકાઇ અન્જિનિયરિંગ દ્વારા તે રોબોટનું નિર્માણ થયું છે.
માસ્ક જીવન રક્ષક બની શકે તે માટે અનેક કંપનીઓ ટેક્નોલોજી પ્રયોગ કરતી રહી છે. એરપોપ કંપની આમ તો કોરોના મહામારી શરૂ થઈ તેના પાંચ વર્ષ પહેલેથી જ માસ્ક નિર્માણ કરી રહી છે. પરંતુ તેની મૂળ ડિઝાઇનમાં ફેરફાર કરીને તે હવાની ગુણવત્તા માપવાની ક્ષમતા પણ ધરાવતું થાય તેવી સંરચના થયેલી છે. એક્ટિવ પ્લસ તરીકે ઓળખાતા કંપનીના માસ્કના સેન્સર સ્માર્ટફોન સાથે સંકળાયેલા છે. માસ્ક પ્રતિ મિનિટ વ્યક્તિના શ્વાસને મોનિટર કરે છે.
અમેરિકી ટાર્ગુસ કંપનીએ વાઇરસને ખતમ કરી શકે તેવી કીબોર્ડ લાઇટ અને એન્ટિમાઇક્રોબાયલ બેકપેક જેવી પ્રોડક્ટનું શોમાં પ્રદર્શન કર્યું હતું. યુવી-સી લેડ ડિસઇન્ફેક્શન લાઇટ કીબોર્ડમાં પ્રવેશ કરવાની ક્ષમતા ધરાવતા ૯૯.૯ ટકા વાઇરસ, બેક્ટેરિયાનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. તે મોશન સેન્સર દ્વારા કામ કરે છે. દર કલાકે પાંચ મિનિટ લાઈટ ચાલુ થઈને ટેબલ અને અન્ય વસ્તુઓના વાઈરસનો નાશ કરે છે.
સીઇએસ દરમિયાન પેશ થયેલા ટયૂનેબલ ચશ્માંએ વેરેબલ ટેક્નોલોજી શ્રેણીમાં મેદાન મારી લીધું હતું. તે ચશ્માંને વર્ષ ૨૦૨૧ માટેના ઇનોવેશન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. રોજ વાંચવા લખવા માટે નંબર ધરાવતા ચશ્માંનો ઉપયોગ કરનારા નંબર વધઘટની સમસ્યાનો સામનો કરતા હોય છે. ટયૂનેબલ ચશ્માંએ તેમને રાહત કરી આપી છે. આ ચશ્માંની દાંડી નજીક ઉપરના ભાગે લાગેલું ડાયલ ગોળ ફેરવનીને જ ચશ્માંના નંબરની વધઘટ કરી શકાય છે. યૂઝર્સ પોતે જોઈ શકે તે રીતે ડાયલની મદદથી નંબર એડજસ્ટ કરી શકે છે. ડાયલની મદદથી માઇનસ પાંચથી પ્લસ બે નંબર સુધી ગ્લાસ એડજસ્ટ થઈ શકે છે.